ધો.૧૦ માં ૧૦ થી વધુ વિઘાર્થીઓને એ-૧ અને ર૮ થી વધુને એ-ર ગ્રેડ
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ મારૂતિનગર, રણછોડનગર અને નવા થોરાળા સ્થિત સંકુલોનાં વિદ્યાર્થીઓએ આજ રોજ જાહેર થયેલા ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષાનાં પરિણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. સરસ્વતી વિદ્યામંદિર સંકુલનું ધોરણ ૧૦નું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે તો શાળાનાં ૧૦થી વધુ વિદ્યાર્થીઓએ એ૧ અને ૨૮થી વધુ વિદ્યાર્થીઓએ એ૨ ગ્રેડ મેળવ્યો છે. સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં વિદ્યાર્થીઓ દેવડા હર્ષ ૯૫.૧૭ ટકા – ૯૯.૯૫ પીઆર, દવે આદિત્ય ૯૪.૩૩ ટકા – પીઆર ૯૯.૯૦ પીઆર, બરાસરા ઉમંગી ૯૪.૩૩ ટકા – ૯૯.૯૦ પીઆર, પંડિત પ્રેક્ષા ૯૧.૬૬ ટકા – ૯૯.૬૨ પીઆર, કટારમલ રીચા ૯૧.૧૬ ટકા ૯૯.૫૪ પીઆર સાથે બોર્ડનાં ટોપ ફાઈવથી ટેનમાં સ્થાન મેળવ્યું છે.
સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં બોર્ડ પરીક્ષા પરિણામોમાં ઝળહળતા પરિણામો અંગે સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, રાજકોટ સરસ્વતી વિદ્યામંદિર સંકુલ સમાજમાં શૈક્ષણિક અને બૌદ્ધિક જ્યોત પ્રજ્વલિત કરીને દેશને ઉમદા કર્તવ્યનિષ્ઠ નાગરિકોનું પ્રદાન કરી રહી છે. છેલ્લા કેટલાંક દસકોથી સરસ્વતી વિદ્યામંદિર સંકુલ યોગ આધારિત શિક્ષણ પદ્ધતિ સાથે માતૃભાષામાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાની શ્રેષ્ઠ કામગીરી સાથે સર્વશ્રેષ્ઠ પરિણામ લાવી રહી છે. સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રણછોડનગર શાળાનું સતત સાતમા વર્ષે બોર્ડ પરીક્ષાઓમાં પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. સતત સાત વર્ષથી બોર્ડ પરીક્ષામાં સરસ્વતી વિદ્યામંદિર સંકુલ ૧૦૦ ટકા પરિણામ લાવી રહી છે.
સમાજનાં દરેક વર્ગ, જાતિ અને કક્ષાનાં બાળકોએ અહીંથી ઊંચનીચ કે નાતજાતનાં ભેદભાવ વિના શિક્ષણ પ્રાપ્ત કરી સુંદર કારકિર્દી ઘડી રહ્યાં છે. રાજકોટમાં સરસ્વતી વિદ્યામંદિરનાં શૈક્ષણિક સંકુલો અંતરિયાળ વિસ્તારમાં આવેલા છે છતાં પણ આ તમામ શૈક્ષણિક સંકુલો બોર્ડની વિવિધ પરીક્ષાઓમાં ૧૦૦ ટકા પરિણામ મેળવે છે. દર વર્ષે બોર્ડ પરિણામમાં સરસ્વતી વિદ્યામંદિર સંકુલોનાં વિદ્યાર્થીઓ ટોપ ટેનમાં ઝળકે છે. વાજબી ફી સાથે માતૃભાષામાં શિક્ષણ આપતા આ સંકુલોનાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક ઉપરાંત ઈતર પ્રવૃત્તિમાં પણ સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષા સુધી વિજેતા બની સંસ્થા, પરિવાર અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. સરસ્વતી શિશુ મંદિર બાળકોનાં સર્વાંગી વિકાસ માટે નિસ્વાર્થભાવે કાર્ય કરતી શૈક્ષણિક સંસ્થા છે.
ભારતનાં પ્રત્યેક બાળકનાં શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક તથા નૈતિક એમ સર્વાંગી વિકાસનાં ઉદ્દેશ સાથે અમો કાર્યરત છીએ એવું અપૂર્વભાઈ મણીઆરે જણાવી બોર્ડ પરીક્ષામાં પાસ થનારા તમામ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ગુજરાત બોર્ડને શુભેચ્છા પાઠવી હતી અને નાપાસ થનારા વિદ્યાર્થીઓને પણ હતાશ-નિરાશ થયા વિના વધુ મહેનત કરી બોર્ડ પરીક્ષાનો પડાવ પાસ કરી આગળ વધવા જણાવ્યું હતું. સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ટ્રસ્ટીશ્રીઓ ડો. બળવંતભાઈ જાની, પલ્લવીબેન દોશી, રમેશભાઈ ઠાકર, કેતનભાઈ ઠક્કર, અનીલભાઈ કિંગર, હસુભાઈ ખાખી, અક્ષયભાઈ જાદવ, કીર્તિદાબેન જાદવઅને રણછોડભાઈ ચાવડાએ ધોરણ ૧૦માં ઉત્તરણીય થનારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
પારકા કામ કરતી માતાના પુત્રએ મેળવ્યા ૯૯.૪૫ પીઆર
સરસ્વતી વિદ્યામંદિર સંકુલની મારૂતિનગરમાં આવેલી સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પારેખ મિહિરે ધોરણ ૧૦ બોર્ડ પરીક્ષામાં ૯૯.૪૫ પીઆર સાથે ૯૦.૦૬% મેળવી શાળા-પરિવારનું નામ રોશન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પારેખ મિહિરનાં પિતા નથી અને તેમની માતા પારકા કામ કરી તેમનું અને તેમનાં પરિવારનું ભરણપોષણ કરે છે. અત્યંત કપરી આર્થિક પરિસ્થિતિમાં જીવવા છતાં પારેખ મિહિરે બોર્ડ પરીક્ષા પરિણામમાં શ્રેષ્ઠ પરિણામ મેળવું સાબિત કરી દીધું છે કે, અડગ મનનાં મુસાફિરને હિમાલય પણ નડતો નથી, જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ હોય પરંતુ જો મહેનત અને આત્મવિશ્વાસ હોય તો કશું પણ અશક્ય નથી.