પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ,  કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જીગ્નેશ મેવારીના સરકાર વિરુધ્ધના પ્રચાર-પ્રસાર બાદ પણ ભાજપની લોકપ્રિયતા અકબંધ

વિધાનસભાની ચૂંટણીના બંને તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ એકઝીટ બોલના આંકડા આવી ગયા છે. આ આંકડા મુજબ ભાજપની સરકાર ગુજરાતમાં બરકરાર રહેશે. ભાજપની સરકાર સામે પડેલા હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશને પ્રજાએ જવાબ આપી દીધો હોવાનું આંકડાથી ફલીત થાય છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ઓનલાઈન-સી વોટર એક્ઝિટ પોલ અનુસાર ભાજપને ૧૦૮ બેઠકો મળી શકે છે. જયારે કોંગ્રેસને ૭૪ બેઠકો મળી શકે છે. કોંગ્રેસનો વોટ શેર અને બેઠક વધી શકે છે. વર્ષ ૨૦૧૨માં ભાજપને ૧૧૫ બેઠકો મળી હતી જે ઘટીને ૧૦૮ થઈ શકે છે. ભાજપનો વોટ શેર વર્ષ ૨૦૧૨ની સરખામણીએ ૦.૬ ટકા ઉંચો એટલે કે ૪૮.૪ ટકા રહેશે જયારે કોંગ્રેસનો વોટ શેર વર્ષ ૨૦૧૨ની સરખામણીએ ૪.૫ ટકા ઉંચો એટલે કે ૪૩.૩ ટકા રહેશે.

એક્ઝિટ પોલ અનુસાર ભાજપ અને કોંગ્રેસ સીવાયના અન્ય એક પણ પક્ષ વિધાનસભાની બેઠક જીતી શકશે નહીં. વોટરના એક્ઝિટ પોલ અનુસાર ભાજપને વધુ એક વખત પાંચ વર્ષ માટે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મળશે. ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાશે. કોંગ્રેસને ફાયદો હોવા છતાં સત્તાથી જોજનો દૂર રહેશે.

એક તરફ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ, બીજી તરફ કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જીગ્નેશ મેવારીના સરકાર વિરુધ્ધના પ્રચાર-પ્રસાર બાદ પણ ભાજપની લોકપ્રિયતા અકબંધ રહી હોય તેવા આંકડા એક્ઝિટ પોલમાંથી મળી રહ્યાં છે.

આંકડા મુજબ કોંગ્રેસે મત શેર વધારવામાં સફળતા મેળવી છે. સરકાર રચવાનો જાદુઈ આંકડો ૯૨નો છે જયારે ભાજપને ૧૦૮ જેટલી બેઠકો મળી શકે છે. કાંટે કી ટક્કરની ચૂંટણીમાં કોંગ્રેસને ૭૪ બેઠકો મેળવી સંતોષ માનવો પડે તેવી શકયતા છે.

મધ્ય ગુજરાતમાં ૬૩ બેઠકો છે જેમાં ભાજપને ૨૦૧૨ની જેમ આ વખતે ૪૯ બેઠકો મળી શકે છે. જયારે કોંગ્રેસને ૨૨ની સામે ૨૪ બેઠકો મળે છે. કોંગ્રેસને ૨ સીટનો ફાયદો થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જેવા મહત્વના વિસ્તારો છે. જેમાં ૩૨ પૈકી ૧૩ બેઠક ભાજપને મળશે જે ૨૦૧૨ કરતા ૨ બેઠક ઓછી છે. જયારે કોંગ્રેસને ૨ બેઠકના ફાયદા સાથે ૧૯ બેઠકો મળશે. સૌરાષ્ટ્રમાં ભાજપને ૩૭ બેઠકો મળે તેવી શકયતા છે.

કોંગ્રેસને એક સીટનો ફાયદો સૌરાષ્ટ્રમાં થઈ શકે છે. જયારે ભાજપને ૨ સીટનું નુકશાન જશે. દક્ષિણ ગુજરાતમાં ભાજપને ૨૦૧૨ની સરખામણીએ ૭ બેઠકોનું નુકશાન જાય તેવી શકયતા છે. ભાજપને દક્ષિણ ગુજરાતમાં ૧૯ બેઠકો મળી રહી હોવાનું એક્ઝિટ પોલના આંકડાથી ફલીત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.