સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રાફેલ પર ‘ૐ’ લખી કરી પુજા
છેલ્લા બે દસકાથી દેશનું સંરક્ષણ ક્ષેત્ર રાફેલ માટે વલખા મારી રહ્યું હતું. પરંતુ કોઈ નકકર પરીણામ ન આવતા મુદ્દો છાપરે ચડી ગયો હોય તેવું લાગ્યું હતું પરંતુ મોદી સરકારની નેતૃત્વવાળી સરકારે દેશનાં સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબુત કરવા માટે રાફેલ મુદ્દાને પકડી રાખ્યું હતું અને અંતે દશેરાનાં પાવન પ્રસંગે ફ્રાંસે ભારતને પ્રથમ રાફેલ સોંપ્યું હતું. આ તકે સંરક્ષણ મંત્રીએ રાફેલ પર ‘ૐ’ લખી કરી શસ્ત્ર પુજા કરી હતી. વિજ્યાદશમીના રોજ ફ્રાન્સે ભારતને પહેલું રાફેલ ફાઇટર જેટ સોંપ્યુ છે. રાફેલ રિસિવ કરવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વાઇસ ચીફ માર્શલ હરજીત સિંહ અરોડા ફ્રાન્સના બોર્ડોક્સ સ્થિત એરબેસ પર પહોંચ્યા હતા જ્યાં હેન્ડઓવર કાર્યક્રમ હેઠળ ભારતને પહેલા રાફેલ ફાઇટર જેટની ડિલીવરી મળી હતી. હેન્ડઓવર કાર્યક્રમને સંબોધતા રાજનાથ સિંહે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ જૈકી શિરાજને શ્રદ્ધાંજલિ આપી હતું જેમનુ તાજેતરમાં જ નિધન થયું હતું. રક્ષા મંત્રીએ જણાવ્યું કે, આજે ઐતિહાસિક દિવસ છે. આજે ભારતમાં દશેરા મનાવવામાં આવે છે જેને ભારતીયો અન્યાય પર ન્યાયની જીત રુપે મનાવે છે. આજે વાયુસેના દિવસ પણ છે. આજનો દિવસ ઘણાબધા અર્થે પ્રતિકાત્મક દિવસ છે. આ સિવાય રાફેલના પહેલા જેટની સમયસર ડિલીવરી માટે તેમણે ફ્રાન્સનો આભાર વ્યક્ત કર્યો હતો. રાફેલ મેળવ્યા પછી રક્ષા મંત્રીએ દશેરા પર થતી પરંપરાગત શસ્ત્રપૂજા કરી હતી અને રાફેલમાં ઉડાન ભરી હતી.
શસ્ત્ર પૂજા માટે એરબેસ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાફેલ ફાઇટર જેટ ભારત માટે અતિ મહત્વનું માનવામાં આવે છે. રાફેલ લો લેન્ડ જૈમર, ૧૦ કલાક સુધીની ડેટા રેકોર્ડિંગ, ઇઝરાયલી હેલમેટ વાળા ડિસ્પ્લે, ખાસ પ્રકારના રેડાર વોર્નિંગ રિસીવર, ઇન્ફ્રારેડ સર્ચ અને ટ્રેકિંગ સિસ્ટમ જેવી અદભૂત સુવિધાઓથી સજ્જ છે. આ સિવાય રાફેલની રડાર સિસ્ટમ ૧૦૦ કિલોમીટરના વિસ્તારમાં ૪૦થી વધારે ટાર્ગેટને ઓળખી શકે છે. રાફેલ સ્કાલ્પ મિસાઇલો સાથે ઉડાન ભરી શકે છે જે લગભગ ૩૦૦ કિમી અંતરેથી લક્ષ્ય ભેદવાની ક્ષમતા ધરાવે છે. આ પ્લેનના ભારતમાં આવવાથી વાયુસેનાની શક્તિમાં વધારો થશે. રાજનાથસિંહે પરંપરાગત રીતે શસ્ત્રપૂજનવિધિ કરી હતી. પ્લેન પર ઓમ લખ્યું હતું અને નાળિયેર પણ વધેરવામાં આવ્યું હતું. પ્લેનના ટાયર નીચે લીંબૂ પણ મુકવામાં આવ્યા હતા. પેરિસ રવાના થતા પહેલાં રાજનાથ સિંહે સોમવારે કહ્યું હતું કે, આજે ભારતને રાફેલ મળવા બાબતે સમગ્ર દેશમાં ઉત્સાહ છે. હવે રાફેલ વિમાન ઓફિશિયલ રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે. દરેક ભારતીય તેના સાક્ષી બનશે. રાજનાથ સિંહે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે પણ મુલાકાત પણ કરી હતી.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યુ હતુ કે, આજે દશેરા અને ૮૭મા વાયુદળ દિવસે રાફેલ મળ્યું. રાફેલનો અર્થ છે આંધી. આ નામને અનુરૂપ જ તે વાયુદળને મજબૂત કરશે. વાયુદળના વડા આર.કે.એસ. ભદોરિયાએ કહ્યુ હતુ કે, આતંકવાદ સામે લડવાની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું છે. એર સ્ટ્રાઈકથી આમ થયું છે. તેમાં ષડયંત્રકારોને સજાનો સંકલ્પ જોવા મળે છે. રાફેલ લડાકુ વિમાન ડીલ ભારત અને ફ્રાન્સની સરકાર વચ્ચે સપ્ટેમ્બર ૨૦૧૬માં થઈ હતી. તે ડીલ પ્રમાણે વાયુસેનાને ૩૬ અત્યાધૂનિક લડાકુ વિમાન મળશે. આ સોદો ૭.૮ કરોડ યૂરો (અંદાજે રૂ. ૫૮,૦૦૦ કરોડ)માં થયો છે. કોંગ્રેસનો દાવો છે કે, યુપી સરકાર દરમિયાન એક રાફેલ ફાઈટર જેટની કિંમત રૂ. ૬૦૦ કરોડ નક્કી કરવામાં આવી હતી. મોદી સરકાર દરમિયાન એક રાફેલ અંદાજે રૂ. ૧૬૦૦ કરોડ મોંઘુ પડ્યું છે. ભારત તેમના પૂર્વી અને પશ્ચિમી મોર્ચે વાયુસેનાની ક્ષમતા વધારવા માટે રાફેલ લઈ રહ્યા છે. વાયુસેના રાફેલની એક-એક સ્ક્વોડ્રન હરિયાણાના અંબાલા અને પશ્ચિમ બંગાળના હશીમારા એરબેઝ પર તહેનાત કરશે.