પડધરી ખાતે આવેલ આશરે સાતસો વર્ષ જુનુ સ્વયંભૂ પ્રગટ થયેલ શ્રી પ્રગટેશ્વર મહાદેવ આવેલ છે અને લોક વાયકા એવી છે કે દરરોજ સાંજે અને સવારે આ જગ્યા ઉપર ગાય આવીને ઉભી રહે તેમના આચળમાંથી દુધ આપો આપ વહી જાય અને આ જગ્યા ઉપર દુધનો સીધો જ અભિષેક થઇ જાય આ રીતે ની પ્રક્રિયા નિરંતર થતી રહી ગાય કાયમ પોતાના પગની ખરીથી ખાડો કરે કોઇ ભક્તને મહાદેવ સ્વપ્નમાં આવ્યા અને આશરે પાંચ ફુટ ખાડો ખોધ્યો તો મહાદેવજી સ્વયંભૂ પ્રગટ થયા હાલ પણ શિવલીંગમાં ગાયના પગની ખરીના નિશાન છે. આમ સ્વયંભૂ પ્રગટ થયેલ મહાદેવ હોય તેમનુ નામ પ્રગટેશ્વર રાખવામાં આવેલ છે. આનો ઉલ્લેખ ગરબીમાં ગવાતો પ્રગટેશ્વર મહાદેવનો ગરબો છે. કહેવાય છે કે દરરોજ સવાર સાંજ મોર તથા નાગ આરતીના સમયે હાજર થઇ જાય આરતી પૂર્ણ થાય એટલે કયાંક અલોપ થઇ જાય.
આ મંદિરના પુજારી આજ ચોથી પેઢીથી અવિરત સેવા કરી રહયા છે.સમગ્ર પડધરી ગામના ગ્રામ્ય દેવતા આરાધ્ય દેવ તરીકે શ્રી પ્રગટેશ્વર મહાદેવ બીરાજમાન છે. પડધરીના પ્રખર પંડીત રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર ચાર વેદોના જ્ઞાતા અને પ્રખર જયોતિષી સ્વ.રેવાશંકરભાઇ બેચરભાઇ ત્રિવેદીએ સમગ્ર જીવ પ્રાણી અને માનવ જાતના કલ્યાણ સુખાકારી અને સમૃધ્ધી માટે સમગ્ર ગામના સહકારથી દર વર્ષે શ્રાવણ વદ અમાસના દિવસે ગામની સુખાકારી સુખ-શાંતિ માટે શાંતિયજ્ઞનું આયોજન કર્યુ અને ગામના શ્રેષ્ઠીઓ તથા બ્રાહ્મણ પરિવારોને સાથે રાખી યજ્ઞ સમિતિનું આયોજન કર્યુ અને ગામનો કોઇપણ નાગરીક આ યજ્ઞમાં યજમાન તરીકે બેસી શકે છે અને સમગ્ર સૃષ્ટીના કલ્યાણ માટે આ યજ્ઞ કરવામાં આવે છે. આશરે 120 વર્ષથી અવિરત આ યજ્ઞ ચાલે છે અને જુદા-જુદા સમાજમાંથી અનેક લોકોએ આ યજ્ઞમાં યજમાન બનવાનું સૌભાગ્ય સાંપડેલ છે.
આ ઉપરાંત પાવનકારી શ્રાવણ માસ દરમ્યાન આજ રીતે કથા-સત્સંગ પણ થાય છે. જેમાં સ્વ.રેવાશંકરઅદા શાસ્ત્રી, મણીશંકરભાઇ ત્રિવેદી, પ્રિતમભાઇ ત્રિવેદી વિગેરે અનેક શાસ્ત્રીઓએ પોતાની વાણીથી કથાનો લાભ અપાયેલ છે. આજ કથા તથા શાંતિયજ્ઞ 120 વર્ષ પૂર્ણ કરેલ છે અને કહેવાય છે કે કુદરતી હોનારત, વાવાઝોડું, પુર, ધરતીકંપ, કોઇપણ આફતના સમયે એકપણ જાન હાની થયેલ નથી. સમગ્ર ગામ શાંતિથી આ શાંતિયજ્ઞના પૂણ્યથી રહે છે અને આ શુભ કાર્યમાં લોકો હમેંશા ઉત્સાહભેર ભાગ લે છે અને શાંતિયજ્ઞમાં પોતાનો યથાશક્તિ ફાળો આપી યજ્ઞમાં આહુતિ આપે છે.
બ્રાહ્મણો પોતાનો અમુલ્ય અને કિંમતી સમય આપી માત્ર એકસો રૂપિયા દક્ષિણા લઇને આ કાર્યને દીપાવે છે અને કુલ છાસઠ ભુદેવો આ મહાયજ્ઞમાં ભાગ લે છે. સર્વનું કલ્યાણ થાય તેવી ઉદાર ભાવના સાથે આ યજ્ઞ થાય છે અને પ્રગટેશ્વર દાદાના આર્શિવાદથી આ કાર્ય સતત ચાલુ રહેશે.આ યજ્ઞની સમિતિ પણ ચાર-ચાર પેઢીથી નિસ્વાર્થ ભાવથી કાર્ય કરી રહી છે.