બીસીઆઈના સભ્ય દિલીપ પટેલે મુખ્યમંત્રી રૂપાણી અને કાયદામંત્રી ચુડાસમાને લેખિત રજુઆત
ગુજરાત હાઈકોર્ટે આપેલી લીલીઝંડી મુજબ નિચલી અદાલતોમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિકયુટરની જગ્યાઓ તાત્કાલિક ભરવા બીસીઆઈ મેમ્બર દિલીપભાઈ પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરી છે.રજુઆતમાં જણાવાયું છે કે, તાલુકા-જિલ્લા અદાલતોમાં પબ્લિક પ્રોસીકયુટરોની ખુબ જ ઓછી સંખ્યા હોય તેના પરીણામે મોટા શહેરોમાં આઠ દિવસમાં માત્ર એક જ દિવસ તથા તાલુકા કક્ષાએ એક દિવસ કોર્ટમાં પબ્લિક પ્રોસિકયુટરોની હાજરીથી જ કેસ ચાલે છે. જીપીએસસી બોર્ડ દ્વારા નવા ૫૪૩ જગ્યાઓ ભરવા માટે ઈન્ટરવ્યુ બાદ યાદી બહાર પાડવામાં આવી હતી પરંતુ બાકી રહેલા ઉમેદવારોએ હાઈકોર્ટમાં રિટ કરતાં બે વર્ષથી એપીપીની નિમણુક થતી ન હોય જીપીએસસીમાં પાસ થયેલા ઉમેદવારોએ આ જગ્યા તાત્કાલિક ભરવા જસ્ટીસ દેવાણી તથા જસ્ટીસ સુપૈયા સમક્ષ રિટ કરતા જગ્યા ભરવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવેલો હતો.
લોકોને ઝડપી ન્યાય મળે તે માટે પ્રયત્નો કરવામાં આવેલા પરંતુ આસી પબ્લિક પ્રોસિકયુટર ન હોવાથી કેસ ચાલતા નથી અને ભરાવો થાય છે. કાયદામંત્રી ભુપેન્દ્રસિંહને પણ રૂબરૂ રજુઆત કરી હતી તે ધ્યાને લઈ ૫૪૩ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિકયુટરોની નિમણુક કરવામાં આવે અને હાઈકોર્ટ દ્વારા રિટમાં થયેલા આદેશનું સરકાર કક્ષાએ પાલન થાય તેવી રજુઆત કરી છે.