ચૂંટણીલક્ષી બજેટે રોડ મેપ ‘ચાતરી દીધો’
નાણામંત્રી નીતિનભાઈ પટેલનું નવમું ‘પેપરલેસ’ બજેટ: મોબાઈલ એપનું લોન્ચીંગ, બે વર્ષના બજેટની વિગતો, આત્મનિર્ભર, ડિજિટલ ઈન્ડિયાનું પ્રતિક બન્યું બજેટ
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આ વખતનું ગુજરાતનું બજેટ તમામ વર્ગને સંતોષ અને ફીલ ગુડની અનુભુતિ સાથે વિકાસને વરેલુ હોય તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને ગુજરાતના નાણામંત્રીએ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી બજેટથી પ્રજાએ મુકેલા વિશ્ર્વાસને ફૂલગુલાબી બનાવવા જેવું આ બજેટ વિકાસલક્ષી બજેટ બની રહેશે. તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની કોર્પોરેશન અને ગઈકાલે જાહેર થયેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના સુશાસન અને વિકાસના મંત્ર પર શ્રદ્ધા રાખીને ગુજરાતીઓએ જે રીતે ‘કેસરીયા’ કરી લીધા છે તેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આવકારીને જણાવ્યું હતું કે, ભાજપના સુશાસન પર શ્રધ્ધા રાખનાર ગુજરાતીઓને પ્રણામ કર્યા હતા.
બજેટ સત્રના પ્રારંભે જ નાણામંત્રી નીતિનભાઈ પટેલે આ બજેટ સંપૂર્ણપણે વિકાસને વરેલુ બજેટ હોવાનું જણાવ્યું હતું. ગુજરાતના મતદારો અને પ્રજાનું ભાજપના વિકાસ મંત્ર પર ઓળધોળ જેવા જનાધાર આપવાના અભિગમને લઈને ગુજરાતની પ્રજાનું હિત અને રાજ્યના વિકાસ કેન્દ્ર અને ગુજરાતની સરકાર માટે ફરજ બની ચૂકી છે.
ગુજરાતના બજેટના કેન્દ્રમાં વિકાસ અને ચૂંટણીલક્ષી અભિગમના કારણે ગુજરાતનું આ બજેટ શહેરી અને ગ્રામ્ય વસ્તી વચ્ચેનું સંતુલનથી લઈને રાજ્ય સરકાર હસ્તકની તમામ પરિયોજનાઓનો છેવાડાના નાગરિકને વધુને વધુ લાભ થાય. રાજ્ય સરકાર હસ્તકની તમામ પરિયોજનાઓ કૃષિ, ઉદ્યોગ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને સામાજિક વિકાસની પરિભાષાઓને પૂર્ણ કરનારા આ બજેટને ગુજરાતીઓને વધુને વધુ ખુશ કરવાના અભિગમથી ગુજરાતનું વિકાસલક્ષી બજેટ સંપૂર્ણપણે ફૂલગુલાબી બની રહેશે. પ્રજાએ મુકેલા વિશ્ર્વાસને આ બજેટમાં સ્થાન આપીને ગુજરાતની સરકારે પ્રજાલક્ષી અભિગમ અપનાવીને બજેટને ફૂલગુલાબી બનાવી દીધું છે. વિધાનસભાની ચૂંટણીનું આવનારૂ 2022નું વર્ષ સરકાર માટે ભવિષ્યના રોડમેપ માટે નીમિત બનનારૂ છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને લઈને ગુજરાતનું આ બજેટ સર્વવર્ગ સુખાયની ભાવનાને ઉજાગર કરનારૂ બની રહેશે.
નાણામંત્રી નીતિનભાઈ પટેલે પણ ડિજીટલ ઈન્ડિયાના ક્ધસેપ્ટને સ્વીકારીને પેપરલેસ બજેટ રજૂ કરવાની તૈયારી કરી છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થનાર આ બજેટ પ્રથમ પેપરલેસ બજેટ બની રહેવાનું છે. નાણામંત્રી સતત 9મી વાર રાજ્યનું બજેટ રજૂ કરવાના નીમિત બનશે.
