દરરોજ જાહેર થતા નીતનવા દાવાઓ અને અભ્યાસના ચોંકાવનારા તથ્યોથી લોકો મૂંઝવણમાં
મહામારીમાં રસીની રસ્સા ખેંચ પુરજોશમાં જામી હતી. હવે આ રસ્સાખેંચ ચરમસીમાએ પહોંચી છે. દરરોજ નત નવીન દાવાઓ અને અભ્યાસના ચોંકાવનારા તથ્યો બહાર આવી રહ્યા છે. જેને કારણે સામાન્ય માણસ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.
25 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રસીનો ત્રીજો ડોઝ આપવાની જાહેરાત કરી હતી. સાવચેતીના ભાગ રૂપે 10 જાન્યુઆરીથી ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર રોગોથી પીડિત લોકો માટે રસીનો ડોઝ શરૂ કરવામાં આવશે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે પ્રિકોશન ડોઝ હેઠળ કઈ રસી આપવામાં આવશે. તો તેનો નિષ્ણાંતો પાસેથી એવો જવાબ મળી રહ્યો છે કે કોવેકસીન અને કોવિશિલ્ડ બન્નેનું મિશ્રણ ત્રીજા ડોઝમાં દેવામાં આવે એવી પ્રબળ શક્યતા છે. હવે સામાન્ય માણસ માથું ખંજવાળી રહ્યો છે કે રસીમાં પણ કોકટેઇલ?
બીજી તરફ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જાહેર કરાયુ છે કે કોરોના રસીના બંને ડોઝ લગાવ્યા પછી, શરીરમાં બનેલી રોગપ્રતિકારક શક્તિ લગભગ 9 મહિના સુધી રહે છે. એટલે રસીની અસર ક્ષણિક હોવાનું સામે આવ્યું છે. બીજું એ કે ભારત બાયોટેકની કોવેકસીન રસીનું પરીક્ષણ 2-18 વર્ષના બાળક પર કરવામાં આવ્યું હતું, જેમાં તે સુરક્ષિત અને રોગપ્રતિકારક હોવાનું જણાયું હતું. સરેરાશ, પુખ્ત વયના લોકો કરતા બાળકોમાં 1.7 ગણા વધુ તટસ્થ એન્ટિબોડીઝ જોવા મળ્યા હતા. એટલે નિષ્ણાંતોએ મોડે મોડે એવું જાહેર કર્યું છે કે ખરેખર તો પુખ્ત વયના લોકો કરતા બાળકોમાં કોવેકસીન વધુ અસરકારક છે. તો પછી આટલા સમય સુધી બાળકોને કેમ કો વેકસીન આપવામાં આવી રહી ન હતી. તેવો સો મણનો સવાલ ઉદ્દભવ્યો છે.