- વિશ્ર્વ આખુ સિન્થેટીક ડ્રગ્સના સકંજામાં
- સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી લઇ અમેરિકાના દ્વાર સુધી ડ્રગ્સનો બેફામ વેપલો
- નાવદ્રાના ઘરમાં એસઓજીના દરોડામાં 42 કિલો ચરસનો જથ્થો ઝડપાયો
- દેવશી વાઘેલા નામના શખ્સની ધરપકડ
- કલ્યાણપૂરના નાવદ્રામાંથી રૂ.21 કરોડની કિંમતના ચરસના 40 પેકેટ મળ્યા
હાલ વિશ્વ આખુ સિન્થેટીક ડ્રગ્સના સકંજામા આવી ગયું હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી માંડી અમેરિકા સુધી હાલ સિન્થેટીક ડ્રગ્સનો બેફામ વેંપલો થઇ રહ્યો છે ત્યારે આજે વિશ્વ સામે રહેલા મોટા પડકારો પૈકી એક પડકાર ડ્રગ્સ અને તેનું દુષણ છે. વિશ્વના યુવાધનને નશાના કાળા અંધારામાં ધકેલી ભાવિને તહસ-નહસ કરી દેવાના આ કાવતરા સામે વિશ્વ આખાએ એક મોરચે આવી લડત આપવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. એકતરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાંથી રોજબરોજ ડ્રગ્સનો જથ્થો મળી રહ્યો છે જયારે બીજી બાજુ આ ડ્રગ્સના દુષણથી અમેરિકા જેવી મહાસતા પણ બાકાત નથી.
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠેથી ચરસના બિનવારસી પેકેટ મળ્યાના સિલસિલા દરમિયાન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસે દ્વારકા એસઓજી પોલીસને મોટી સફળતા સાંપડી છે. જેમાં દેવભૂમિ-દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામેથી રૂ. 21.06 કરોડની કિંમતનું ચરસ ઝડપી પાડવામાં આવ્યું છે.
હકીકતમાં એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, નાવદ્રા ગામની સીમ વિસ્તારમાં રહેતો દેવશી વાઘેલા નામનો શખ્સ ઘરમાં ડ્રગ્સ છૂપાવીને રાખ્યું છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે દેવશીના ઘરે દરોડો પાડ્યો હતો, જેમાં તેણે ઘરમાં ખાટલા નીચે છૂપાવીને રાખેલા 40 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતા. કલ્યાણપુરના નાવદ્રા દરિયા કિનારેથી એસઓજી પોલીસને 42 કિલો ચરસ મળી આવ્યું છે. જેની બજાર કિંમત અંદાજે 21 કરોડથી વધુ થાય છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દ્વારકાના દરિયાકાંઠેથી એસઓજી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 40 પેકેટ મળી આવ્યા છે. ઝડપાયેલ 42 કિલો ચરસના જથ્થાની બજાર કિંમત અંદાજે 21,06,75 000 થાય છે. આ મામલે એસઓજીએ એક વ્યક્તિની ધરપકડ કરી છે.
અત્યાર સુધીમાં દ્વારકામાંથી 130થી વધુ ચરસના પેકેટ મળ્યાં
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દ્વારકાના વરવાળાના ઝવેર નગર વિસ્તાર નજીક દરિયા કિનારેથી 30 જેટલા ડ્રગ્સના પેકેટમાં 32 કિલો ડ્રગ્સનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. આ ડ્રગ્સની બજાર કિંમત અંદાજિત 16 કરોડથી વધુ હોવાનું મનાઈ છે. દ્વારકાના વાંચ્છું અને ગોરિંજા વિસ્તારમાં દરિયાકાંઠેથી ચરસના 60 જેટલા પેકેટ મળી આવ્યા હતા. ત્યારે ચરસના વધુ 40 પેકેટ મળી આવ્યા છે.
અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સ પ્રકરણમાં વધુ એક જામનગરના શખ્સનું નામ ખુલ્યું
સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ આચારસંહિતાની અમલવારી કરવામાં સમગ્ર તંત્ર કમર કસી રહયું હતું. ત્યારે રાજસ્થાનને જોડતી સરહદ પરથી જામનગરના ત્રણ શખ્સો એક મોટરકાર મારફતે ગુજરાતમાં ઘૂસ્યા હતા. જેને રોકવામાં આવતા કારમાંથી 1,720 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. આ કાર જામનગર પાસિંગ ધરાવે છે. રાજસ્થાનથી આવી રહેલી આ કારમાં સવાર ત્રણેય શખ્સો જામનગરના છે. ડ્રગ્સના આ જથ્થાની કિંમત રૂ.1.07 કરોડ આંકવામાં આવી છે અને આ ડ્રગ્સ મેફેડ્રોન હોવાનું જાહેર થયું છે. અમીરગઢ પોલીસના જણાવ્યા અનુસાર, આ શખ્સોના નામ ઈસરાક આરિફ બલોચ (65) અમન સોસાયટી, કાલાવડ નાકા બહાર, જામનગર, સોહેલ ઓસમાણ સંધિ નદીપા, ત્રણ દરવાજા પાસે, જામનગર, અને અસલમ અબ્દુલસતાર દરજાદા (શિશુ વિહારવાળી શેરી, લીમડા લાઈન, જામનગર) વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ તપાસમાં જામનગરના જ વધુ એક શખ્સ જુનેદ અબ્દુલ રઝાક ચૌહાણ (રે. પીલુડીફળી)નું નામ ખૂલ્યું છે. આ શખ્સ હજુ સુધી પકડાયો નથી. જેથી જામનગર તેમજ ડીસા પોલીસ તેને શોધી રહી છે.
ગુજરાત નશાખોરીનું એપી સેન્ટર પાંચ વર્ષમાં 93691 કિલો ડ્રગ્સ પકડાયું
ડ્રગ્સના દુષણને નાથવા પુરતો પોલીસ સ્ટાફ નથી એક લાખની વસતી વચ્ચે માત્ર 127 પોલીસ કર્મીઓ
રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાય અને ભાજપ સરકાર વાહવાહી લુટે છે પરતું પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે? તેવો વેધક સવાલ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કર જણાવ્યું હતું કે ગુજરાત નશાખોરીનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. દરરોજ ક્યાંકથી ડ્રગ્સ, ચરસ કે ગાંજો પકડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વારા અને એપી સેન્ટર બને તે ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર બેરોકટોક થઇ રહ્યો છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ સરળતાથી દારૂ મળી જાય છે. જેટલો દારૂનો જથ્થો પકડાય છે તેના કરતાં બમણી ઘૂસણખોરી થાય છે. પરંતુ હવે દારૂ પકડાવવો એ સામાન્ય બાબત થઇ ગઇ છે. કારણ કે હવે ગુજરાતનો દરિયો કિનારો અને મેટ્રો સિટીમાં ચરસ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું ચલણ વધ્યું છે.
રાજ્યમાં સરકાર પાસે આ ડ્રગ્સની બદીને નાથવા માટે પુરતો પોલીસ ફોર્સ પણ નહી. કેન્દ્ર સરકારના અહેવાલ અનુસાર દેશનાં પ્રતિ લાખ જનસંખ્યા પ્રમાણે 196 પોલીસ જવાનની જરૂર જેની સામે હાલ માત્ર 152 પોલીસ જવાન છે. ગુજરાતમાં પ્રતિલાખ જનસંખ્યા પ્રમાણે 174 પોલીસ જવાન હોવા જેઇએ જેની સામે ગુજરાતમાં પ્રતિલાખ માત્ર 117 પોલીસ જવાન છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછા પોલીસ જવાન છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કીલો ડ્રગ્સ પકડાયુ, જયારે 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 93763 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. મોઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ 2018ના આંકડા પ્રમાણે રાજ્યના 17 લાખ 35000 પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે 1 લાખ 85 મહિલાઓમાં પણ ડ્રગ્સની બંધાણી છે જે દર્શાવે છે ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહીતની કેન્દ્ર્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહીતની ટેકનોલોજી હોવા છતાં રાજ્યમાં હવાઈમાર્ગ, દરિયાઈમાર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. જો પકડાયેલા ડ્રગ્સની માત્ર હજારો કિલોમાં છે તો પાછલા બારણે આ કાળો કારોબાર કેટલો મોટો હશે? ત્યારે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વારા અને એપી સેન્ટર બને તે ખુબ જ ચિંતાજનક છે
નશામુક્તિ અભીયાન, અવેરનેસ એક્ટીવીટી, ડ્રગ્સ અંગે જનજાગૃતિ કાર્યક્રમો માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે. સરકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ સામે લડાઈ લડતી 75થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે. ગુજરાતમાં ડ્રગ્સની ભયાવહ બદીને નાથવા સ્કુલ અને કોલેજમાં એન્ટી ડ્રગ્સ – નો ડ્રગ્સ કેમ્પેઇન ચલાવાવામાં આવે, વહેલીતકે પોલીસકર્મીઓની ભરતી કરે અને ડ્રગ્સ માફિયાઓ પર તાત્કાલિક કડક પગલાં લે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.
