સાવચેતી જરૂરી, બેવકૂફી કેસ વધારશે
શિયાળામાં વિદેશથી મોટા પ્રમાણમાં લોકો ભારત આવતા હોય, તેમની પૂરતી ચકાસણી જરૂરી
અમેરિકાથી પશ્ચિમ બંગાળ આવેલા 4 લોકો બીએફ 7 વેરીએન્ટ જોવા મળ્યો
અબતક, નવી દિલ્હી : કોરોનાને લઈને બેવકૂફી કરવી સમગ્ર દેશની સ્થિતિ બગાડી શકે છે. શિયાળામાં વિદેશથી મોટા પ્રમાણમાં લોકો ભારત આવતા હોય છે. તેમની પૂરતી ચકાસણી જરૂરી બની છે.
ગઈકાલે બુધવારે પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસ વેરિઅન્ટ ઓમીક્રોનના સબ-વેરિયન્ટ બીએફ 7 ના ચાર કેસ મળી આવ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે તમામ અમેરિકાથી આવ્યા હતા. તેમણે કહ્યું કે તાજેતરમાં અમેરિકાથી પરત ફરેલા ચાર લોકોના જિનોમ સિક્વન્સિંગથી પુષ્ટિ થઈ છે કે તેઓ કોરોના વાયરસના નવા પ્રકાર બીએફ 7થી સંક્રમિત છે.
આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે ચાર દર્દીઓની હાલત સ્થિર છે. અધિકારીએ જણાવ્યું કે ચાર લોકોમાંથી ત્રણ નાદિયા જિલ્લાના છે, જ્યારે એક વ્યક્તિ બિહારનો રહેવાસી છે, પરંતુ હાલમાં કોલકાતામાં રહે છે.
ડબ્લ્યુએચઓએ પણ નવા વર્ષ પર કોરોનાના ખતરાની ચેતવણી આપી છે. ગ્લોબલ પ્રેસ કોન્ફરન્સમાં નિષ્ણાતે કહ્યું કે નવી લહેર આવી શકે છે, હવે એક્સબીબી રિઅન્ટ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો કે એ જરૂરી નથી કે મૃત્યુના કેસમાં વધારો થાય. તેમણે ચીન દ્વારા આપવામાં આવેલા ડેટાને પણ અપૂરતો ગણાવ્યો અને કહ્યું કે ચેપ અને મૃત્યુની સંખ્યા અંગે ચીને સાચી વાત જણાવવી જોઈએ.
અમેરિકાથી પરત કોરોનાગ્રસ્ત 32 લોકોના સંપર્કમાં આવ્યો, આરોગ્યતંત્રમાં દોડધામ
આગ્રામાં અમેરિકાથી પરત આવેલા કોરોના સંક્રમિત યુવક 32 લોકોના સંપર્કમાં આવ્યો હતો. જેથી સંપર્કમાં આવેલ તમામના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમે 93 લોકોની ઓળખ કરી છે, તેમની તપાસ કર્યા બાદ જો કોરોનાના લક્ષણો જણાશે તો સેમ્પલ લેવામાં આવશે. આ યુવક પત્ની સાથે અમેરિકાથી દયાલબાગ સ્થિત પોતાના ઘરે પરત ફર્યો હતો ત્યારે તેને જાણ થઈ હતી કે તે કોરોના પોઝિટિવ છે.