પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતિ હિન્દુઓ ધર્માંધોના અત્યાચારનો સિલસિલો યથાવત: સગીર હિન્દુ બાળકીને
ઉઠાવી જઈને ધર્માંતરણ કરાવીને મુસ્લિમ શખ્સ સાથે નિકાહ કરાવી દેવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો
પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક ઉત્પન્નથી પીડીત એવા લઘુમતી ધર્મના બિન મુસ્લિમોને દાયકાઓથી મોટી સંખ્યામાં ભારતમાં શરણ લઈ રહ્યા છે. આવા શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ આપવા તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે નાગરીકતા કાયદામાં સુધારો કર્યો છે. આ નવા સીએએ કાયદાનો દેશભરમાં વિપક્ષો અને મુસ્લિમ સંગઠનો વિરોધ કરી રહ્યા છે.ત્યારે તાજેતરમાં દેશભરમાં સીએએ કાયદા સામે થયેલા વિરોધ પ્રદર્શન અને હિંસક દેખાવો માટે આપણાદેશમાં રહેતા ગદારોએ રૂા.૧૨૦ કરોડનું ફંડ આપ્યાનો ઈડીએ ખુલાસો કર્યો છે. ઈડીના આ ખુલાસાથી દેશના ગદ્દારો ખૂલ્લા પડી ગયા છે જયારે આવું ફંડ મેળવનારા તત્વો બચાવની સ્થિતિમાં આવી જવા પામ્યા છે.
દેશભરમાં થઈ રહેલા સુધારેલા નાગરિકતા ધારા (સીએએ) સામેના વિરોધી દેખાવો પાછળ દેશવિરોધી તાકાતનો હાથ હોવાનું એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ના રીપોર્ટમાં બહાર આવ્યું છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) નામના કટ્ટરવાદી સંગઠને સીએએ સામેના વિરોધ માટે અનેક નેતાઓ અને આગેવાનોને તગડી રકમો ચૂકવી હોવાનું સૂત્રોનાં હવાલેથી બહાર આવવા પામ્યું છે. સુત્રોએ આ સંસ્થાએ કોંગ્રેસી નેતા કપિલ સિબલ, સુપ્રીમ કોર્ટના ધારાશાત્રી ઈન્દિરા જયસિંહ, દુષ્યંત દવે અને અબ્દુલ સમંદને સીએએનો વિરોધ કરવા ફંડ આપ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પીએફઆઈના ૭૩ બેન્ક ખાતાંઓમાં કુલ રૂા.૧૨૦ કરોડના વ્યવહાર થયાનું સૂત્રોએ જણાવ્યું છે. આ પૈકી સિબલને રૂ.૭૭ લાખ, જયસિંહને રૂા.૪ લાખ, દુષ્યંત દવેને રૂા.૧૧ લાખ અને અબ્દુલ સમંદને રૂા.દસ લાખ મળ્યા હોવાનો આક્ષેપ અહેવાલોમાં થયો છે. પીએફઆઈ કાશ્મીરને રૂા.૧.૬પ કરોડ મળ્યા હતા.
સીએએનાં વિરોધમાં યુપીમાં હિંસાના આરોપસર ધરપકડ’ કરાયેલા પીએફઆઈના અધ્યક્ષ વસીમ અહમદને ગયા સપ્તાહે જામીન પર છોડાયા બાદ આ બહાર આવ્યુ છે. આ હિંસાનો સૂત્રધાર ગણાવાતા વસીમ વિરુદ્ધ સંગીન પુરાવાઓ એકઠા કરી શકવામાં પોલીસ વિફળ રહી હતી. પીએફઆઈના આ ૭૩ બેન્ક ખાતાંઓના પૃથકકરણ દરમિયાન આ હકીકત બહાર આવી છે. બેન્ક ખાતાંઓના રેકર્ડ મુજબ આ વ્યવહારોની ઉલટ તપાસમાં એવું બહાર આવ્યુ છે કે રૂ. ૧૨૦.પ કરોડ આ ખાતાંઓમાં જમા હતા, જે રકમ બે-ત્રણ દિવસમાં જ ઉપાડી લેવાતાં આ ખાતાંઓમાં નજીવી પુરાંત જ બચી હતી. એક ચેનલના અહેવાલ મુજબ ઈડીની તપાસમાં એવું બહાર આવ્યુ હતું કે સંસદમાં સીએએ પસાર થયા બાદ પશ્ચિમ યુપીના હિંસાગ્રસ્ત વિસ્તારો-બિજનોર,હાપુડ, બહરાઈચ, શામલી અને ડાસનાના અનેક બેન્ક ખાતાઓમાં પૈસા મોકલાયા હતા.
