- મોદી 3.0: 100 દિવસની સફર શરૂ 14 ખરીફ પાકો પર લઘુત્તમ ટેકાના ભાવમાં 5થી લઈ 11%નો વધારો
- તેલીબિયાં અને કઠોળના લઘુતમ દરમાં સૌથી વધુ વધારો કરાયો
અબતક, નવી દિલ્હી: કેન્દ્રમાં ત્રીજી વખત મોદી સરકાર બન્યા બાદ હવે 100 દિવસના એજન્ડા ઉપર કામ શરૂ થઈ ગયું છે. ગઈકાલે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે 14 ખરીફ પાકો પર લઘુત્તમ ટેકાના ભાવ વધારવાની મંજૂરી આપી છે. સરકારે કહ્યું કે 2024-25 માટે ખરીફ પાકના લઘુતમ દરમાં વધારો કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટેકાના ભાવમાં સૌથી વધુ વધારો તેલીબિયાં અને કઠોળ માટે કરવામાં આવ્યો છે, જેમાં નાઈજરસીડ (રામતલ) પ્રતિ ક્વિન્ટલ રૂ. 983નો વધારો થયો છે, ત્યારબાદ તલ રૂ. 632 પ્રતિ ક્વિન્ટલ અને અરહર દાળમાં રૂ. 550 પ્રતિ ક્વિન્ટલનો વધારો થયો છે.
કેબિનેટના નિર્ણયની જાહેરાત કરતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આજના નિર્ણયથી ખેડૂતોને ટેકાના ભાવ તરીકે લગભગ રૂ. 2 લાખ કરોડ મળશે. આ ગત સીઝન કરતાં રૂ. 35,000 કરોડ વધુ છે.
સરકારના જણાવ્યા અનુસાર ડાંગરની ટેકાના ભાવ 2300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે, જે ગયા વર્ષ કરતા 117 રૂપિયા વધુ છે. જ્યારે તુવેર દાળની એમએસપી 7550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હશે, જે ગયા વર્ષ કરતાં 550 રૂપિયા વધુ છે. અડદની દાળની એમએસપી 7400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હશે, જે ગયા વર્ષ કરતાં 450 રૂપિયા વધુ છે. મગની એમએસપી 8682 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હશે, જે ગયા વર્ષ કરતાં 124 રૂપિયા વધુ છે. મગફળીની એમએસપી 6783 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હશે, જે ગયા વર્ષ કરતાં 406 રૂપિયા વધુ છે.
કપાસની એમએસપી 7121 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હશે, જે ગયા વર્ષ કરતાં 501 રૂપિયા વધુ છે. જુવારની એમએસપી 3371 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હશે, જે ગયા વર્ષ કરતાં 191 રૂપિયા વધુ છે. બાજરીનો એમએસપી 2625 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હશે, જે ગયા વર્ષ કરતાં 125 રૂપિયા વધુ છે. અને મકાઈની એમએસપી 2225 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હશે, જે ગયા વર્ષ કરતાં 135 રૂપિયા વધુ છે.
આ સિવાય રાગીની નવી એમએસપી 4290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તલની એમએસપી 8717 રૂપિયા અને સનફ્લાવરની નવી એમએસપી 7230 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવી છે.
ગુજરાતમાં 500 મેગા વોટનો વિન્ડ ટર્મિનલ પ્રોજેક્ટ સ્થપાશે
કેબિનેટે 1 ગીગાવોટ ઓફ શોર વિન્ડ ટર્મિનલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ અંતર્ગત ગુજરાતમાં 500 મેગાવોટનો એક પ્રોજેક્ટ અને તમિલનાડુમાં 500 મેગાવોટનો બીજો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. બંને પ્રોજેક્ટમાં 7453 કરોડ રૂપિયાનું રોકાણ થશે. ગુજરાતમાં 4.5 રૂપિયા પ્રતિ યુનિટના દરે વીજળી મળશે. જ્યારે તમિલનાડુમાં 4 રૂપિયા પ્રતિ યુનિટના દરે વીજળી મળશે.
દેશભરમાં ફોરેન્સિક વિશ્ર્વ વિદ્યાલયો સ્થપાશે
મોદી સરકાર 3.0 કેબિનેટે નેશનલ ફોરેન્સિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્હાન્સમેન્ટ સ્કીમને મંજૂરી આપી છે.આનાથી અસરકારક ફોજદારી ન્યાય વ્યવસ્થામાં મદદ મળશે. ફોરેન્સિક પરીક્ષણ તકનીકો પુરાવાની સમયસર અને વૈજ્ઞાનિક તપાસમાં મદદ કરશે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને 28 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઑફ-કેમ્પસ, સુસજ્જ પ્રયોગશાળા સ્થાપવા માટે મંજૂરી આપવામાં આવી છે. જ્યાં દર વર્ષે 9000 વિદ્યાર્થીઓને તાલીમ આપવાની ક્ષમતા હશે.
મહારાષ્ટ્રમાં વાધવન પોર્ટને રૂ.76,200 કરોડના ખર્ચે વિકસાવાશે
મહારાષ્ટ્રમાં વાધવન પોર્ટના વિકાસ માટે રૂ. 76,200 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. આ બંદર 12 લાખ રોજગારીની તકો ઉભી કરશે. કેબિનેટે મહારાષ્ટ્રના વાધવનમાં 76200 કરોડ રૂપિયાના ખર્ચે ડીપ ગ્રીનફિલ્ડ પોર્ટના નિર્માણને મંજૂરી આપી છે. આ બંદર ભારત-મિડલ ઈસ્ટ કોરિડોર માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે. આ બંદર વિશ્વના ટોચના 10 બંદરોમાં સામેલ થવાની સંભાવના ધરાવે છે.
વારાણસી એરપોર્ટના વિસ્તરણને મંજૂરી
કેબિનેટે વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણને પણ મંજૂરી આપી છે. હાલમાં વારાણસી એરપોર્ટની ક્ષમતા પ્રતિ વર્ષ 39 લાખ મુસાફરોની છે. 2025-2026 સુધીમાં તેમાં નોંધપાત્ર વધારો થશે. તેને ધ્યાનમાં રાખીને એરપોર્ટની ક્ષમતા વધારવા માટે 75,000 ચોરસ મીટરનું નવું ટર્મિનલ બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની ક્ષમતા પ્રતિ વર્ષ 60 લાખ મુસાફરોની હશે અને આ ટર્મિનલ પીક અવર દરમિયાન 5000 મુસાફરોના ભારને હેન્ડલ કરી શકશે. આમાં નેચરલ લાઇટિંગ અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં વારાણસીનો સાંસ્કૃતિક વારસો બતાવવામાં આવશે. એરપોર્ટનો રનવે પણ લંબાવવામાં આવશે. તેની લંબાઈ વધારીને 4075 મીટર કરવામાં આવશે.