રાજકોટ શહેરમાં કુવાડવા ગામ પાસે ત્રણ માસ પહેલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખટારાને ભાંગી તેનો ભંગાર વેચતા હોવાનો કોમભાંડનો પર્દાફાશ કરી કુલ રૂપિયા ચાર કરોડથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં તે સમયે તે માલ ને ત્યાં જ સીઝ કરી કુવાડવા પોલીસની નિગરાનીમાં રાખી દેવામાં આવ્યો હતો. જ્યારે આ મુદ્દામાલમાં ગઈકાલે ત્રણ શખ્સો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો જેમાં તે ત્રણેય શખ્સો અને કુવાડવા પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી જેમાં તેની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત આપી હતી કે આ ચાર કરોડના મુદ્દામાલમાં જે આરોપીને પકડવામાં આવ્યો હતો તેના ભાઈ દ્વારા જ આ ત્રણે શખ્સોને આ મુદ્દામાલ માંથી ચોરી કરવાનું જણાવવામાં આવ્યું હતું.જેથી પોલીસે હાલ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
ભાડે મેળવી ટ્રકને સ્ક્રેપ કરવાના રૂ.4 કરોડના કોંભાડમાં સંડોેવાયેલા સુત્રધારે ચોરી કરવા ટીપ આપ્યાની તસ્કર ત્રિપુટીની કબૂલાત
વિગતો મુજબ, કુવાડવા રોડ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ સબાડ દ્વારા નોંધાવેલી ફરિયાદ આરોપી તરીકે જંગલેશ્વરમાં રહેતા સલમાન ઉસ્માનભાઈ પઠાણ (ઉ.વ 23), રામનારાયણ રામમિલન પાસવાન(ઉ.વ 50) સલીમખાન શબ્બીરખાન પઠાણ અને જુબેર સમાના નામ આપ્યા જેમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 1/6/ 2023 ના ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ એમ.જે.હુણ તથા ટીમે માલિયાસણ ચોકડી પાસે આવેલા ભંગારના ડેલામાંથી આરોપી જમાલ અબ્દુલભાઈ મેતર અને લલિત તુલસી રામભાઈ દેવમુરારી પાસેથી નંબર વગરના શંકાસ્પદ વાહનો ટ્રકની ટ્રોલીઓ તથા ડમ્પરની બોડી એન્જિન સહિત કુલ ચાર કરોડનું મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ ત્યાં જ ભંગારના ડેલાની અંદર તથા ડેલા બહાર મુદ્દામાલ જે તે સ્થિતિમાં રાખી કુવાડવા પોલીસને રિપોર્ટ આપ્યો હતો.
દરમિયાન કુવાડવા રોડ પોલીસ મથક હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ મકવાણા, ફરિયાદી મુકેશભાઈ સબાડ, સંજયભાઈ મિયાત્રા સહિતના પેટ્રોલિંગમાં હતા ત્યારે સાંજના સમયે ત્યાં ભંગારના ડેલામાં કેટલાક લોકો ગેસ કટર વડે પડેલ મુદ્દામાલ જેમાં ટ્રકની બોડી અને કેબીન કાપી રહ્યા હોય જે ધ્યાને આવતા પોલીસે તુરંત અહીં પહોંચતા વંડા બહાર પડેલ ત્રણ શખ્સો ગેસ કટર તથા ઓક્સિજન ગેસના બાટલા તથા લાલ ગેસના બાટલાઓ સાથે જોવા મળ્યા હતા.
જેમને કોર્ડન કરી પૂછતાછ કરતા તેમના નામ સલમાન પઠાણ, રામનારાયણ પાસવાન, સલીમ ખાન પઠાણ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આ શખ્સોની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં રહેતા જુબેર સમાએ કહ્યું હતું કે, તમે ટ્રકની ટ્રોલીઓ ગેસ કટર વડે કાપી રાખો. હું આવીને ભરી જઈશ. જેથી આ શખ્સો ટ્રોલીઓ કાપવા માટેનો સામાન જેમાં ઓક્સિજન ગેસના બાટલા 5, લાલ કલરના ગેસના સિલિન્ડર, ગેસના કટર, પાઇપ લાઇન અને ચાવી સહિત કુલ રૂપિયા 16,000 નો મુદ્દામાલ લઇ આવ્યા હતા જે પોલીસે કબજે કર્યો હતો.
આ ત્રણેય શખ્સો તથા તેમને અહીં ચોરી કરવા માટે મોકલનાર જંગલેશ્વરના જુબેર સમા સામે પોલીસે ગુનો નોંધી જુબેરને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે જુબેર ભંગાર કૌભાંડમાં પકડાયેલા આરોપી જમાલ મેતરનો ભાઈ હોય અને તેણે આ શખ્સોને પોતાના ડેલામાંથી રહેલા વાહનોમાં ટ્રોલીઓ કાપી તેનો સામાન ભરવા માટે મોકલ્યા હતા.જેથી હાલ પોલીસે તે દિશામાં તપાસ હાથધરી છે.