ઈલેકટ્રીક મોટર મુકી ડાયરેક પમ્પીંગ કરતા ૯ આસામીઓને નોટિસ ફટકારાઈ

કાળઝાળ ઉનાળામાં શહેરમાં પાણીની ભયંકર તંગી સર્જાય તેવા સંકેતો મળી રહ્યા છે ત્યારે શહેરની પ્રવર્તમાન પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખી પાણીચોરી અટકાવવા માટે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે શહેરના વોર્ડ નં.૧માં ધરમનગર અને શાસ્ત્રીનગરમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ૨૭ ભુતીયા નળજોડાણ કપાત કરવામાં આવ્યા હતા અને ઈલેકટ્રીક મોટર મુકી ડાયરેક પમ્પીંગ કરતા ૯ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

1 1520240720વેસ્ટ ઝોન કચેરીના સીટી એન્જીનીયર ભાવેશ જોશી, નાયબ કાર્યપાલક ઈજનેર વી.વી.પટેલ અને નિકેશ મકવાણા સહિતની ટીમ દ્વારા આજે શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૧માં ધરમનગર અને શાસ્ત્રીનગરમાં પાણી ચોરી અટકાવવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

જેમાં ધરમનગર વિસ્તારમાં ઈલેકટ્રીક મોટર મુકી ડાયરેક પમ્પીંગ કરતા ૬ આસામીઓ અને શાસ્ત્રીનગરમાં ડાયરેક પમ્પીંગ કરતા ત્રણ આસામીઓ ઝડપાયા હતા.

તમામને નોટિસ ફટકારી સાત દિવસમાં દંડ પેટે રૂ.૨-૨ હજાર જમા કરાવવા માટે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત શાસ્ત્રીનગર શેરી નં.૮ અને ૯માં ૨૭ જેટલા ભુતીયા નળજોડાણ મળી આવ્યા હતા. જે તત્કાલ કાપી નાખવામાં આવ્યા હતા અને શાસ્ત્રીનગરની અન્ય ૨૦ શેરીઓમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ સઘન ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે.

વાલ્વ મેનના સ્કુટરમાં પંકચર: ત્રણ સોસાયટીમાં પાણી વિતરણ ખોરવાયું

આજે સવારે વાલ્વમેનના સ્કૂટરમાં ઓચિંતી પંકચર પડવાના કારણે વોર્ડ નં.૧૦માં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સહિતની ત્રણ સોસાયટીઓમાં પાણી વિતરણ ખોરવાઈ જતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. નિર્ધારીત સમય કરતા એક કલાક મોડુ વિતરણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે વાલ્વમેને રાત્રે દારૂ પીધો હોવાના કારણે વહેલી સવારે સમયસર જાગી શકયો ન હોવાના કારણે વિતરણ ખોરવાયું હતું. આ અંગે વેસ્ટ ઝોનના સિટી એન્જીનીયર ભાવેશ જોશીએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૦માં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર અને જલારામ-૧/૨ સહિતના વિસ્તારમાં પાણી ચાલુ-બંધ કરવાની કામગીરી બજાવતા વાલ્વ ઓપરેટરના સ્કૂટરમાં આજે સવારે અચાનક પંકચર પડી જવાના કારણે અહીં ત્રણ સોસાયટીમાં નિર્ધારત સમય કરતા ૧૫ થી ૨૦ મિનિટ પાણી વિતરણ મોડુ કરવામાં આવ્યું હતું. બીજી તરફ સ્થાનિક લતાવાસીઓએ એવું જણાવ્યું હતું કે, વિસ્તારમાં નિયત સમય કરતા આજે એક કલાક મોડુ પાણી વિતરણ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.