પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો લોકો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થાય, ભોજનમાં જાડા, બરછટ અનાજનું નિયમિત સેવન કરે તેવા આશયથી સુરત ખેતીવાડી વિભાગ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તા. 8 અને 9મી ફેબ્રુઆરી બે દિવસ માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સુરત જિલ્લાકક્ષાના ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2025’ને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખૂલ્લો મૂકાયો હતો. દ.ગુજરાતના મિલેટ્સ પકવતા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના 75 સ્ટોલ્સ ઉભા કરાયા છે. મુલાકાતીઓ માટે પ્રદર્શનો, લાઈવ ડેમોન્સ્ટ્રેશન તેમજ મિલેટ્સ વાનગીઓ માણવા માટે લાઈવ ફૂડસ્ટોલ્સનું આયોજન કરાયું છે.
આ તકે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મિલેટ્સ ઉત્પાદન કરતા નાના ખેડૂતો માટે મિલેટ્સની ખેતી આશીર્વાદરૂપ છે, સાથોસાથ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી બન્યા છે. પોષકતત્વોથી ભરપૂર અને તંદુરસ્તીનો ખજાનો હોવાથી મિલેટ્સને ‘શ્રીઅન્ન’ની ઉપમા આપવામાં આવી છે. મોટા, જાડા, હલકા કે બરછટ અનાજ જેવા નામથી જાણીતા જુવાર, બાજરો, કાંગ, બંટી-બાવટો જેવા પરંપરાગત ધાન્યને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘શ્રીઅન્ન’ જેવું પવિત્ર નામ આપી તેના ભરપૂર સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ સમજાવી વિશ્વ ફલક પર શ્રીઅન્નની મહત્તા સ્થાપિત કરી છે. તેમણે ઉમેર્યું કે, મિલેટ્સના ગુણધર્મો, ઉપયોગિતા વૈશ્વિક સ્તરે પ્રચલિત થાય એ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના પ્રસ્તાવ અને પ્રયત્નો પછી સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ’ તરીકે જાહેર કર્યું હતું. કોરોનાકાળ બાદ લોકોમાં સામૂહિક સ્વાસ્થ્ય જાગૃતિ આવી છે એનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, આજે લોકોના ડાયેટ ચાર્ટમાં મિલેટ્સનો સમાવેશ થયો છે. લોકો જાડા ધાન્યના ગુણો, સ્વાદ અને પોષણ પ્રત્યે જાગૃત્ત બન્યા છે. પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો સુરતવાસીઓ ઘરઆંગણે ખરીદી શકે એ માટે મજુરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તારોમાં રવિ અને મંગળવારે વેચાણકેન્દ્રો શરૂ કરાયા છે.
જ્યાં સવારમાં ગણતરીના કલાકોમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો, શાકભાજી ચપોચપ વેચાઈ જાય છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધતા સુરત જિલ્લામાં 17 હજાર મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટ્યો છે એમ જણાવી તેમણે આધુનિક સમયમાં પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય હોવાનો મત વ્યક્ત કર્યો હતો. સંઘવીએ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-પ્રદર્શનને ખૂલ્લું મૂક્યા બાદ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતો, એફ.પી.ઓ.ના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. રાજ્યની આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં એકસાથે મિલેટ મહોત્સવનું આયોજન કરાયું છે.
આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, જિ. પંચાયત ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, સંયુક્ત ખેતી નિયામક(વિસ્તરણ) કે.વી. પટેલ, સંયુક્ત બાગાયત નિયામક એચ.એમ.ચાવડા, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીત, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર (સુરત) એન.જી.ગામીત, કૃષિ વૈજ્ઞાનિક ડો. બી.કે. દાવડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક ડો. જે.એચ. રાઠોડ, મનપાની નગર પ્રા. શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા, જિ. પંચાયતના સભ્ય અને ખેત ઉત્પાદન સમિતિના ચેરમેન નિલેશભાઈ તડવી, સહિત સુરત મનપાના પદાધિકારી-અધિકારીઓ, મિલેટ્સ પકવતા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. 15ફુડ સ્ટોલ્સમાં અવનવી મિલેટ્સ વાનગીઓનો આસ્વાદ માણી શકાશે.
દ.ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નવસારી જિલ્લાના 60 જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ૭૫ જેટલા સ્ટોલ્સમાં મિલેટ્સ ઉત્પાદનોને વેચાણ માટે પ્રદર્શિત કર્યા છે. મિલેટ્સ ફૂડના 15 સ્ટોલ્સમાં અવનવી મિલેટ્સ વાનગીઓનો આસ્વાદ માણી શકાય છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની હળદર, નાગલી, આંબા મોર રાઈસ, દુધ મલાઈ, કોદરો, જુવાર, ગોળ, મધ જેવી અનેક ખેતપેદાશો સુરતીઓને ખરીદવાની તક છે. મિલેટ્સ (જાડું અને બરછટ અનાજ)ના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી તકનીકો, અને પ્રાકૃતિક કૃષિપેદાશોની એક વિશાળ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવી છે. રવિવારે નાગલીના ઢોકળા અને શીરો, જુવાર-બાજરીના રોટલા, લાલ કડા પેજુ, મિલેટ વડા, નાગલી અને ચોખાના રોટલા, અડદની દાળ, રીંગણ બટાકાનું શાક, કઠોળ, પનેલા, દાળ-ભાત જેવી મિલેટ્સ વાનગીઓનો આસ્વાદ માણવાની તક ચૂકવા જેવી નથી. તા. 9મી સુધી સવારે 9 થી રાત્રે 8 સુધી ખૂલ્લા રહેનારા આ મહોત્સવમાં મિલેટ્સનું મહત્વ અને મૂલ્યવર્ધન, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક સર્ટિફિકેશન અને બાગાયતી પેદાશોનું કેનિંગ વગેરે જેવા વિષયો પર અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકો પેનલ ચર્ચાથી માર્ગદર્શન આપશે. મિલેટ્સ આધારિત રસોઈ, લાઈવ ફૂડસ્ટોલ્સ, ફૂડ પ્રોસેસિંગનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન્સ જોવા મળશે.