- શિવરાત્રિનો એ સમય જ્યારે ભગવાન શંકર આરામ ફરમાવે તે રાત્રિનો એક પ્રહર: આ દિવસે શિવ તત્વ શાંત થઇ જાય, અર્થાત્ ભગવાન ધ્યાનવસ્થામાં ગરકાવ થઇ જાય છે
- હિન્દુઓનો ધાર્મિક તહેવાર, શિવની જન્મજયંતી તરીકે ઉજવાય છે: આ તહેવાર મનુષ્યોને પાપ, અન્યાય અને અનાચારથી દૂર રાખીને શુધ્ધ, પવિત્ર અને સાત્વિક જીવન અર્પે છે
- કલ્યાણ અને મોક્ષ આપનારો શિવરાત્રિના દિવસે શિવજીની પૂજા કરવાથી સુખ-શાંતિ અને સમૃધ્ધિ આવે છે: મહાદેવજીની સાકાર અને નિરાકાર બંને રૂપોમાં પૂજા થાય છે
ઘણીબધી અદ્ભૂત શક્તિઓના સ્વામી એટલે મહાદેવ. માનવતાનું કલ્યાણકારી કામના રાખનાર શંકરે સમુદ્ર મંથનમાંથી નિકળેલ વિષનું પાન કરીને જગતને સંદેશ આપ્યો કે તેઓ કાળના પણ દેવતા છે, દેવોના દેવ મહાદેવ છે. અન્યાય અને અત્યાચારના પર્યાય એવા તારકાસૂરનો વધ કર્યો અને માતા સતીને પોતાના પિતાની ઘરે યજ્ઞાગ્નિમાં ભસ્મ થયા બાદ તાંડવ નૃત્ય કરીને સમસ્ટ માનવ જગતને પોતાની સંહાર શક્તિ પરિચય કરાવ્યો હતો. આજે મહાશિવરાત્રી છે, આજના દિવસે ભોળાનાથના દર્શન કરીને શિવભક્તો ધન્યતા અનુભવે છે. શિવજીના પૂજનમાં શિવલિંગના પૂજનનું વિશેષ મહત્વ છે. હિન્દુઓનો સૌથી મોટો ધાર્મિક તહેવાર છે, જેની ઉજવણી શિવની જન્મજયંતિ તરીકે પણ થાય છે.
આ તહેવાર મનુષ્યોને પાપ, અન્યાય અને અનાચારથી દૂર રાખીને શુધ્ધ, પવિત્ર અને સાત્વિક જીવન આપે છે. કલ્યાણ અને મોક્ષ આપનારી શિવરાત્રીના દિવસે શિવજીની આરાધના સુખ-શાંતિ અને સમૃધ્ધિ આપે છે. મહાદેવજી સાકાર અને નિરાકાર બંને રૂપોમાં પૂજાય છે. બહુ ઓછી પ્રચલિત એક કથા મુજબ શિવરા બીએ સમય છે, જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રીના એક પ્રહરના ગાળામાં આરામ કરે છે. આ એક પ્રહરને જ મૂળ શિવરાત્રી ગણવામાં આવે છે. એક બીજી વાતએ પણ છે કે જ્યારે તે આરામ કરે છે, ત્યારે શિવ તત્વ શાંત થઇ જાય એટલે કે ભગવાન ધ્યાનાવસ્થામાં ડૂબી જાય છે.
ભગવાન શંકરને સમર્પિત દિવસ એટલે મહાશિવરાત્રી. આમ જોઇએ તો દર મહિને વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રી જ કહેવાય, પણ મહાવદ ચૌદસ જ ખરેખર મહાશિવરાત્રીનું પર્વ ગણાય છે. આ દિવસે દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો. એક વાત એવી પણ છે કે પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રીએ પ્રગટ થયું હતું. નારદ્ સંહિતા મુજબ જે દિવસે મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસ શિવરાત્રી વ્રત કરે તેને અનંત ફળને પ્રાપ્ત થાય છે. આ સંબંધમાં ત્રણ પક્ષ છે, જેમાં ચૌદશની પ્રદોષ વ્યાપિની, નિશીથ (અર્ધરાત્રી), વ્યાપિની અને ઉભય વ્યાપિની વ્રતરાજ, નિર્ણય સિન્ધુ તથા ધર્મસિન્ધુ વિગેરે ગ્રંથો અનુસાર નિશીથ વ્યાપિની ચૌદશતિથિનો જ સ્વીકાર કરાયો છે.
