ટ્રાફિક સમસ્યા દુર કરવાને બદલે તંત્રના આંખ મીચામણા
દબાણ સામે કાર્યવાહી માટે જવાબદારોની ‘લાજ’ કાઢે છે
દ્વારકામાં જગતમંદિરના બંને પ્રવેશ દ્વારોના રસ્તા પર ટ્રાફીકની ભયંકર સમસ્યા છે. આ વિસ્તારમાં વ્યવસાય કરતા અમુક ધંધાર્થીઓ મંદિરને જોડતા અત્યંત સાંકડા રસ્તાઓમાં પણ રસ્તાની બંને બાજુ પથારા પાથરી ચુકયા છે. આ સમસ્યા વર્ષોથી છે. જગતમંદિરના મુખ્ય રસ્તાની આસપાસ દબાણના કારણે દર્શનાર્થીઓ તથા સ્થાનીક લોકોને અવર-જવર કરવામાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રસ્તા પરના દબાણો તથા ટ્રાફીક સમસ્યા બાબતે અધિકારીઓ ઈરાદાપૂર્વક આંખ આડા કાન કરી રહ્યા છે.
મંદિરની આસપાસ સાંકડી બજારો અને મંદિરના મેઇન ગેટની બાજુની દુકાનોમાં ત્રણ થી ચાર ફુટના ઓટલાઓ ઉપર તથા ટેબલો ખડકીને રસ્તા પર રીતસર કબજો જમાવી લીધો છે. જેનાથી યાત્રિકો તથા સ્થાનીક લોકોને અવર-જવર કરવામાં ખુબજ મુશ્કેલી પડે છે. કોરોનાકાળ પછી યાત્રિકોની સંખ્યામાં ઉતરોતર વધારો થતો જાય છે ત્યારે ટ્રાફીકની સમસ્યા શિરદર્દ સમાન બની ગઈ છે. આશ્ચર્ય ની સાથે સળગતો સવાલ એ છે કે સ્થાનીક પોલીસ, ચીફઓફીસર સહિત સંબંધિત અધિકારીઓને આ સમસ્યા દેખાતી નથી ?
નવ નિયુક્ત કલેકટર આ સમસ્યા ઉકેલશે
નવનિયુકત જીલ્લા કલેકટર અને દ્વારકાધીશ મંદિરના અધ્યક્ષ યાત્રિકો આ બાબતે ધ્યાન કેન્દ્રીત કરીને જગતમંદિર આસપાસ ગેરકાયદેસર રસ્તાઓ દબાવીને ધંધો કરતા ધંધાર્થીઓ સામે લાલ આંખ કરશે… ? એ સળગતો સવાલ બન્યો છે.