પેટ્રોલ-ડીઝલના વધતા જતાં ભાવ અને વપરાશને લઈને વિશ્વના તમામ દેશો ચિંતીત બન્યા છે ત્યારે ભારતના અર્થતંત્રના મુખ્ય આધાર એવા ઈંધણ અને ખાસ કરીને પેટ્રોલમાં ઈથેનોલના ઉપયોગ કરવાનો અને તેનું પ્રમાણ વધારવાનું આયોજન આમ કે ગુઠલીઓ કે દામ જેવું ફાયદારૂપ બની રહેશે. અર્થતંત્ર માટે ઈંધણ સંજીવની જેવું કામ કરે છે. વિકાસ અને ઉદ્યોગીક સંચાલન માટે ઈંધણ જરૂરી છે તેવા સંજોગોમાં પેટ્રોલમાં 20 ટકા જેટલું ઈથેનોલનું પ્રમાણ પ્રમાણીત કરવાની નીતિ આયોગની ભલામણનો જો અમલ કરવામાં આવે તો દેશમાં ઈથેનોલનું ઉત્પાદન વધારવાની દિશામાં પણ કામ કરવું પડે.
ઈથેનોલ શેરડી, બરછટ ધાન, મકાઈ અને પરાળમાંથી બનાવી શકાય છે. ઈથેનોલનું અત્યારે પેટ્રોલનું ઉમેરણ મર્યાદિત રાખવામાં આવ્યું છે. જો તેનું પ્રમાણ 20 ટકા જેટલું કરવામાં આવે તો પેટ્રોલમાં લીટર દીઠ રૂા.20થી વધુનો ફાયદો થાય, વળી ઈથેનોલનો ઉપયોગ વધતા તેનું ઉત્પાદન પણ વધારવું જોઈએ. અત્યારે ખાંડની મીલોમાં ઈથેનોલનો બાયોપ્રોડકટ તરીકે ઉત્પાદન થાય છે.
હવે સરકાર જો પેટ્રોલમાં પ્રમાણ વધારે તો શેરડીથી લઈને ઈથેનોલ ઉત્પાદીત તમામ જણસની માંગ વધે, બિનજરૂરી પરાળ, જૈવિક કચરો, મકાઈ, બરછટ ધાન અને ખાંડના ઉત્પાદન ઉપપેદાશ તરીકે મળતું ઈથેનોલ અનેક રીતે ઉપયોગી થઈ શકે છે. પેટ્રોલમાં પ્રમાણમાં વધારવામાં આવે તો હાઈડ્રોકાર્બનના ઉત્સર્જનથી ઉભી થતી વાયુ પ્રદુષણની સમસ્યા અને કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ઘટાડી શકાય. શેરડી, મકાઈ, બરછટ ધાન, ડાંગર અને પરાળનો યોગ્ય ઉપયોગ શરૂ થાય તો ખેડૂતોની આવકમાં વધારો થાય.
બ્રાઝીલમાં 1975ની સ્થિતિએ વધતા જતાં ક્રુડ ઓઈલના ભાવ અને તૂટી ગયેલા શેરડીના ભાવની પરિસ્થિતિ વચ્ચે ઈથેનોલનું ઉત્પાદન વધારવાનું નક્કી કરાયું. ખેડૂતોને શેરડીની ખેતી માટે લોન સહાય અને ઈથેનોલના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવાનું શરૂ કરતા 2019માં બ્રાઝીલ વિશ્વના ઈથેનોલ ઉત્પાદનમાં 30 ટકાની હિસ્સેદારીએ પહોંચી ગયું છે. જ્યારે ભારતની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે ભારતમાં માત્ર 2 ટકા ઈથેનોલનું ઉત્પાદન થાય છે.
દેશમાં પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ વધારવાના સરકારના નીતિ વિષયક નિર્ણયને લઈને સુગર સેકટરમાં ભારે તેજીનો સંચાર થયો છે. રેણુકા સુગર, દાલમીયા ભારત, રાણા સુગર જેવી કંપનીઓના નેટવર્થમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો છે. ઈથેનોલ સુગર મીલની બાયો પ્રોડકટ ગણવામાં આવે છે. ઈથેનોલના પેટ્રોલમાં વપરાશ વધારવાના નિર્ણયથી સુગર સેકટર માટે તે ખુબજ ઉજળુ છે.
એક સર્વે મુજબ જો ઈથેનોલનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય તો અર્થતંત્ર માટે પેટ્રોલની આયાતનું ભારણ ઘટાડવાની સાથે સાથે સ્થાનિક ઉત્પાદનના અવેજના ઉપયોગથી વિદેશી હુંડીયામણનો પણ બચાવ થાય અને અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકાય, ખેડૂતોની નકામી વસ્તુઓ પણ પેટ્રોલની અવેજી જેવા ઈથેનોલ ઉત્પાદનનું નિમીત બને તેથી કૃષિ ક્ષેત્રમાં પણ આવકના સ્ત્રોતો અને ખેડૂતની સદ્ધરતામાં વધારો થાય. જો કે, અત્યારે જે પ્રમાણમાં પેટ્રોલનું ઈથેનોલ મિશ્રણ થાય છે તેની ટકાવારી વધારવામાં આવે તો પેટ્રોલ એન્જીનમાં કેટલાંક ફેરફાર કરવા પડે. ઈથેનોલ એ બાયો ફ્યુલ હોવાથી તેમાં કાર્બનનું ઉત્સર્જન ઘટે છે. આમ ઈથેનોલનો ઉપયોગ અર્થતંત્ર માટે પણ ખુબજ આશિર્વાદરૂપ બની શકે છે.