મહારાજા જામસાહેબ રણજીતસિંહજી ઓફ નવાનગર તેમનું નવું ગેસ્ટ હાઉસ બનાવી રહ્યા હતા. તે સમય દરમ્યાન એક દિવસ તેઓ ઘોડેસવાર એ એક નાની વાડી જે એમના નવા ગેસ્ટ હાઉસથી નજીકમાં હતી તેની મુલાકાતે ગયા. જામસાહેબે આ વાડીના માલિક ખેડૂતને પ્રશ્ન કર્યો કે એમને ગેસ્ટ હાઉસના ઉપયોગ માટે અહીં બગીચો બનાવવો હોય તો આ વાડી મને (જામસાહેબને) આપવા તૈયાર છો ? ખેડૂતે જામસાહેબને એમ સમજાવવાની અરજ કરી કે આ વાડી ઉપર મારું અને મારા પરિવારના ગુજરાનનો આધાર છે. અમે આ વાડી છોડી દઇએ તો અમે અમારું ગુજરાન કેમ કરીએ !
જવાબમાં જામસાહેબે ખેડૂતને કહ્યું કે તમે આ વાડી મને સોંપો તો એના બદલામાં હું તમને એટલી ને એટલી ખેતીની જમીન આપું. પરંતુ ખેડૂતે નમ્રતાથી કહ્યું કે પોતે જે વાડી સોંપશે તે બહુજ ઉત્તમ ખેતીવાળી છે, જેની સામે આપ અમને જમીન આપશો એ તો પડતર જમીન હશે. એના અનુસંધાને જામસાહેબે ખેડૂતને કહ્યું કે તમે એક વર્ષનો સમય લઇને નવાનગર સ્ટેટની માલિકીની ગમે તે તમને લાયક જમીન દેખાય અને તમને જે પસંદ હોય તે જમીન હું તમને આપીશ.
અમુક સમય બાદ જ્યારે ખેડૂતે જામસાહેબને જણાવ્યું કે તેણે એક જમીન પસંદ કરી છે. ત્યાર પછી એક રાજનો અમલદાર ગાડી લઇને ખેડૂતને તે જમીન દેખાડવા લઇ ગયો. જમીન જોયા પછી ખેડૂતને પાછો ઘરે પોંચાડી અને કહ્યું કે હવે તમે રાહ જોજો કારણ કે, અમારે આ કામની કાનૂની વિધિ કરવાની છે જે પૂરી થતા તમને જણાવશું.
ઘણા દિવસો વીતી જતાં, ખેડૂતના પરિવારના સભ્યો કહેવા લાગ્યા કે મહારાજા આપણી સાથે તો બહુજ સારી રીતે વાતો કરી ગયા પરંતુ પછી બધુ ભૂલી ગયા લાગે છે. સારી વાત એ હતી કે અચાનક એક દિવસ તે જ રાજના અમલદાર પાછા એ ખેડૂતની વાડીએ આવ્યા અને ખેડૂતને વિનંતી કરી અને જમીન જોવા લઇ ગયા. જમીન જોતા ખેડૂતે અમલદારને કહ્યું કે સાહેબ મેં તો એક નાનકડી અને બિલકુલ ઉજ્જળ જમીન પસંદ કરી હતી, જ્યારે આ જમીન તો બમણી મોટી છે, તેમાં સરસ મોટો પાણીથી ભરેલો કૂવો છે, સરસ મકાન ઉભું છે અને જમીનમાં બાજરાનો પાકેલો મોલ ઉભો છે. આ મારી બતાવેલી જમીન કેમ હોય ? તેના જવાબમાં અમલદારે ખેડૂતને સમજાવ્યું કે જામસાહેબે એવો નિર્ણય લીધો કે તમને તમારી વાડી કરતા બમણી જમીન આપવી, ત્યાં મોટો કૂવો ગાળવો, તેઓને રહેવા એક સારું મકાન બાંધી દેવું અને તેમના માટે બાજરાનો મોલ ઉભો કરી દેવો. એટલે આ તમારી પસંદ કરેલી જમીન જ છે અને તેના ઉપર આ બધુંથ કામકાજ રાજના ખર્ચે કરેલ છે. ખેડૂત આશ્ચર્ય પામી ગયો.
રાજાશાહીના વખતમાં રાજા-મહારાજાઓ આવી રીતે કામ કરતા.તેમ જામનગરનાં પૂર્વ રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા એ રાહુલ ગાંધીનાં એક નિવેદનનાં જવાબમાં જણાવ્યું હતું.