ભારતના મંગળ મિશન પર આધારિત સ્પેસ ફિલ્મ મિશન મંગલનું ટ્રેલર રિલીઝ થયું છે. અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મમાં તે સિનિયર સાયન્ટિસ્ટના રોલમાં છે. મહિલા વૈજ્ઞાનિકોની ટીમે આ મિશનને સફળતા અપાવી હતી તેની આખી યશગાથા છે. ટ્રેલરમાં ઇસરોના સભ્યોએ કઈ રીતે દરેક મુશ્કેલીભર્યા પડકારનો સામનો કરીને મિશન પાર પાડ્યું તેની દિલધડક સ્ટોરી બતાવવામાં આવી છે.
ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, મિશન મંગલ માટે કઈ રીતે સામાન્ય હોમ સાયન્સની અમુક વાતો આટલા મોટા પ્રોજેક્ટમાં કામ લાગી છે. અમેરિકન અંતરિક્ષ સંસ્થા નાસાની મદદ વગર પણ ભારત પોતે પગભર થઇને મંગળ ગ્રહ માટે સફળ મિશન પાર પાડી શકે છે તેની દાસ્તાનની ઝલક આ ટ્રેલરમાં જોઈ શકાય છે. આ ઉપરાંત મિશન મંગલના ટ્રેલરમાં દરેક સ્ટારકાસ્ટના રોલનો આ મિશનમાં કેટલો મહત્ત્વનો ફાળો છે તે પણ બતાવવામાં આવ્યું છે. દરેક મુશ્કેલ પડકારનો સામનો કરીને પણ અંતે કઈ રીતે આ મિશન સફળ થાય છે તેની સ્ટોરી રુંવાડાં ઊભી કરી દે એવી છે.મિશન મંગલ ફિલ્મને જગન શક્તિએ ડિરેક્ટ કરી છે, જે અગાઉ ચીની કમ, પા, ઇંગ્લિશ વિંગ્લિશ, શમિતાભ, હોલિડે, શમિતાભ, પેડમેન જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે. ડિરેક્ટર તરીકે મિશન મંગલ જગન શક્તિની પહેલી ફિલ્મ છે. તેની સ્ટારકાસ્ટમાં તાપસી પન્નુ, સોનાક્ષી સિન્હા, વિદ્યા બાલન, શર્મન જોશી, કૃતિ કુલ્હારી અને નિત્યા મેનન વગેરે સામેલ છે. ફિલ્મને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને આર. બાલ્કીની હોપ પ્રોડક્શનએ પ્રોડ્યૂસ કરી છે અને ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ આ ફિલ્મને પ્રેઝન્ટ કરી રહ્યું છે. આ ફિલ્મ ૧૫ ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.