મામલતદારને તાલુકાની જવાબદારીને કારણે વેપારીઓ, ઉધોગકારો અને પ્રબુઘ્ધ નાગરિકોએ સહયોગ આપવો જરૂરી બન્યો
લોકોને સંયમ જાળવવા વિવિધ સમાજના આગેવાનોની અપીલ
શહેરમાં છેલ્લા આઠ દિવસ થયા લોકડાઉનને કારણે વહિવટી તંત્ર દ્વારા હવે વધુ લોકડાઉન જાળવવા પગે પાણી આવી રહ્યા છે ત્યારે બીજીબાજુ કાયદાની જેની જવાબદારી છે તેવા પોલીસ તંત્ર એક શોધે ત્યાં તેર તુટે તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આવા સમયે શહેરીજનોએ પોતે સ્વયંભુ સ્વયંમ જાળવવો જોઈએ તેવો મન પ્રબુઘ્ધ નાગરીકોએ વ્યકત કર્યો છે.
શહેરમાં છેલ્લા આઠ દિવસના લોકડાઉન દરમ્યાન શહેરીજનો રાશનથી માંડી વાહન વ્યવહાર સુધી જેની જવાબદારી છે તેવા તાલુકા મામલતદાર જી.એમ.મહાવદીયા છેલ્લા દિવસોમાં સરકારી કચેરીઓ બંધ હોવા છતાં વેપારીઓ અને જનતા વચ્ચે રાશન, દુધ, ફળ સહિત આવશ્યક ચીજવસ્તુઓ સહેલાઈથી મળી રહે તે માટે ૨૦ કલાક કામ કરી ઈશ્ર્વર પણ તેની કસોટી કરી રહ્યો હોય તેવું જણાઈ આવ્યું છે.
મામલતદાર જી.એમ.મહાવદીયાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે, છેલ્લા ચાર દિવસ થયા દરરોજ ૧૦૦થી વધુ ફોન આવી રહ્યા છે. મજુર વર્ગને રાશન પહોંચાડવું, સરકારી પુરવઠાનું સઘન વિસ્તરણ કરવું, તાલુકાભરના મજુરોની યાદી કરવી, આવશ્યક ચીજવસ્તુ સહિતના પ્રશ્ર્નો માટે વેપારીઓ સાથે સતત મીટીંગ કરવી તેમજ તાલુકાની આરોગ્ય, કાયદો વ્યવસ્થા સહિતની જવાબદારી હોવાથી આખો દિવસ અને મોડી રાત્રી સુધી સતત શહેર તાલુકાનું મોનીટરીંગ થઈ રહ્યું છે.
જયારે સૌથી ગંભીર કાયદાની જવાબદારી છે તેવું પોલીસ તંત્ર અત્યારે એક શોધે ત્યાં તેર તુટે જેવા ઘાટમાંથી પસાર થઈ રહ્યા છે. એક તો પોલીસ તંત્રમાં સ્ટાફની સંખ્યા ઓછી દિવસ અને રાત્રી દરમિયાન સતત લોકડાઉનને કારણે ચોરીના બનાવો અટકાવવા બહાર માણસો અને વાહનો શહેરમાં ન ઘુસી જાય તેની કાળજી રાખવી તેમજ એક તાલુકાથી અન્ય તાલુકાને જોડતા રસ્તાઓ સીલ કરવા આ ઉપરાંત સરકાર અને ગૃહ વિભાગ દ્વારા વધારાના આદેશોનો અમલ કરાવવા સહિતની જવાબદારી પોલીસ બજાવી રહી છે ત્યારે અધુરામાં પુરુ ગઈકાલથી જે ઘરો કોરોન્ટાઈન હતા આવા લોકો ઘરમાં જ રહે તે માટે તેના ઘર પાસે પોલીસ મુકવાનો નિયમ આવતા તાલુકામાં આવા ૩૦ જેટલા ઘરો હોવાથી અર્ધા કરતા પોલીસ વધુ આવા ઘરોમાં પાછળ મુકાઈ જવાને કારણે શહેર તાલુકામાં લોકડાઉનનાં અમલ કરાવવા પોલીસ માટે લોઢાના ચણા બરાબર છે.
