ફાર્મા કંપની જાયન્ટ ફાઈઝર-બાયોએન્ટેક તેમજ મોડર્ના દ્વારા વિકસાવવામાં આવેલી કોરોના વિરોધી રસી લાંબો સમય સુધી અસરકારક રહી શકે તેમ હોવાનું વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું. અત્યાર સુધી આ કંપનીઓની વેક્સિન લેનારા લોકો પર પરિક્ષણ કર્યા બાદ એવું માલુમ પડ્યું છે કે, મોડર્નાની રસી લેનારાઓને બુસ્ટરની જરૂર પડતી નથી. વાયરસ વધુ પડતા રૂપ ન બદલે અને વર્તમાન રૂપમાં કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી રસીધારકોને કોઈ તકલીફ પડે તેવી શકયતા નથી.
મોડર્ના રસી લાંબો સમય અસરકારક
વોશિંગ્ટન યુનિવર્સિટીના ઈમ્યુનોલોજીસ્ટ અલી એલબદીએ જણાવ્યું હતું કે, આ વેક્સિનથી વ્યક્તિની પ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થાય છે એ સારો સંકેત છે. ડો.અલી અને તેમની ટીમે હાથ ધરેલા એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે, કોરોના મહામારીમાંથી સાજા નરવા થઈ ગયેલા લોકોમાં ઈમ્યુનના કોષો કમસે કમ 8 મહિના સુધી બોનમેરોમાં સચવાયેલા જોવા મળ્યા છે. બીજા એક અભ્યાસમાં પણ આવા સારા સંકેતો પ્રાપ્ત થયા છે.
બીજા અભ્યાસમાં એવું તારણ નિકળ્યું છે કે, ચેપ લાગ્યા બાદ કહેવાતા મેમરી બીના કોષ ઓછામાં ઓછા એક વર્ષ સુધી શરીરમાં મજબૂત રહ્યાં હતા. આ તારણોના આધારે સંશોધકો અને વૈજ્ઞાનિકો એવું સુચવી રહ્યાં છે કે, ચેપ લાગ્યા બાદ વેક્સિન લેનારા લોકોમાં ઈમ્યુનિટી વર્ષો સુધી રહી શકે છે. અથવા તો આજીવન રહી શકે છે. જો કે નિષ્ણાંતો એ બાબતે હજુ અસમંજસમાં છે કે, માત્ર વેક્સિનેશનના કારણે ઈમ્યુનિટી આટલો લાંબો સમય રહી શકે છે. અથવા તો કોઈ બીજુ કારણ છે એ હજુ સ્પષ્ટ કરવાનું રહેશે.