કોરોના કટોકટી, આર્થિક મંદી અને લોકડાઉન જેવા નકારાત્મક પરિબળોની આફતો અને ઉભી થયેલી રાજકોષીય ખાદ્ય અને પ્રજાની હાડમારીને ભુલાવી દઈ આ બજેટમાં વિકાસ માટે રાજ્ય સરકારની તેજુરીના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ઉદ્યોગીક વિકાસની સાથે સાથે નવા કૃષિ કાયદાના અમલથી કૃષિ ક્ષેત્રે આવનારા પરિવર્તનને સરકારનો સહયોગ મળી રહે તે માટે કૃષિ ક્ષેત્રના વિકાસ અને ખાસ કરીને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના અભિગમને ચરિતાર્થ કરવા માટે કૃષિ ક્ષેત્રના વિકાસલક્ષી પરિયોજનાઓ અને ખેડૂતોને ખેડ, ખેતર અને પાણી સમયસર અને વ્યાજબી રીતે મળી રહે તે માટે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખાસ જોગવાઈની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ સરકારના વિકાસના ફળ છેવાડાના નાગરિકોને મળે તેના પ્રયત્નો કરવામાં આવ્યા છે.
પોસ્ટ કોવિડ પરિસ્થિતિને ધ્યાને લઈ સીનીયર સીટીઝનો, આરોગ્ય સુવિધાઓ અને ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધી વ્યવસ્થામાં સરકારે પુરેપૂરું થ્યાન આપ્યું છે. નવા ઉદ્યોગોની સ્થાપના અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાની સાથે સાથે વેપાર-ઉદ્યોગને વધુ મજબૂત બનાવવાનું પણ સરકારે અભિગમ અપનાવ્યો છે. મહિલા, બાળ કલ્યાણ અને સામાજિક વિકાસને પણ બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓના ભાજપ સરકારના સુશાસન અને વિકાસના અભિગમને અપનાવવા જેવા મતદાન અંગે ગુજરાતીઓનો આભાર માન્યો છે ત્યારે આજના બજેટમાં ગુજરાત અને ગુજરાતીઓની સવલત અંગે ખાસ ધ્યાને રાખવામાં આવ્યું છે. નાણામંત્રી નીતિનભાઈ પટેલ સતત 9મી વાર બજેટ રજૂ કરનાર નાણામંત્રી બન્યા છે.
નાણામંત્રી નીતિનભાઈ પટેલનું નવમું પેપરલેસ બજેટ માટે ખાસ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે અને તમામ ગત વર્ષનું અને આ વર્ષના બજેટની વિગતો આપવામાં આવી છે. ગુજરાતના બજેટ માટે ખાસ મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવાની આ ઉપલબ્ધી પણ નાણામંત્રી નીતિનભાઈ પટેલના નામે નોંધાય છે. સંપૂર્ણપણે પેપરલેસ બજેટ ડિજીટલ ઈન્ડિયાના ક્ધસેપ્ટને પૂર્ણ કરનારૂ ગણાવાયું છે. ગુજરાતનું આજનું બજેટ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી અને તમામ વર્ગને સંતોષ આપી રહેનારૂ ફૂલગુલાબી બજેટ બની રહેશે.
