વિકાસશીલ દેશની ઓળખ શિક્ષણ પરથી થાય છે. જ્યાં શિક્ષણ વધારે ત્યાં વિકાસ વધારે, શિક્ષણથી જ સમજણ, જાગૃતિ, સ્થિરતા, પ્રમાણિકતા, નીડરતા જેવા ગુણોનું સિંચન થાય છે અને રૂઢિચુસ્તપણું, માન્યતા, અંધશ્રદ્ધા જેવા અવગુણો નું ખંડન થાય છે.શિક્ષણ નો મુખ્ય હેતુ જીવન ઘડતર અને શ્રેષ્ઠ ચારિત્ર્ય નિર્માણ કરવાનો છે. સભ્ય સમાજનું નિર્માણ કરવા માટે “શિક્ષણ” પાયો છે.
સ્વામી વિવેકાનંદે શિક્ષણ વિશે કહ્યું છે કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તા નું પ્રગટીકરણ એટલે કેળવણી.આઝાદી પછી શિક્ષણનો વ્યાપ વધ્યો છે, શિક્ષણનો વ્યાપ વધારવા સરકારે શું શું નથી કર્યું ? મફત સ્ત્રી શિક્ષણ, રાત્રી શાળા, ગરીબોના બાળકો માટે શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન, રાહત દરના પુસ્તકો, શિક્ષણ લોન વગેરે યોજનાઓ લાવીને વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા છે. તેમ છતાં શિક્ષણ નું મૂલ્ય ઘટયું છે, ગ્રેજ્યુએટ બેકાર ફરે છે અને હા, આ શિક્ષણથી જ ભ્રષ્ટાચાર અને મોંઘવારી વધી છે એમ કહીએ તો પણ કશું ખોટું નથી.
એક તો અત્યાર નું શિક્ષણ અનહદ મોંઘું થઈ ગયું છે, ગ્રેજ્યુએટ થતાં સુધીમાં લાખો રૂપિયા ખર્ચાઈ જાય છે ત્યારે આ લાખેણી ડીગ્રી હાથમાં આવે છે, તેમાંયે કોઈને નાનું કામ કે પદ ગમતું નથી. દરેકને એન્જિનિયર, ડોક્ટર, વકીલ કે ઉચ્ચ અધિકારી બનવું છે. તેને બનાવવા પાછળ મા-બાપ પોતાની મૂડી-મિલકત, વાડી ખેતર વેચીને પોતાના બાળક ને ભણાવે છે. માં – બાપ ને કંગાળ કર્યા પછી બની બેઠેલો ઓફિસર લાંચ રુશવત લઈને અમીર તો બને છે, પરંતુ શિક્ષણ નું મૂલ્ય ઘટાડી નાખે છે.શિક્ષિત લોકો બીજાને પોષણ આપે છે, પરંતુ અત્યારનો શિક્ષિત વર્ગ બીજાનું શોષણ કેમ કરવું એ વધારે જાણે છે.અત્યારનું શિક્ષણ ભણેલાને ભણાવવામા માનનારૂ છે. સારી સ્કૂલ કે કોલેજ માં એડમીશન લેવાનું હોય ત્યારે તેઓ પોતાની ગુણવત્તા જાળવી રાખવા એવા તેજસ્વી વિદ્યાર્થીઓને જ એડમીશન આપે છે કે જેઓને 70% ઉપર માર્કસ હોય ! ખરેખર શિક્ષિત એને કહેવાય કે જે સામાન્યમાં સામાન્ય વ્યક્તિના જીવન ધોરણને ઊંચું લાવે. શિક્ષણથી માનવતાના મૂલ્યો દ્રઢ થવા જોઈએ, શું ઠોઠ કે નબળા વિદ્યાર્થીની ઉપેક્ષા થતી હોય તેને સાચુ શિક્ષણ કહી શકાય?
