બોળચોથના દિવસે ગાયમાતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ
હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કઈંક અનોખુ મહત્વ હોય છે અને દરેક પર્વની પાછળ તેનો કઈંક હાર્દ છુપાયેલો હોય છે. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ મહિનાના દરેક તહેવારને ઉજવવા માટે ખાસ પ્રકારના રીતરિવાજને પણ અનુસરવામાં આવતાં હોય છે. આજે બોળ ચોથ છે. જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે.
શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરનારે સવારે નિત્યકામમાંથી પરવારી કંકુ, ચોખા, તથા ફૂલના હારથી ગાય-વાછરડાનું પૂજન કરવું અને એક ટાણું કરવું. ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં. બોળચોથના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં.
બોળચોથના દિવસે ગાયમાતાની પૂજા કરવાનો વિશેષ દિવસ છે, અને વ્રત કરીને બાજરીનો રોટલો અને મગ ખાવાનો દિવસ છે. ગાય બારેય મહિના દૂધ આપે છે, તેનું ઋણ ચૂકવવાનો દિવસ એ બોળચોથ છે. ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. ગાયના શરીરમાં તેત્રીસ કોટી (પ્રકાર) ના દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે.
સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળચોથનું વ્રત કરે છે. બોળચોથની વાર્તા સાંભળે છે. સ્ત્રીઓ આ દિવસે ઘઉની કોઈ વસ્તુ ખાતી નથી, કે ઘઉની કોઈ વાનગી પણ ખાતી નથી, ઘઉ દળતી પણ નથી. તેમજ છરી-ચપ્પુથી છોલતી નથી, શાકભાજી પણ સુઘારાતી નથી, ગાય-વાછરડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે.
બોળચોથનું વ્રત કરવાની રીત
આ વ્રતની સાથે-સાથે. સાંજે ચાર વાગ્યે વાછરડા સાથેની ઘઉંવર્ણી ગાયનું પૂજન કરી તેના દોષમાંથી મુકત થવાય એ પણ રિવાજ છે. રીત-રિવાજ અથવા માન્યતા એ પૌરાણિક કથાઓ જે હોય તે પરંતુ આજના દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રધ્ધાથી ગાયનું પુજન કરે છે.
ગાયનુ પુજન કરતાં પહેલાં ભુદેવ વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે પછી ગાયના શિંગ પર તેલ ચોપડી મસ્તક પર તિલક અને રૂમાંથી બનાવેલા નાગલા ચડાવી ગાયને બાજરી ખવડાવી પુછડે જલાભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરે છે. આમ, આ પ્રકારે બોળ ચોથની પુજા અને વ્રત કરવામાં આવે છે.