ગત તા.૪ ડિસેમ્બરથી ૬ જાન્યુઆરી દરમિયાન રૂ. ૧.૦૪ કરોડ પીએફઆઈના દસ અને રીહેબ ઈન્ડિયાના દસ બેન્ક ખાતાંઓમાં જમા થયા હતા. આ થાપણો આઈએમપીએસના રૂપમાં હતી અને થાપણોની રકમ રૂ. પ,૦૦૦થી રૂ. ૪૯ હજારના આંકમાં હતી, ડિપોઝીટરની ઓળખ છતી ન થાય તે માટે ડિપોઝીટ રૂ. પ૦ હજારથી નીચી રખાઈ હતી. સીએએ વિરુદ્ધના ચાલી રહેલા દેખાવો માટે ભંડોળ આપતા રહેવા પીએફઆઈ અને સંબંધિત સંગઠનોની ૯ ઓફિસો દિલ્હીના શાહીન બાગમાં ખોલવામાં આવી છે. આમ સીએએ વિરોધ થયેલા પ્રદર્શનો, હિંસક દેખાવો પાછળ દેશનાં જ ગદ્દારો જવાબદાર હોવાનું ઈડીના સુત્રોથી ખુલાસો થવા પામ્યો છે. બીજી તરફ પાકિસ્તાનમાં રહેતા ધાર્મિક લઘુમતિ એવા હિન્દુઓ પર દમનનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. જેનો બહાર આવેલા વધુ એક કિસ્સામાં પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં એક સગીર હિન્દુ યુવતી કે જેના ટુંક સમયમાં લગ્ન થવાના હતા તેને ટોળાએ ઉઠાવી લઈ જઈને તેનું ધર્માંતરણ કરાવીને મુસ્લિમ પુરુષ સાથે બળજબરીથી પરણાવી દીધાની વિગતો બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.
પોલીસે ભોગ બનનાર યુવતીનાં માતા-પિતાની ફરિયાદ પરથી તપાસ શરૂ કરી યુવતીની કરાંચીમાંથી ભાળ મેળવી હતી. ઓલ પાકિસ્તાન હિન્દુ પંચાયતના મહાસચિવે જણાવ્યું હતું કે, બે અઠવાડિયામાં હિન્દુ છોકરીને નિશાન બનાવવાની આ ત્રીજી ઘટના છે. સિન્ધમાંથી ૧૫ વરસની દિકરીને ઉપાડી જઈ તેને મુસ્લિમ બનાવી દેવાની ઘટના ગત ૧૫ જાન્યુઆરીએ ધ્યાને આવી હતી. સિન્ધના મતિયારી જીલ્લાના હાલા ગામે સગીરાને ઉઠાવી જવાઈ હતી અને કરાંચીના બનોરિયામાં તેનું ધર્માંતરણ કરાવીને શાહરૂખ મેમણ નામના વ્યકિત સાથે તેને પરણાવી દેવામાં આવી હતી.
હિન્દુ પંચાયતે યુવતીની માતા-પિતાને દિકરીને સિન્ધમાં પાછી લાવવામાં મદદ કરી હતી અને સોમવારે તેને કોર્ટમાં રજુ કરવામાં આવી હતી અને હરણકારો સામે આકરી કાર્યવાહીનાં આદેશો આપ્યા હતા. આવી જ રીતે જેફાફાબાદ જીલ્લાની ૧૫ વર્ષની દિકરીના અપહરણના મામલામાં પોલીસે દિકરીની ઉંમર માટેના પરીક્ષણ કરવા આદેશ આપ્યા હતા. ઘ્વાણીએ જણાવ્યું હતું કે, કોર્ટ ગુલામ મોહમદ શહેરમાંથી ૨૫ વરસની એક મહિલા તેના ઘરમાંથી ગુમ થઈ હતી અને તે ધર્મ પરિવર્તન કર્યા બાદ ગુલામ મુસ્તુફા નામના શખ્સને પરણાવી દીધી હોવાનું બહાર આવ્યું છે. અમે તપાસ કરી છીએ કે તે યુવતીને બળજબરીથી મુસ્તુફા સાથે પરણાવી દીધી છે ? રાષ્ટ્રીય પરીષદના સભ્ય વાંકવાણી કે જેઓ વડાપ્રધાન ઈમરાન ખાનની તેહુરીકે ઈન્સાફના સભ્ય છે. તેમણે આ અંગે કંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો. વિપક્ષના નેતા ખીલદાસ કોહિસ્તાનીએ ઘટનાઓને વખોડીને હિન્દુ ધર્મસ્થાનો પર હુમલા અને બળજબરીથી ધર્માન્તરના કિસ્સાથી હિજરતીઓને દેશ મુકવાની ફરજ પડે છે. કેટલાક તત્વો માતા રાણી ટેમ્પલ, થારકરપાર જીલ્લામાંથી ભોગ બન્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.