ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોની પણ એક આગવી ઓળખ છે. તેમાં ઘણા બધા કલાકારોએ ગુજરાતી સિનેમા અને રંગભૂમિને એક આગવી ઓળખ આપી છે. જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, રમેશ મહેતા અરવિંદ રાઠોડ જેવા ઘણા બધા દિગ્ગજ કલાકારોનો સમાવેશ થાય છે. આજે ગુજરાતી રંગભૂમિ અને સિનેમા માટે એક દુઃખદ સમાચાર આવ્યા છે. નાટક અને ફિલ્મોના કલાકાર અરવિંદ રાઠોડનું નિધન થઈ ગયું.
અરવિંદ રાઠોડ પહેલા એક ફોટો જર્નાલિસ્ટ હતા. ત્યાર બાદ 1970માં તેને ગુજરાતી ચલચિત્રમાં અભિનયની શરૂઆત કરી. અરવિંદ રાઠોડે ઘણી યાદગાર ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેમાં બાબા રામદેવ પીર (1976), રાજા ગોપીચંદ (1979), શેતલ તારા ઊંડા પાણી (1986) અને, દીકરી ના દેશો કોઈ પરદેશ (2011) જેવી ફિલ્મો સામેલ છે.
ગુજરાતી સિનેમા સાથે અરવિંદ રાઠોડે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અરવિંદ રાઠોડે હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું છે. તેમની હિન્દી ફિલ્મોની વાત કરીયે તો તેમા કોરા કાગજ (1974), અગ્નિપથ (1986) અને, ખુદા ગવાહ (1992) જેવી ફિલ્મો સામેલ છે. આ સાથે અરવિંદ રાઠોડે ભારતીય ટેલિવિઝનમાં પણ મહત્વપૂર્ણ કામ કર્યું છે. ટીવી શો ‘થોડી ખુશી થોડો ગમ’માં અરવિંદ રાઠોડના અભિનયને લઈ ઇન્ડિયન ટેલી એવોર્ડ દ્વારા તેને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. છેલ્લે અરવિંદ રાઠોડ 2018માં શ્રીદત્ત વ્યાસ દ્વારા નિર્દેશિત ગુજરાતી ફિલ્મ ‘ટેન્શન થઈ ગયું’માં જોવા મળ્યા હતા.