સિન્થેટિક ડ્રગ્સ વિશ્ર્વ આખા માટે મોટો પડકાર
છેલ્લા એક દાયકાથી સિન્થેટિક નાર્કોટિક્સ એ ડ્રગ્સ સામેની લડાઈમાં સૌથી મોટો પડકાર ઊભો કર્યો છે, તેવું ઉચ્ચ પોલીસ અધિકારીઓ જણાવે છે. સિન્થેટીક ડ્રગ્સ કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે અથવા એવા પદાર્થો કે જે કુદરતી રીતે બનતી દવાઓમાંથી સંશોધિત કરવામાં આવે છે જે થેરાપ્યુટીક અને સાયકોટ્રોપિક બંને અસરો પેદા કરી શકે છે જાન્યુઆરી 2021થી અમદાવાદ શહેર પોલીસે રૂ.18.67 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેમાંથી રૂ. 9.53 કરોડનો મેફેડ્રોનનો હિસ્સો છે. છેલ્લા સાડા ત્રણ વર્ષમાં, અમદાવાદ શહેર પોલીસ દ્વારા નોંધાયેલા મોટાભાગના એનડીપીએસ કેસો માટે મેફેડ્રોન જવાબદાર છે.છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં પોલીસે મેથામ્ફેટામાઈન, એમ્ફેટામાઈન, કેટામાઈન, અલ્પ્રાઝોલમ ટેબ્લેટ, નાઈટ્રેઝેપામ ટેબ્લેટ્સ અને ક્રેટોમ એક્સટ્રેક્ટ સહિત અન્ય કૃત્રિમ દવાઓની જપ્તી માટે કેસ નોંધ્યા હતા.
લાખો કિલો કેકોઈન ઠાલવવાના ગુનામાં યુએસના હોન્ડુરાના પૂર્વ રાષ્ટ્રપતિને 45 વર્ષની સજા
ન્યૂયોર્કની કોર્ટે બુધવારે હોન્ડુરાના પૂર્વ રાષ્ટ્રપતિ જુઆન ઓર્લાન્ડો હર્નાન્ડીઝને યુનાઇટેડ સ્ટેટ્સમાં સેંકડો ટન કોકેઇનની હેરફેરના દોષી ઠેરવ્યા બાદ 45 વર્ષની જેલની સજા ફટકારી છે. ન્યુયોર્કની કોર્ટે નોંધ્યું છે કે, મિસ્ટર હર્નાન્ડીઝની ભૂમિકા કોંગ્રેસના પ્રમુખ અને હોન્ડુરાસના પ્રમુખ તરીકે તેમની રાજકીય શક્તિનો ઉપયોગ પૈસાના વિનિમયમાં ડ્રગ હેરફેર કરનારાઓના જોખમોને મર્યાદિત કરવા માટે હતી. કોર્ટે જણાવ્યું હતું કે, હર્નાન્ડેઝે પોલીસ અને લશ્કરી સહાય પૂરી પાડી હતી અને 400 ટન ડ્રગ્સ મોકલવામાં મદદ કરી હતી જેની જેનું બજાર કિંમત 10 બિલિયન ડોલર હતી.