એસટીના કર્મચારીઓએ બુલેટ ચાલક લુખ્ખાને ઝડપી પોલીસ હવાલે કર્યો
શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધુને વધુ વિકટ બની રહી છે ત્યારે સામાન્ય અકસ્માતની ઘટના રોજીંદી બની ગઇ છે. સામાન્ય અકસ્માતના કારણે વાહન ચાલકોમાં સરાજાહેર મારા મારી થઇ રહી છે. બપોરે ત્રિકોણ બાગ પાસે એસટી બસના ચાલક સાથે નંબર પ્લેટ વિનાના બુલેટના ચાલક વચ્ચે સાઇડ આપવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાના કારણે બુલેટ ચાલકે બસના કાચ ફોડી નાખતા ત્રિકોણ બાગ પાસે ટ્રાફિક જામ થઇ ગયો હતો. બસમાં મુસાફરી કરતા એસટીના કર્મચારીઓએ બુલેટ ચાલકને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો.માંડલ-રાજકોટ રૂટની બસના ચાલક જગાભાઇ રબારીએ બપોરે સાડા બાર વાગ્યાના સુમારે એસટી બસ લઇને ત્રિકોણ બાગ પાસેથી પસાર થતા હતા ત્યારે ત્રિકોણ બાગ પાસે મુસાફરોને ઉતરવાનું હોવાથી બસ ઉભી રાખી હતી ત્યારે નંબર પ્લેટની જગ્યાએ જાસલ લખેલા બુલેટના ચાલકે આ રીતે બસ કેમ અહીં ઉભી રાખી કહી ઝઘડો કરી ત્રિકોણ બાગ પાસે ટ્રાફિક નિયમન કરાવતા વોર્ડન પાસેથી લાકડી લઇ બસના કંડકટર સાઇના આગળનો કાચ ફોડી નાખી બસ ચાલક જગાભાઇ રબારીને ગાળો દેવાનું શરૂ કર્યુ હતું.માંડલ-રાજકોટ રૂટની બસમાં સાત થી આઠ જેટલા એસટી કર્મચારીઓ હોવાથી તમામ બસ નીચે ઉતર્યા હતા અને બુલેટ ચાલક લુખ્ખાને પકડી પોલીસ હવાલે કર્યો હતો. બસ ચાલક અને બુલેટ ચાલક વચ્ચે ત્રિકોણ બાગ પાસે થયેલી માથાકૂટના કારણે થોડી જ વારમાં ચક્કાજામ જેવી સ્થિતી થઇ ગઇ હતી.ત્રિકોણ બાગ ખાતે ટ્રાફિક જામ થતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ બુલેટ ચાલકને પોલીસ મથકે લઇ ગયા હતા અને ટ્રાફિક બ્રાન્ચના સ્ટાફે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.માંડલ-રાજકોટ રૂટની બસના કાચ ફોડી નાખ્યાની ઘટનાની રાજકોટ એસટી ડેપોમાં જાણ થતા એસટીના ઉચ્ચ અધિકારીઓ પણ એ ડિવિઝન પોલીસ મથકે પહોચી ગયા હતા અને બુલેટ ચાલક સામે ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધવા ભાર પૂર્વક રજૂઆત કરી હતી.