જમ્મુ-કાશ્મીર પ્રશાસન ૧૦૦ એકર જમીન આપવા તૈયાર
તિરૂમાલા તિરૂપતિ દેવ સ્થાન બોર્ડના ચેરમેને લીધી મુલાકાત
વૈષ્ણોદેવી દર્શને જતા ભકતો વ્યંકટેશજીના દર્શન કરી શકશે
જમ્મુમાં ભગવાન વ્યંકટેશનું ભવ્ય મંદિર બનાવવા માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને જમ્મુ કટરા હાઇવે પર ૧૦૦ એકર જમીન આપવા તૈયારી બતાવી છે. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ ટ્રસ્ટી બોર્ડના ચેરમેને બુધવારે જમ્મુ-કાશ્મીર પ્રશાસને જે જગ્યાએ જમીન આપવા તૈયારી બતાવી છે એ જગ્યાની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યુ હતું.
તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં વ્યંકટેશ મંદિર બનાવવાની યોજના છે. આ મંદિર તિરૂમાલા તિરૂપતિ વ્યંકટેશ મંદિર જેવું જ બનાવવામાં આવશે.
જમ્મુમાં આ મંદિર બનતા દર વર્ષે વૈષ્ણોદેવીના દર્શને જતા ભકતોને તિરૂપતિના દર્શનનો લાભ મળી શકશે લોકડાઉનમાં ઢીલ મળે એ સાથે જ જમ્મુ-કાશ્મીર પ્રશાસન તથા તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ બોર્ડે આ મંદિરના નિર્માણ માટેની તૈયારી શરૂ કરી દીધી છે.
આ અંગે ટીટીડીના ચેરમેન વાય.બી. સુબ્બા રેડ્ડી જમ્મુ કાશ્મીર પ્રશાસનના સ્થાનિક અધિકારીઓને મળ્યા હતા અને જણાવ્યું હતું કે ટીટીડીના ઇજનેરી વિભાગના અધિકારીઓ ટ્રુંક સમયમાં સુચિત મંદિર સ્થળની મુલાકાત લેશે.
સુબ્બારેડ્ડીએ સૂચિત સ્થળની મુલાકાત પણ લીધી હતી. તેમની સાથે જમ્મુ-કાશ્મીર શ્રાઇન બોર્ડના સીઇઓ રમેશકુમાર, જમ્મુ જિલ્લાના કલેકટર સુષ્મા ચૌહાણ પણ ઉ૫સ્થિત રહ્યા હતા.
ટીટીડી જમ્મુમાં મંદિર ઉપરાંત હોસ્પિટલ વૈદિક પાઠશાળા અને મેરેજ હોલના નિર્માણનો પણ ઇરાદો સાથે છે. આ માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.