સૌરાષ્ટ્ર–કચ્છના પ્રાંત સંચાલક તરીકે મુકેશભાઈ મલકાણની કરાઈ નિયુકિત જયારે ગુજરાત પ્રાંત માટે ડો.ભરત પટેલ કરાયા નિયુકત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગુજરાતની કામગીરીને બે ભાગમાં વહેંચવામાં આવી છે જેમાં આરએસએસ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતને અલગ કરવામાં આવ્યું છે અને જયારે ગુજરાત પ્રાંતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી સહિત અન્ય જિલ્લાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની તો તેમાં રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર સહિત ભાવનગર, બોટાદ અને કચ્છના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ મહત્વપૂર્ણ નિર્ણય અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં ગ્વાલિયર ખાતે લેવામાં આવ્યો હતો ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાત પ્રાંત સંચાલક મુકેશભાઈ મલકાણને સૌરાષ્ટ્ર પ્રાંત સંચાલક તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. એવી જ રીતે ગુજરાત પ્રાંત સંચાલક તરીકે ડો.ભરત પટેલની નિયુકિત કરવામાં આવી છે. આર.એસ.એસ. ગુજરાતના પ્રવકતા વિજયભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, સંઘ દ્વારા ગુજરાત પ્રાંતને બે વિભાગમાં વહેંચવાનો નિર્ણય સૌપ્રથમવાર લેવામાં આવ્યો છે. જેથી સંચાલન સુચારુરૂપથી થઈ શકે અને જે જિલ્લાઓ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતમાં આવરી લેવામાં નહીં આવ્યા હોય તે ગુજરાત પ્રાંત હેઠળ નિગરાનીમાં રહેશે.
અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, અખિલ ભારતીય પ્રતિનિધિ સભા જે ગ્વાલિયર ખાતે યોજાઈ હતી ત્યારે ઓફિસ બેરીયર તરીકે નવી નિયુકિત ટુંક સમયમાં જ કરવામાં આવશે. આ નિર્ણય પાછળ સંઘનો મુખ્ય હેતુ એ છે કે જે કાર્યકર્તાઓ જે કામગીરી કરી રહ્યા છે સંઘના વિસ્તરણ માટે તેમાં તેનું કામ પણ દેખાઈ શકે અને કામગીરીની ગુણવતામાં વધારો થાય ત્યારે આવનારો સમય જ જણાવશે કે ગુજરાતની કામગીરીને જે બે વિભાગમાં વહેંચવામાં આવી છે તે કેટલી અસરકારક નિવડશે. સંઘ હાલ જે રીતે કાર્ય કરી રહ્યું છે તેમાં કાર્યકર્તાઓની સંખ્યામાં પણ ખુબ જ વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આ નિર્ણય જે લેવામાં આવ્યો છે તે સંઘને મહદઅંશે ફાયદો કરાવે તે વાત સામે આવી રહી છે.