કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારમાં ગમગીની: દુર્ગંધ આવતા પાડોશીએ તપાસ કરતા યુવાનની લાશ મળી

શહેરના રૈયાધાર ગામમાં રહેતા અને છૂટક મજૂરી કરતા યુવાનનો મૃતદેહ તેના જ ઘરમાંથી કોહવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. જેમાં પ્રાથમિક તારણમાં યુવાનને પત્ની સાથે ઝઘડો થયા બાદ ગળાફાંસો ખાવા જવાનો પ્રયાસ કરતા સાડી તૂટી જતાં નીચે પટકાતા માથામાં ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા ગામમાં સ્મશાન નજીક ખોડિયાર મંદિર સામે રહેતાં દિનેશભાઇ (પ્રવિણભાઇ) મુળજીભાઇ વાળા(ઉ.વ.40) નામના યુવાનની કોહવાયેલી દુર્ગંધયુક્ત લાશ તેના જ ઘરમાંથી ગત રાતે મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ઘરમાંથી રાતે નવેક વાગ્યે પાડોશીઓને દૂર્ગંધ આવતાં તપાસ કરતાં દરવાજો અંદરથી લોક કર્યા વગરનો હોઇ ખુલી જતાં પ્રવિણભાઇ નીચે પડેલા જોવા મળ્યા હતાં અને લાકડાની આડીમાં સાડી બાંધેલી દેખાઇ હતી. ગળાફાંસો ખાતી વખતે સાડી તૂટી જતાં નીચે પટકાતાં ઇજા થયા બાદ મોત નિપજતાં અને લાશ બે દિવસ સુધી પડી રહી હોવાથી દૂર્ગંધ આવવા લાગી હોવાનું જણાયું હતું.

પાડોશીઓએ નજીકમાં જ રહેતાં પ્રવિણભાઇ (દિનેશભાઇ)ના ભાઇ હસમુખભાઇ વાળાને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતાં અને 108ને જાણ કરતાં ઇએમટી કરણભાઇ અને પાઇલોટ સુરેશભાઇ પહોંચ્યા હતાં. ઇએમટીની તપાસમાં તે મૃત જણાતાં પોલીસ ક્ધટ્રોલ રૂમને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. અલ્પેશભાઇ સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

વધુ માહિતી મુજબ મૃત્યુ પામનાર પ્રવિણભાઇ (દિનેશભાઇ) બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રી છે. પોતે છુટક મજૂરી કરતાં હતાં અને નશો કરવાની આદત હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. હાલ માં જ તેના સસરા ભાણજીભાઇનું અવસાન થયું હોય જેથી પત્નિ જમુનાબેન પખવાડીયાથી ભગવતીપરામાં માવતરે હતાં. પ્રવિણભાઇ પણ ત્યાં આવ જા કરતાં હતાં અને બે દિવસ પહેલા ઘરે આવ્યા બાદ કોઇપણ કારણોસર ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો.અને પડી જતાં માથામાં ઇજા થયા બાદ મોત નિપજ્યું હતું. તેમ પરિવારજનોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.