ડીલે જસ્ટીસ, ડીનાઈ જસ્ટીસ
દેશભરમાં ૧૦૭૧ જગ્યામાંથી માત્ર ૬૭૧ હાઈકોર્ટ જજની જગ્યા ભરેલી
ભારતનું ન્યાયતંત્ર ખુબજ પ્રભાવશાળી માનવામાં આવે છે. ત્યારે દેશભરમાં હાઈકોર્ટના જજોની સંખ્યા ૧૦૭૧ માન્ય રાખવામાં આવી છે. જેમાંથી માત્ર ૬૭૧ જગ્યા ઉપર જ હાઈકોર્ટના જજની નિમણૂંકો થયેલી છે જેનો અર્થ એ છે કે, ભારતભરમાં ૪૦૦ જજોની જગ્યા ખાલી પડેલી છે. ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં ૫૨ જજોની જગ્યા માન્ય રાખવામાં આવી છે. પરંતુ ૫૨ માંથી ૨૪ જગ્યાઓ હાલ ખાલી પડેલી છે જેથી ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડીંગ પડેલા મહત્તમ કેસોનો નિકાલ આવી શકતો નથી.
રાજયસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પુછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, ભારતભરના ૨૫ હાઈકોર્ટમાં ૪૦૦ હાઈકોર્ટની જગ્યા ખાલી પડેલી છે જયારે ૧૦૭૧ની સંખ્યા હાઈકોર્ટ જજ તરીકે મંજૂર કરવામાં આવી છે. વધુમાં તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડીંગ પડેલા કેસો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટમાં ૧,૧૫,૩૫૯ કેસો જેમાં સીવીલ અને ક્રિમીનલ કેસો પેન્ડીંગ પડેલા છે. જયારે ૪૦,૯૨,૭૩૨ સીવીલ અને ક્રિમીનલ કેસો ભારતની ૨૩ કોર્ટોમાં પેન્ડીંગ પડેલા છે ત્યારે આ તમામ હાઈકોર્ટના જજોની ખાલી પડેલ જગ્યા ઘણા ખરા અંશે પેન્ડીંગ પડેલા કેસોનો નિકાલ કરવા માટે બાધારૂપ નિવડી રહ્યું છે.કાયદા મંત્રી દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧લી ફેબ્રુઆરી સુધીમાં એપેક્ષ કોર્ટમાં ૫૮,૦૨૯ કેસો પેન્ડીંગ પડેલા છે.
જયારે સુપ્રીમ કોર્ટમાં ૩૧ જજોની સંખ્યાને મંજૂરી આપવામાં આવી છે તેમાં પણ હાલ ૩ જગ્યાઓ ખાલી પડેલી છે. ૨૦૧૫ થી ૨૦૧૮ સુધીમાં સુપ્રીમ કોર્ટના ૧૮ જજોને નિયુકત કરવામાં આવ્યા હતા જયારે ૩૮૪ જજોને હાઈકોર્ટમાં નિયુકત કરાયા હતા.સરકાર દ્વારા મે ૨૦૧૪માં ૯૦૬ની સંખ્યા મંજૂર કરી હતી. હાઈકોર્ટ જજ તરીકે જયારે ૨૦૧૯ની વાત કરવામાં આવે તો અત્યારે સરકાર દ્વારા હાઈકોર્ટના જજોની સંખ્યા ૧૦૭૯ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે સરકાર દ્વારા અનેકવિધ પ્રવૃતિઓને કાર્યરત કરવામાં આવી છે જેથી પેન્ડીંગ પડેલા કેસોનો નિકાલ ત્વરીત થઈ શકે.