કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ જ એકમાત્ર અમોઘ અસ્ત્ર સમાન મનાઈ રહ્યું છે. કાચિંડાની જેમ કલર બદલતા કરોનાને હરાવવા રસીકરણ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. ત્યારે દેશમાં વધુ એક રસીને DCGI (Drugs Controller General of India) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કોવિશિલ્ડ, કોવેકસીન, સ્પુટનિક-V બાદ હવે ભારતમાં રસીકરણની ઝુંબેશમાં મોર્ડના પણ મેદાને ઉતરશે. જો કે આ સાથે સરકાર દ્વારા રસી ખરીદીની પ્રક્રિયાને લઈ મોટા નિર્ણયો પણ કર્યા છે.
ખાનગી હોસ્પિટલોમાં રસીના જથ્થાનું બાંધણું કરતી સરકાર !!
કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સામેના રસીકરણ અભિયાન સંદર્ભે કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. 1 જુલાઈથી એટલે આવતીકાલથી ખાનગી હોસ્પિટલો હવે રસી ઉત્પાદક પાસેથી સીધી રસી ખરીદી શકશે નહીં. હવે તેમણે આ માટે કોવિન પર રસી માટેનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ સાથે, કેન્દ્ર સરકારે રસીના માસિક સ્ટોકની મર્યાદા નક્કી કરવાનો પણ નિર્ણય લીધો છે.
રસીના જથ્થાનુ સુદ્રઢ આયોજન કરવા અને રસીકરણ ઝુંબેશ ને વધુમાં વધુ તેજ બનાવવા કેન્દ્ર સરકાર પણ મહત્તમ ડોઝ સ્ટોકનું સૂત્ર આવતીકાલથી અમલમાં મૂક્યું છે. જે મુજબ દરેક હોસ્પિટલ જરૂરિયાતનો સ્ટોક એક મહિના માટે ખરીદી શકે છે. રસી માટે દૈનિક સરેરાશની ગણતરી કરવા માટે ખાનગી હોસ્પિટલો પાસે તેમને અનુકૂળ અઠવાડિયાની પસંદગી કરવામાં સુગમતા હશે.
રસીના ડોઝની સંખ્યા કેવી રીતે નક્કી કરવામાં આવશે ??
તે હોસ્પિટલો કે જેઓ હાલમાં રસીકરણ અભિયાનમાં ભાગ લેવાની યોજના બનાવી રહી છે અને રસીના વપરાશનો રેકોર્ડ પહેલા નથી તેની પાસે, રસીની મહત્તમ મર્યાદા ઉપલબ્ધ બેડની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવશે. 50 બેડની હોસ્પિટલ મહત્તમ 3,000 ડોઝનો ઓર્ડર આપી શકે છે, જ્યારે 50 થી 300 બેડની હોસ્પિટલ 6,000 ડોઝ સુધી ઓર્ડર આપી શકે છે અને 300 બેડથી વધુની હોસ્પિટલ 10,000 ડોઝ સુધી ઓર્ડર આપી શકે છે.
એસઓપી દસ્તાવેજમાં જણાવાયું છે કે ખાનગી રસીકરણ કેન્દ્રો એક મહિનામાં ચાર હપ્તામાં રસીનો જથ્થો મંગાવી શકશે. જો કે આ માટે કોઈ સરકારી સત્તાધિકાર દ્વારા મંજૂરીની જરૂર રહેશે નહીં. કોવિન પર ખરીદીનો ઓર્ડર મુજબ એકવાર માંગ સબમિટ થઈ ગયા પછી, કોવિન ઉત્પાદકોને પહોંચાડતા પહેલા જિલ્લા અને રાજ્યવાર નંબરોને એકત્રિત કરાશે. રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંડળને રસી માટે ખાનગી કેન્દ્રોએ પૈસાની ચુકવણી કરવાની રહેશે.
જણાવી દઈએ કે અગાઉનો નિયમ હતો કે 25 ટકા રસી ખાનગી દવાખાનાઓ સીધી ઉત્પાદકો પાસેથી ખરીદી શકે છે અને 75 ટકા કેન્દ્ર તેના હિસ્સામાં રાખે છે. પરંતુ રસી ઉત્પાદકો પાસેથી હવે સીધો જ રસીનો જથ્થો મંગાવવામાં પર ખાનગી હોસ્પિટલોને રોક લગાવી દેવાઈ છે.