શિવજીની કથામાં સમુદ્ર મંથન, પ્રલયના ભય વખતે પાર્વતીના શિવપૂજનની વાત, શિવજીની પ્રિયરાત્રી અને તેના આરામની રાત્રી જેવી કથા જોડાયેલી છે. તેના પદાર્થ શિવજીને અર્પણ કરવામાં આવે છે. ભારતમાં 33 કરોડ દેવતાની હિન્દુઓ પૂજા કરે છે, તે પૈકી શિવજીનું મુખ્ય સ્થાન છે. શિવજીને અનુસરનારાઓ શૈવ સંપ્રદાય ચલાવતા હતા, તે ધર્મના પ્રમુખ દેવતા ભગવાન શિવજી હતા. એક વાત એ પણ છે કે બીજી બધા ભગવાન કરતા ભગવાન શિવજી જલ્દી પ્રસન્ન થાય છે. તેથી જ તેને ભોળાનાથ કહેવાય છે, જો કે તેમનો ક્રોધ પણ એવો હતો. આપણાં શાસ્ત્રો અને પુરાણોમાં મહાદેવના અનેક નામો છે. જેમાં શંકર, ભોલેનાથ, પશુપતિ, ત્રિનેત્ર, પાર્વતીનાથ જેવા ઘણા નામોથી ઓળખાય છે. શિવપુરાણ મુજબ શિવજી બધા જીવના પ્રાણીના સ્વામી અને અધિનાયક છે. તેઓ વર્ષમાં છ મહિના કૈલાસ પર્વત પર રહીને તપસ્યામાં લીન રહે છે.
મહા શિવરાત્રી વિશે ઘણી વાતો જોવા મળે છે, એવું મનાય છે કે મધ્યરાત્રીએ બ્રહ્માના રૂદ્ર રૂપમાં ઉતર્યા હતા અને શિવ તાંડવ કરીને પોતાની ત્રીજી આંખ ખોલી હતી જેને કારણે તે ત્રિનેત્ર કહેવાયા છે. આ તેમની જ્યોતથી બ્રહ્માંડનો અંત કર્યો હતો. આ દિવસે ઘણી જગ્યાએ શિવ-પાર્વતીના લગ્ન પણ યોજાય છે, આજ દિવસે તેમના લગ્ન થયા હોવાથી પણ આ દિવસની પવિત્રતા વધી જાય છે. દરેક મંદિરોમાં વિવિધ શણગારો સાથે ચાર પ્રહરની પૂજા રખાઇ છે. શિવભક્તો પણ વ્રત-ઉપવાસ કરે છે. દુધ મિશ્રીત શુધ્ધ જળથી શિવલિંગને સ્નાન કરાવે છે. આ દિવસે ગંગાસ્નાનનું વિશેષ મહત્વ છે, તો ગીરનાર, જૂનાગઢ ખાતે શિવરાત્રીએ મળો પણ યોજાય છે અને સાધુ-સંતો ભક્તોને દર્શન આપે છે. મહાશિવરાત્રીની તહેવાર કથામાં ચિત્રભાનુ નામના શિકારીની કથા ખૂબ જ પ્રચલિત છે.
આજે શિવમંદિરો બમબમ ભોલેના નાદથી ગુંજી ઉઠશે. અભિષેક, લઘુરૂદ્ર, મહારૂદ્ર જાપના વિવિધ આયોજન શિવાલયોમાં યોજાયા છે. ભગવાન ભોળાનાથ દરેક વ્યક્તિના પ્રિય ભગવાન છે, જે માત્ર અભિષેક દર્શન અને બિલ્વપત્રથી જ રાજી થઇ જાય છે. શિવ અને જીવનું મિલનએ મહાશિવરાત્રીનો મહાયોગ મનાય છે. પ્રયાગરાજનાં મહાકુંભ અને ભવનાથના મીની કુંભની સમાપ્તી થશે. હિન્દુ પુરાણોમાં મહાશિવરાત્રી માટે અનેક કથાઓ છે.
મહા શિવરાત્રિના ચાર પ્રહરની વિગત
આપણાં હિન્દુ પંચાગ પ્રમાણે સૂર્યોદયથી દિવસની શરૂઆત થાય છે, સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનો સમય 24 કલાકનો ગણાય છે, જેમાં 8 પ્રહર આવે છે, જેમાં દિવસના ચાર અને રાત્રીના ચાર પ્રહર હોય છે. શિવરાત્રીએ રાત્રીના ચાર પ્રહરની પૂજાનું વિશેષ મહત્વ છે. પ્રથમ પ્રહર 6-50થી શરૂ થાય છે. સવારનાં 4.02 થી 7.06 કલાક સુધી, ચોથો પ્રહર કહેવાય છે. નિશિથકાળ રાત્રી 12-34 થી 1-22 ગણવામાં આવે છે. ચાર પ્રહરની પુજામાં પણ અલગ-અલગ સામગ્રી વડે પૂજન-અર્ચન કરવાનો શાસ્ત્રોક્ત મહિમા છે. આ પૂજનમાં જલધારા, ચંદન, ચોખા, કમળ, દૂધ, શ્રીફળ, બિલીપત્ર, ઘઉં, આકળાના પુષ્પ જેવી વિવિધ સામગ્રીનો ઉપયોગ થાય છે.