૪ જાન્યુઆરીએ ટોળાએ ગુરૂનાનકના જન્મસ્થળ ગુરૂદ્વારા પર હુમલો કર્યો હતો. જેમાં શીખ સમાજની દિકરીનું અપહરણ અને ધર્માંતરની ઘટનાનો વિરોધ થતા હુમલાખોરોએ ગુરુદ્વારાને નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાનમાં હિન્દુઓ પર સતત થઈ રહેલા સામાજીક પ્રતિક્રમણ અને દિકરીઓને ઉપાડી જઈ બળજબરીથી ધર્માંતરણ કરવાના વધી રહેલા કિસ્સાથી હિન્દુઓ માટે પાકિસ્તાન દિવસે-દિવસે નાપાક બનતું જાય છે. નવા બનેલા સીએએ કાયદા મુજબ ભારતનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરનાર દરેકને કેટલાક જરૂરી દસ્તાવેજો રજુ કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. જે લોકો ૩૧ ડિસેમ્બર-૨૦૧૪ પહેલા ભારતમાં આવીને વસ્યા છે. તેમને અરજી સાથે કેટલાક પુરાવાઓના દસ્તાવેજો જોડવા પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિઝરતીઓનું ભારતનું નાગરિકત્વ આપવાના લવાયેલા કાયદામાં અરજદારોને તેમના ધર્મ અંગેના પુરાવાઓ આપતા કેટલાક દસ્તાવેજો ભારતીય નાગરિકત્વની અરજી સાથે આપવાના રહેશે.
તેમણે કહ્યું હતું કે, અરજદાર હિન્દુ, શિખ, કિશ્ર્ચિયન, બુદ્ધિષ્ઠ, જૈન કે પારસી ધર્મમાં શ્રદ્ધા રાખતા હોય તેમની ધાર્મિક માન્યતાઓ ઉજાગર કરતા દસ્તાવેજો સામેલ કરવા પડશે જે લોકો ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પહેલા ભારતમાં આવ્યા હોય તેમને નાગરિકત્વ મેળવવા માટે અરજી સાથે ધર્મની ઓળખના પુરાવા પણ આપવા પડશે. કેન્દ્ર સરકારે આસામમાં સીએએ અંતર્ગત અરજી કરનારને આસામમાં ત્રણેક મહિનાની ખાસ છુટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે સીએએને સહકાર ન આપવાના આસામના મુદાને ઉકેલવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.
આસામના મુખ્યમંત્રી સર્વાંનદ સોનવાલ અને નાણામંત્રી હિંમત વિશ્ર્વશર્માએ એક પખવાડિયા અગાઉ સીએએના અમલની સમય મર્યાદામાં છુટછાટ આપવાની માંગ કરી હતી. આસામમાં સીએએ વિરુઘ્ધ થઈ રહેલ સતત દેખાવોના પગલે સરકારે કેટલાક ખાસ નિર્ણયો લીધા હતા. સંસદમાં સીએએ અને ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં બહાલી આપવામાં આવી ત્યારથી આસામમાં દેખાવો થઈ રહ્યા છે. આસામના લોકોનું માનવું છે કે નાગરિક સુધારા વિધેયકથી આસામના મુળભુત નાગરિકોના હકિકતને રાજદ્વારી, સામાજીક અને સાંસ્કૃતિક રીતે ખુબ જ નુકસાન થશે.
૧૯૭૧ પછી આસામમાં વસતા તમામ ગેરકાનુની રીતે રહેતા નિરાશ્ર્ચિતોની ઓળખ અને તેમને દુર કરવાની માંગ ઉઠી છે. દેખાવકારોનું કહેવાનું છે કે આ નવો કાયદો આસામના હક-હિતોને નુકસાન કરે છે. નાગરિક સુધારા ધારામાં ધર્મ અંગેની વિગતો આપવાનું પહેલીવાર સુચવવામાં આવ્યું છે. સરકારનું કહેવું છે કે આ નિયમથી ત્રણેય પાડોશી મુસ્લિમ રાષ્ટ્રમાંથી ભારતમાં આવીને વસવા ઈચ્છતા બિનમુસ્લિમ હિજરતીઓ કે જેઓ તેમના ધર્મ અંગે સતામણીથી ભારતમાં આવીને વસ્યા હોય તેમને મદદરૂપ થશે.