પાટડી તાલુકામાં પરિભ્રમણ કરી રહેલી એકતા યાત્રાનું મંત્રી બાવળીયાની ઉપસ્થિતિમાં અદકેરૂ સ્વાગત

દેશની એકતા – અખંડિતતા અને સુરક્ષા માટે શ્રી સરદાર વલ્લભભાઇ પટેલનું આગવું યોગદાન રહયું છે તેમ જિલ્લાના પ્રભારી અને પાણી પુરવઠો, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પાટડી તાલુકામાં પરીભ્રમણ કરી રહેલ એકતા યાત્રા દરમિયાન યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે ઉદબોધન કરતા જણાવ્યું હતું

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા અખંડ ભારતના શિલ્પી હતા કે જેમણે ૫૬૨ દેશી રજવાડાઓને એકત્રિત કરી અખંડ ભારતની એકતા-અખંડિતતા અને સુરક્ષા માટે ભગીરથ કાર્ય કરેલ છે મંત્રી શ્રી બાવળીયાએ આ તકે વધુમાં જણાવ્યું હતું કે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ સાહેબને સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વૈશ્વિક શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે તે ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે.

તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની ઉંચાઇ ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા સરદાર સાહેબની પ્રતિમાને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપાયેલ વિરાટ શ્રદ્ધાંજલિ છે. નાત-જાત, ધર્મ થી ઉપર ઉઠીને સરદાર સાહેબની એકતા- અખંડિતતા અને ભાતૃભાવની વિચારધારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આપણે સાચા અર્થમાં ચરિતાર્થ કરીએ.

આ પ્રસંગે અગ્રણી શ્રી દિલીપભાઈ પટેલે જણાવ્યુ હતું કે, અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ વધારે ઉંચાઈ ધરાવતી શ્રી સરદાર પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર થઇ રહયું છે, ત્યારે વિશ્વભરના પ્રવાસીઓ માટે ગુજરાતનું આ સ્થળ આકર્ષણનું સ્થળ બની રહેશે

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહેલ એકતા યાત્રાના આજે સાતમાં દિવસે આ એકતા યાત્રા પાટડી તાલુકાના સાવડા, ગોરીયાવાડ, મેતાસર,  અંબાડા, જગદીશણ, કથાડા, રૂસ્તમગઢ, જૈનાબાદ અને દસાડા ગામોમાં ફરી હતી. એકતા યાત્રાને ઉમળકાભેર આવકાર મળી રહયો છે. એકતા યાત્રાનું ગ્રામજનો દ્વારા અદકેરૂ સ્વાગત કરવામાં આવી રહયું છે. આ એકતા યાત્રામાં ગામની બાળાઓ દ્વારા શ્રી સરદાર પટેલની પ્રતિમાની પૂજા આરતી કરવામાં આવી હતી.

પાટડી તાલુકામાં એકતા યાત્રામાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, સર્વશ્રી અગ્રણી શ્રી દિલીપભાઈ પટેલ, ખેંગારભાઈ ડોડીયા, પી.કે. પરમાર બાબુકાકા, વિનુ ઝાલા, ખમાભાઈ પરમાર, વિપીનભાઈ ટોલિયા, જીજ્ઞાબેન પંડ્યા, જેન્તીભાઈ પટેલ, સંગીતાબેન પટેલ, લક્ષ્મણભાઈ મામલતદાર, શ્રી પી.એસ.ખરાડી પદાધિકારીઓ-અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.