રાજકોટ, મોરબી અને જામનગરથી આજે સવારે એક-એક ટ્રેન રવાના : સૌરાષ્ટ્રમાંથી ૩૦થી વધુ ટ્રેનો દોડાવવાનો નિર્ધાર : શ્રમિકોને મુસાફરી દરમિયાન રેલવે બે ટંકનું ભોજન પૂરૂ પાડશે
છેલ્લા ઘણા સમયથી શ્રમિકોની વતન વાપશીનો મુદ્દો ઉકળતો ચરુ સમાન બન્યો હતો. જો કે હવે સ્થિતિ સામાન્ય બનતી હોય તેવુ જણાઈ આવે છે. સૌરાષ્ટ્રમાંથી ધીમી ગતિએ શ્રમિકોને ટ્રેન મારફતે વતન મોકલવામાં આવી રહ્યા છે. આજ રોજ સવારે રાજકોટ, મોરબી અને જામનગરથી ટ્રેન મારફતે શ્રમિકો પોતાના વતન જવા રવાના થયા છે. આ શ્રમિકોની વતન વાપશીની ઈચ્છા ફળીભૂત થતા તેઓની આંખમાં હર્ષના આંસુ ઉભરાય ગયા હતા.
સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં રોજગારી અર્થે સ્થાયી થયેલા પરપ્રાંતીય શ્રમિકો લોકડાઉનના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. આ શ્રમિકોએ વતન વાપશીની જીદ પકડતા તંત્ર પણ ધંધે લાગ્યું હતું. આ મામલે તંત્ર વાહકોને રીતસરનો પરસેવો વળી ગયો હતો. જો કે શરૂઆતના દિવસોમાં ઉકળતો ચરુ જેવો લાગતો આ મુદ્દો હાલ શાંત પડી રહ્યો છે. રાજકોટમાંથી અગાઉ ૨ ટ્રેનો ઉત્તરપ્રદેશના બલિયા સુધી દોડાવવામાં આવી હતી. ત્યારબાદ આજે ફરી રાજકોટથી બિહાર સુધીની ટ્રેન રવાના કરવામાં આવી છે. જેનો ખર્ચ ભવાની ઇન્ડસ્ટ્રીઝ અને રોલેક્સ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આ ટ્રેન મારફતે કુલ ૧૧૬૮ જેટલા શ્રમિકો વતન જવા નીકળ્યા છે.
અગાઉ રાજકોટથી ગયેલી બે ટ્રેનનો ખર્ચ ઉઠાવનાર કાનુડા મિત્ર મંડળે આજે પણ તેમની સેવા ચાલુ રાખી હતી. તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, માસ્ક, સેનેટાઇઝર સહિતની વસ્તુઓની કીટ આપી હતી. આ વેળાએ અધિક કલેકટર પરિમલ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટની સાથોસાથ આજરોજ મોરબી અને જામનગરથી પણ ટ્રેન રવાના થઈ છે. જેમાં મોરબીથી ઝારખંડ સુધી અને જામનગરથી બિહાર સુધી ટ્રેન દોડાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાંથી ૩૦થી વધુ ટ્રેનો દોડાવીને સરકાર દ્વારા શ્રમિકોને પોતાના વતન પહોંચાડવામાં આવનાર છે. આમ શ્રમિકોની વતન જવાની ઈચ્છા ધીમે ધીમે ફળીભૂત થઈ રહી છે.