આવા વિકટ પરિસ્થિતિમાં લોકો ઘરની બહાર નિકળી પોલીસને કોઈ બાના બનાવી ઉલ્લુ બનાવી જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે ત્યારે લોકોએ પણ સમજવું જોઈએ અને પોલીસની પરિસ્થિતિનો વિચાર કરવો જોઈએ. જયારે આવશયક ચીજ-વસ્તુ, કાયદો અને વ્યવસ્થા સહિત ત્રીજુ અને મહત્વનું પરીબળ કહી શકાય તેવું આરોગ્ય વિભાગ પણ અત્યારે સતત ડિપ્રેશનમાં કામગીરી કરી રહ્યું છે.
ઓછા સ્ટાફ અને કોરોના જેવો નવા રોગનાં લક્ષણો જાણી તેના દર્દીઓ ઓળખી તેને કોરોન્ટાઈન હેઠળ ૧૪ દિવસ સુધી સતત તપાસણી કરવી અને આ સાથે સાથે પરપ્રાંતિયો અને દેશ-વિદેશથી આવતા દરરોજ નવા વ્યકિતની માહિતી એકત્ર કરી તેની તપાસ કરવા જવી સહિતની પરિસ્થિતિમાં ખુદ આરોગ્ય વિભાગ પણ પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર શહેર-તાલુકામાં કોઈ કેસ ઘુસી ન જાય તેના માટે સતત વોચ રાખી રહ્યું છે ત્યારે કુદરતનો ફલોપ અને વહિવટી અધિકારીની કસોટી વચ્ચે શહેર તાલુકાનાં મામલતદાર જી.એમ.મહાવદિયા, કાયદો અને વ્યવસ્થાના રખેવાળ ઈન્ચાર્જ પી.આઈ વી.એમ.લગારીયા તેમજ શહેર તાલુકાનાં આરોગ્યની જવાબદારી જેના શીરે છે તેવા તાલુકા હેલ્થ ઓફિસર ડો.હેપી પટેલ સહિત ત્રણેય અધિકારીઓ અત્યારે પોત પોતાના વિભાગની કામગીરીમાં ઉંધા માથે થઈ રહ્યા છે ત્યારે આવી પરિસ્થિતિમાં શહેર અને તાલુકાની જનતાની પણ સ્વયંભુ જવાબદારી બને છે.
હાલના સમયમાં સમગ્ર વિશ્ર્વમાં કોરોના નામના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે આપણા દેશમાં નહિવત અસર જોવા મળી છે પણ આ નહિવત અસર આપણા ઘર સુધી ન પહોંચી જાય તે માટે દેશના પ્રધાનમંત્રી દ્વારા જે લોકડાઉનની જાહેરાત કરી છે તે આપણા સૌ માટે કરી છે ત્યારે ખોટા કારણ વગર બહાર ન નિકળી અને વહિવટી તંત્રને લોકડાઉનમાં સહકાર આપવા શહેરના પ્રબુઘ્ધ નાગરિકો, પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, પૂર્વ નગરપતિ રાણીબેન ચંદ્રવાડિયા, પંચાયત પ્રમુખ જયાબેન ડાંગર, કડવા પટેલ સમાજનાં પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવડિયા, બ્રહ્મ સમાજનાં પ્રમુખ પ્રદિપભાઈ જોષી, કોળી સમાજનાં પ્રમુખ જગદીશભાઈ વિરમગામા, ઉધોગપતિ ધરણાંતભાઈ સુવા, નગરશેઠ અમિતભાઈ શેઠ, રણુભા જાડેજા, લોહાણા સમાજનાં પ્રમુખ જગદીશભાઈ વિરમગામા, ચેમ્બરનાં પ્રમુખ વિનુભાઈ, કડવા પટેલ સોશિયલ ગ્રુપનાં નિતીનભાઈ અઘેરા, અગ્રણી વેપારી મુકેશભાઈ ગજજર, શિક્ષક સંઘનાં પ્રમુખ ભાવેશભાઈ સુવા, મુસ્લિમ સમાજનાં પ્રમુખ સૈયદ અફઝલબાપુ કાદરી, હનીફભાઈ કોડી સહિતનાં આગેવાનોએ અપીલ કરી છે.