અત્યારની શિક્ષણ પદ્ધતિ જ ખોટી છે. ક્યાં પહેલાનું શિક્ષણ અને ક્યાં આજનું શિક્ષણ? પહેલાના સમયમાં 10 ધોરણ ભણેલા ને તરત જ નોકરી મળી જતી અને આજે ખઇઅ પણ રખડી રહ્યા છે. શિક્ષિત બેકારોની સંખ્યામાં દર વર્ષે અગણિત ઉમેરો થતો જાય છે. આજનું શિક્ષણ ફક્ત ડીગ્રી આપી જાણે છે, નોકરીની કોઈ ગેરંટી આપી શકતું નથી. અને એ ડિગ્રી પણ એવી કે જેની “પૈસા” પાસે કોઈ કિંમત નથી. વધુ માર્કસ્ મેળવનાર ઠેબા ખાતો હોય અને ઓછા માર્કસવાળો પૈસાના પાવરે પદ પ્રાપ્ત કરી લે છે. પહેલાના સમયમાં વાણિયાનો દીકરો વેપાર જ કરે, ખેડૂતનો દિકરો ખેતી કરે અને બ્રાહ્મણ ગોરપદુ જ કરે. આ વાત અત્યારે વિસરાઈ ગઈ છે, હવે તો બસ બધાને નોકરી જ કરવી છે અને તે માટે ફરજિયાત ભણવું પડે છે. આ ભણતરના ભાર નીચે દબાઈને “શિક્ષિત અભણ” જ્યારે નોકરી શોધવા જાય છે ત્યારે બે પાંચ જગ્યા માટે બસો-પાંચસો અરજીઓ આવે છે, પરિણામે હોશિયાર અને મહેનતુ વિદ્યાર્થીઓનું ભાવી ધૂંધળુ બને છે. આના પરથી જ આપણા શિક્ષણ નું મૂલ્ય સમજાય છે.શિક્ષણ એ ગરીબોની સંપત્તિ છે અને શ્રીમંતો નું આભૂષણ છે. પરંતુ, આ શિક્ષણ નું અવમૂલ્યન કરીને મા-બાપ પોતાના બાળકને બીજાના બાળક થી આગળ નીકળવા ખૂબ પ્રેશર આપે છે અને સ્કૂલમાં શિક્ષકો પણ સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું કરે છે. પરિણામે વિદ્યાર્થીની દશા સેન્ડવિચ જેવી બની જાય છે. તેઓ વિદ્યાર્થીના વિકાસમાં મદદરૂપ થવાને બદલે તેનો માનસિક તનાવ વધારે છે. અંતે શિક્ષકો કે મા-બાપની અપેક્ષા પૂરી ન કરી શકનાર વિદ્યાર્થી આત્મહત્યા કરી લે છે.
આ શિક્ષણ પદ્ધતિમાં સરકાર પણ ઘણે અંશે જવાબદાર છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષાના પરિણામ ની ગુણવત્તાના આધારે જ પસંદગી થવી જોઈએ. જે મહેનત કરે એને આગળ અભ્યાસ માટે મોકો આપવા ને બદલે અનામત સીટો રાખીને હોશિયાર વિદ્યાર્થીઓ ના ભવિષ્યને પીંખી નાખે છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને 85 થી 90 ટકા માર્કસ હોવા છતાં એડમિશન નથી મળતું, જ્યારે અનામત સીટમાં 50 ટકા માર્કસવાળા ને પણ એડમિશન મળી જતું હોય છે. સરકારની આ વ્યવસ્થા પાછળનું પક્ષપાતી વલણ શિક્ષણ ના મૂલ્યોને જાળવી શકતું નથી.
બીજી બાજુ વિદ્યાર્થીઓ પણ પોતાનો ગમતો વિષય કે શોખ જોવાને બદલે કઈ ડિગ્રી લેવાથી ભવિષ્યમાં તેને મોટુ પેકેજ કે સેલેરી મળશે, એ જોઈને લાઈન નક્કી કરે છે. આમ, શિક્ષિત લોકોની સફળતાનો માપદંડ છ આંકડાનો પગાર છે. આંતરિક પ્રસન્નતા કરતા બાહ્ય સગવડતા પર નભતા આજના “શિક્ષિત અભણ” બનવા પાછળની આ ખોટી શિક્ષણ પદ્ધતિમાં અંતે વાંક કોનો? શિક્ષકોનો, વિદ્યાર્થીઓનો, વાલીઓનો કે પછી સરકારનો ?ખરેખર શિક્ષણ નું અંતિમ ધ્યેય બાળકનો સર્વાંગી વિકાસ કરી તેને સંસ્કારી અને જવાબદાર શ્રેષ્ઠ નાગરિક બનાવવાનું છે. માનવીને સાચા અર્થમાં “માનવ” બનાવે એ જ સાચું શિક્ષણ કહેવાય.