જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા યોજાયો વન મહોત્સવ
રાજ્ય પોલીસ વિભાગ દ્વારા પ્રકૃતિ અને પર્યાવરણનાં સંવર્ધન માટે લોકસુરક્ષા સાથે પર્યાવરણની સુરક્ષા કાજ એક કદમ આગળ વધીને વૃક્ષારોપણ દ્વારા વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ ટાઉનહોલ ખાતે વનમહોત્સવનો પ્રારંભ દિપ પ્રાગટ્યથી કરવાતા રેન્જ આઇ.જી.સુભાષ ત્રિવેદીએ ટાઉનહોલ ખાતે ઉપસ્થિત જૂનાગઢની વિવિધ કોલેજોનાં યુવાનોને સંબોધતા જણાવ્યુ હતુ કે આજે વન અને વૃક્ષ વિષયે વનમહોત્સવની ઉજવણીનાં માધ્યમે યુવાઓ સાથે સંવાદ સાધવાની તક મળી છે.રેંન્જ આઇ.જી.ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, આઝાદી મળ્યા પછીથી હાલમાં ભારતની વસ્તી ૩૬ કરોડમાંથી વધીને ૧૦૦ કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ, આજે પોલીસ જવાનોએ પોતાની લોકસુરક્ષાની જવાબદારી સાથે પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષા રોપણ દ્વારા લોકોને વૃક્ષ સંવર્ધન માટે સંદેશો આપ્યો છે.
આ તકે ઉપસ્થિત મુખ્ય અતિથિપદેથી જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલે જણાવ્યુ હતુ કે આપણી લોકસંસ્કૃતિ વૃક્ષ અને પર્યાવરણ સાથે સંકળાયેલ હોય વૃક્ષ એ માનવજીવનનું અણમોલ સંગાથી છે. આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે.
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી અને દેવાભાઈ માલમે વનમહોત્સવની ઉજવણી સંદર્ભે કનૈયાલાલ મુન્શીની પર્યાવરણ પ્રેમની સરાહના કરી જણાવ્યુ હતુ કે માનવીએ પોતાની વધતી જરૂરિયાતને કારણે રહેણાકી વધારો થતાં ખેતીલાયક જમીન પણ ઓછી થઇ, બીજી બાજુ જેટલાં વૃક્ષો કપાયાં, તેટલા પ્રમાણમાં નવાં વૃક્ષો ઉછર્યા નહીં પરિણામે વન્સ્પતિ ઘટતાં વરસાદનું પ્રમાણ સતત ઘટતુ રહ્યું અને ભૂગર્ભજળનું સ્તર સતત નીચું ઊતરતું ગયુ હવે આપણને વૃક્ષોનું મહત્વ સમજાવા લાગ્યું છે અને વસ્તીવિસ્ફોટ પર અંકુશ રાખવાનો પણ ખ્યાલ આવ્યો છે. આથી આપણે કેટલાંક સૂત્રો પ્રચલિત કર્યાં છે : વૃક્ષો વાવો, જીવન બચાવો, વૃક્ષ જતન, આબાદ વતન, એક બાળ, એક ઝાડ, વગેરે. આ બધાં સૂત્રોમાં વૃક્ષોનો મહિમા સૂચવાયો છે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઇ કરમટા, નાયબ મેયર હીંમાશુ પંડ્યા, નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતી ત્રિવેદી સહીત મહાનુભાવોએ વનમહોત્સવ અને વૃક્ષારોપણ થકી પર્યાવરણ સંવર્ધનની વિભાવના રજુ કરી હતી. કાર્યક્રમનાં પ્રારંભે ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી રવીતેજાએ વૃક્ષારોપણ અને પોલીસ વિષયે વનમહોત્સવનો ચિતાર રજુ કરી કાર્યક્રમનો હાર્દ રજુ કરી આમંત્રીતોને આવકાર્યા હતા. નાયબ વન સંરક્ષક સુનિલ બેરવાલ અને ધીરજ મિત્તલે વૃક્ષો અને વન્ય સંપદાની જાણકારી આપી હતી. બાદમાં ગાંધીનગરથી ગૃહમંત્રીની ઉપસ્થીતીમાં યોજાયેલ કાર્યક્રમનું સીધુ પ્રસારણ સૈાએ નિહાળ્યુ હતુ. બાદમા પોલીસ તાલીમ મુખ્યમથક ખાતે મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરાયો હતો.આ પ્રસંગે શાસકપક્ષના દંડક નટુભાઈપટોળિયા, સુભાષ મહિલા કોલેજના પ્રિન્સીપાલ બલરામ ચાવડા, બહાઉદી કોલેજના પ્રિન્સીપાલ ટીલવા, પ્રિન્સીપાલ ડો.રંજના અગ્રવાલ, નાયબ પોલીસ અધિક્ષક જાડેજા, નાયબ માહિતી નિયામક જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.