બે પુત્ર અને પિતા સામે નોંધાતો હત્યાનો ગુનો: હત્યાનો ગુનો નોંધાયા બાદ પરીવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો
હુમલાના ડરથી યુવકે આપઘાત કર્યાનો આરોપીનો બચાવ પોલીસને ગેરમાર્ગે દોર્યો
શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતો અને ચાંદીકામ કરતો પટેલ યુવાન ગત સાંજે રૂ.૨૬ લાખની ઉઘરાણી કરવા જીયાણા ગામે ગયો ત્યારે એસીડ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાની પી.એમ રીપોર્ટમાં ખુલતા અંતે પોલીસે બે પુત્રો અને પિતા સામે કુવાડવા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
ગત કાલે ઉઘરાણીના મુદ્દે જીયાણા ગામે યુવકને એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતારી યુવકે છરી વડે પોતે અથવા અન્ય શખ્સોની મદદથી પોતાના પર ઈજા કરાવી પોલીસને ગેરમાર્ગે દોરી પોતાના પર મૃતકે છરી વડે હુમલો કર્યાનું અને મૃતકે પોતે એસીડ પી આપઘાત કર્યાનો ખોટી એલ.બી. ઉભી કરી પોલીસને ગેરમાર્ગે દોરી હોવાની ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના સંતકબીર રોડ પર કબીરવન સોસાયટી-૨માં રહેતા અને ચાંદીકામ કરતા જયેશ છગનભાઈ રામાણી નામનો પટેલ યુવાન ગત સાંજે કુવાડવા નજીક આવેલા જીયાણા ગામનો વતની અને મોરબી રોડ શ્રીરામ પાર્કમાં રહેતો કિશોર ચના રામાણીને ઉઘરાણી માટે ફોન કરતા કિશોર રામાણી નિવેદન કરવા જીયાણા ગામે હોય આથી જયેશ રામાણીને જીયાણા ગામે બોલાવ્યો હતો.
જયેશ રામાણી અને કિશોર રામાણી ઉઘરાણી મુદે થયેલી માથાકુટમાં જયેશ રામાણીને બળજબરીથી એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાની પોલીસમાં મૃતકના પિતા છગનભાઈએ જીયાણા ગામના કિશોર ચના રામાણી, જીતેન્દ્ર ચના રામાણી અને તેના પિતા ચના રામાણી વિરુઘ્ધ ફરિયાદ કુવાડવા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે બે પુત્રો અને પિતા સામે હત્યાનો ગુનો નોંઘ્યો છે. જયેશને બેભાન હાલતમાં હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જયાં સભાનઅવસ્થા દરમિયાન તેને કિશોર સહિતના લોકોએ બળજબરીથી એસિડ પીવડાવ્યા સુસાઈટ નોટ લખી હતી. જયેશ સારવાર દરમિયાન દમ તોડતા જયેશના પિતાએ કિશોરના પરિવારજનો પર હત્યાનો આક્ષેપ કર્યો હતો. પરંતુ કિશોર રામાણી પણ લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયો હતો અને પોલીસને જણાવ્યું હતું કે, જયેશ રામાણી અને તેની સાથે અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કરી પોતે મારા મકાનમાં એસિડ પી લઈ આપઘાત કર્યાનું જણાવ્યું હતું. પોલીસે જયેશના મૃતદેહને ફોરેન્સીક પી.એમ અર્થે મેડિકલ કોલેજમાં ખસેડી પી.આઈ એ.આર.મોડીયા સહિતના સ્ટાફે દુધનું દુધ અને પાણીનું પાણી કરવા તપાસનો ધમધમાટ શ કરેલ હતો. મૃતકના પરિવારજનો દ્વારા હત્યાનો ગુનો નોંધાયા બાદ મૃતદેહ ઉપાડવાની માંગ કરી હતી અને પરીવારજનો સહિત અગ્રણી હોસ્પિટલે દોડી ગયા હતા.
જયારે ફોરેન્સીક રિપોર્ટ આવતા જેમાં બળજબરીથી અને મૃતકના શરીરે ઈજાના નિશાન મળી આવતા અંતે કુવાડવા પોલીસ મથકના સ્ટાફે મૃતક જયેશભાઈના પિતા છગનભાઈની ફરિયાદ પરથી જીયાણા ગામના કિશોર ચના રામાણી, જીતેન્દ્ર ચના રામાણી અને ચના રામાણી સામે હત્યાનો ગુનો નોંધી પોલીસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો કિશોરની અટકાયત કરી તેમજ પોલીસને ગેરમાર્ગે દોરાવ્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.