આમ આદમીએ 2022ની ચૂંટણી માટે વિજયભાઈ રૂપાણીને મહોર મારી
ગુજરાતમાં કોર્પોરેશન બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં મતદારોએ ભાજપ પર ઓળધોળ થઈને જનાધાર આપીને ભાજપને નામે જંગી વિજયનો ઈતિહાસ રચ્યો. દરેક વર્ગના મતદારોએ ગુજરાતની વિજયભાઈ રૂપાણી સરકારના વિકાસ પર વિશ્ર્વાસની મહોર મારી દીધી છે. ચૂંટણી પરિણામોમાં ભાજપના જબ્બર જનાધાર સામે ગુજરાતમાં ગઈકાલે આવેલા ચૂંટણીના પરિણામોમાં ભાજપની જીત કરતા ગુજરાતમાંથી પંજો ભુસનારા જનાધાર તરીકે મુલવવામાં આવી રહ્યું છે. ગઈકાલના પરિણામોમાં કોંગ્રેસ સામે નબળી નેતાગીરી અને વિપક્ષની પણ પુરી જવાબદારી નિભાવવામાં પક્ષના અસમર્થપણાને પ્રજાએ જાકારો આપી દીધો છે. આમ આદમીએ 2022ની ચૂંટણી માટે વિજયભાઈ રૂપાણીને પ્રજાની મહોર મારી દીધી છે. ગઈકાલના પરિણામોમાં વિકાસનો મત નહીં પરંતુ પંજો વિપક્ષની ભૂમિકામાં પણ પાછો પડ્યો તેને લઈને કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. રાજ્યમાં ભાજપના વિકાસના મુદ્દાને વ્યંગમાં વગોવનાર કોંગ્રેસ માટે ખરેખર વિકાસ ગાંડો જ થઈ ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાથી લઈને વિધાનસભા અને લોકસભા સુધી મતદારોને અપનાવ્યો છે ત્યારે કોંગ્રેસના હાથે જ ધબાય નમ: બોલી ગયાની પરિસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય સફળતા અને કોંગ્રેસના સફાયાની સાથે સાથે આપનો ઉદય થયો છે.
મોટા રાજકીય સમીકરણોનું કારણ બનશે. આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસનો ક્યાંય અત્તો-પત્તો નહીં લાગે અને ભાજપ અને આપ વચ્ચે આગામી ચૂંટણી લડાય તો નવાઈ નહીં લાગે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભવ્ય વિજયને વધાવતા પ્રતિભાવના ટ્વીટમાં લખ્યું હતું કે, ગુજરાતના નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામોએ કોરા કાચ જેવો સંદેશો આપી દીધો છે કે, ગુજરાત ભાજપ સાથે છે. ભાજપના વિકાસ અને સુશાસનને પડખે છે. હું ગુજરાતના મતદારોને ભાજપ પરની આ શ્રદ્ધા અને વિશ્ર્વાસ અંગે પ્રણામ કરૂ છું.
આજનું ગુજરાતનું બજેટ ‘77મું’
ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધી 76 બજેટ રજૂ થઈ ચૂક્યા છે. આજનું બજેટ 77મું બજેટ બન્યું છે. નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ સ્થાપ્યો છે. પ્રથમ બજેટ ગુજરાતની સ્થાપના થઈ ત્યારે 1960-61માં પહેલુ બજેટ રજૂ થયું હતું.
60 વર્ષમાં ગુજરાતના બજેટનું કદ 2.17 લાખ કરોડનું થયું
ગુજરાત રાજ્યનું પ્રથમ બજેટ 22 સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ થયું હતું. તેમનું કદ 114.92 કરોડ હતું. 2020માં રજૂ થયેલુ બજેટ 2.17 લાખ કરોડનું બન્યું હતું. ટકાવારીની રીતે જોઈએ તો 60 વર્ષમાં અંદાજપત્રનું કદ 1.89 લાખ ટકા વધ્યું છે.
રાષ્ટ્રપતિ શાસનના કારણે ત્રણ બજેટ લોકસભામાં રજૂ થયા હતા
ગુજરાતમાં વિવિધ તબક્કે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હોવાના કારણે રાજ્યના બજેટ ત્રણ વાર લોકસભામાં રજૂ થયા હતા. અત્યાર સુધી 76 બજેટો રજૂ થઈ ચૂક્યા છે. જેમાં 20 અંદાજપત્ર લેખાનુદાન સ્વરૂપે એટલે કે, વચ્ચગાળાના બજેટ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.