સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પૂ.મહાત્મા ગાંધીજીના ભીંત ચિત્રનું અનાવરણ કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી
કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે રાષ્ટ્રપિતા પુ. મહાત્મા ગાંધીજીના ભીંત ચિત્રનું અનાવરણ સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
શાહે ત્યારબાદ પૂ. બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી ઉપસ્થિત લાભાર્થીઓને “નેશનલ હની મિશન” અંતર્ગત 400 જેટલા મધમાખીના બોક્સ અને “કુમ્હાર સશક્તિકરણ યોજના” અન્વયે ઇલેક્ટ્રિક ચાકડાનું પ્રતીકાત્મક વિતરણ પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાંથી એકત્ર કરવામાં આવેલ માટીમાંથી તૈયાર કરેલ 2975 કુલ્હડ દ્વારા 100 સ્ક્વેર મીટરમાં 75 જેટલા કારીગરો દ્વારા પૂ. બાપુનું આ ભીંત ચિત્ર બનાવવાના આવેલ છે.
આ પ્રસંગે અમિતભાઇ શાહે કહ્યું હતું કે પૂ. બાપુએ આ જ સાબરમતી નદીના કિનારે આઝાદીના આંદોલનની રૂપરેખા ઘડી તેમના આત્મનિર્ભર સંકલ્પને સાકાર કરવા હેતુ આ ભીંત ચિત્ર અને તેની કરાયેલી સામૂહિક રચના પૂ. બાપુને સાચી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરે છે.
શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના આ 75 માં વર્ષને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ખૂબ ઉત્સાહથી ઉજવવાનો નિર્ણય કર્યો તેના પાછળના બે ઉદ્દેશ્ય રહેલા છે. આજની નવી પેઢી કે જે ભારતનું ભવિષ્ય છે તેને 1857 થી 1947 સુધીની સંઘર્ષ યાત્રાની માહિતી મળે, આ સંઘર્ષ યાત્રામાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર શહીદોની જાણકારી પહોંચાડવી અને આ ઉપરાંત ‘નયા ભારત’ના નિર્માણ સંકલ્પ યુવા પેઢીમાં જાગૃત કરવો. તેના બીજા ઉદેશ્યમાં આજથી 100 વર્ષ પછી ભારત આર્થિક, રોજગારી અને શિક્ષણ ક્ષેત્રે ક્યાં હશે તેના સંકલ્પ લેવા અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ભારતને વિશ્વમાં શિરમોર બનાવવું સમાયેલ છે.
શાહે ભાવનાત્મક સ્વરમાં કહ્યું કે સાબરમતી નદીમાં નર્મદાના આ વહેતા જળને જોઈને કલ્પના કરવી પણ પણ અશક્ય છે કે એ જમાનામાં પૂજ્ય બાપુએ દુનિયાના સૌથી મોટા સામ્રાજ્ય સામે લડાઇ આદરી, એક નિશસ્ત્ર વ્યક્તિએ સંકલ્પ લઈને આ દેશ અને દેશવાસીઓની મુક્તિ માટે આદરેલી લાંબી લડાઇ આપણા સૌ માટે પ્રેરણસ્રોત છે. પૂ. ગાંધીજીએ સ્વરાજ્યની લડાઇ દરમ્યાન અનેક ઉપાયો સૂચવ્યા જે આઝાદી માટે જ નહિ પરંતુ આઝાદી બાદના ભારતના નિર્માણ માટે મહત્વના હતા. પૂ. બાપુએ સ્વદેશી, સ્વભાષા, પ્રાર્થના, સત્યાગ્રહ, ઉપવાસ, સાધન શુદ્ધિ, અપરિગ્રહ અને સાદગી જેવા સિદ્ધાંતો આપીને આઝાદીની લડાઇ લડતા-લડતા પોતાના પ્રભાવથી જનતામાં સંસ્કારોનું સિંચન કર્યું અને તેના આધાર પર જ ભારતનું પુન: નિર્માણ થયું.
શાહે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું કે દુર્ભાગ્યની વાત એ હતી કે આઝાદી બાદ બાપુના ફોટાને શ્રધ્ધાંજલિ આપવામાં આવી, ભાષણોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો પણ ખાદી, હસ્ત શિલ્પ, સ્વભાષા અને સ્વદેશી વિસરાઈ ગયા. નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ પૂ. બાપુના તમામ સિદ્ધાંતોને પુન: જીવન આપવાનું અને તેમના આદર્શોને લોકજીવનમાં ઉતારવાનું કાર્ય કર્યું.
શાહે જણાવ્યું કે નવી શિક્ષણ નીતિમાં સ્થાપિત કરવામાં આવ્યું છે કે સ્વભાષાથી મજબૂત જ્ઞાનનું માધ્યમ બીજું કોઈ ન હોઈ શકે. “મેક ઇન ઇન્ડિયા” “આત્મનિર્ભર ભારત” અને “વોકલ ફોર લોકલ” વિચાર દ્વારા સ્વદેશીની નવી વ્યાખ્યાઓ સ્થાપિત કરવાની સાથે ભારતના ઉત્થાન માટે અને દેશને વિશ્વમાં ઉત્પાદનનું હબ બનાવવાની કલ્પના આ બધા સિદ્ધાંતોમાં રાખવામાં આવી છે. ભારતીયો સ્વદેશીનો ઉપયોગ કરે તે માટે ખાદીના ઉપયોગ – ખાદીના પ્રયોગને નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ ગતિ આપી છે. શાહે ગુજરાત અને દેશની જનતાને અપીલ કરતા કહ્યું કે ખાદીનો મહત્તમ ઉપયોગ કરીએ, આપણા રોજિંદા જીવનમાં ખાદીનો ઉપયોગ ગરીબોને ન કેવળ રોજીરોટી આપશે અપિતું તે વર્ગને સન્માન સાથે જીવવાનો પણ મોકો આપશે. આ ખાદીનો ઉપયોગ ફક્ત રોજીરોટી કે વ્યવસાય નથી પરંતુ દેશના સ્વાભિમાનનું પ્રતિક છે.
શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશીના વિચારને આગળ ધપાવવાનું અને સ્વભાષાને સન્માન આપવાનું અદભુત કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વમાં કોઈપણ જગ્યાએ પોતાનું સંબોધન હિન્દીમાં જ કર્યું છે જે તેમનો સ્વભાષા પ્રત્યેનો લગાવ દર્શાવે છે. તેઓએ કહ્યું હતું કે પોતાની ભાષામાં જ બાળક ભારતની સંસ્કૃતિ અને વારસા સાથે નાતો જોડી શકશે. સ્વભાષાને મજબૂત બનાવવાનો પાયો નવી શિક્ષણ નીતિમાં નાખવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આઝાદીના 100 વર્ષે દરેક ભારતીય ભાષાનું ગૌરવ ટોચ પર હશે. પૂજ્ય બાપુએ મુક તપસ્વી કર્મયોગીની જેમ પોતાનું જીવન જીવ્યું અને કહ્યું હતું કે મારું જીવન એ જ મારો સંદેશ છે. તેઓની મોહનલાલ થી મહાત્મા ગાંધી સુધીની યાત્રામાં અનેક પડાવો આપણા માટે પ્રેરણાદાયી બની રહ્યા છે. સહસ્ત્રાબ્દીમાં વ્યક્તિની સ્પર્ધામાં કોઈ એક જ નામ હોય શકે તો તે માત્ર પૂ. મહાત્મા ગાંધીજી જ હોય.