ગોંડલમાં કોરોના કહેર મચી જવાં પામ્યો છે. હોસ્પિટલો ઉભરાઇ રહી છે. બેડ કે ઓકસીજન મળવાં મુશ્કેલ બન્યાં છે. શની અને રવિવાર બે દિવસમાં કોરોનાથી 51 લોકોનો ભોગ લેવાયો છે. ગોંડલમાં તબીબી સુવિધા ટુંકી પડી રહીછે. ત્યારે કોરોના સંક્રમણની સાંકળ તોડવાં લોકડાઉન સખ્ત જરૂરી છે પણ ગોંડલનાં વેપારીઓ કમાઇ લેવાનાં લોભ લાલચમાં લોકડાઉન ઇચ્છતાં નથી. વેપારીઓની આ મનોવૃતિ શહેરીજનોમાં ટીકા પાત્ર બની છે. હાલ સાંજના સાતથી સવારના સાત સુધીનું સ્વૈચ્છીક લોકડાઉન ચાલે છે.
પણ આ ટુંકા લોકડાઉનથી સંક્રમણમાં કોઈ ફર્ક પડયો નથી. લોકોનાં ટોળાં દિવસભર બજારોમાં નજરે પડે છે. આ જોખમી હોવાં છતાં વેપારીઓ કે લોકો જોખમને ગણકારતાં નથી અને રોજબરોજ લોકો ટપોટપ મૃત્યુને ભેટી રહ્યાં હોય મૃત્યુ આંક ઝડપથી વધી રહ્યો છે. ઉપલેટા, સુરેન્દ્રનગર સહીત અનેક શહેરોમાં વેપારીઓ દ્વારા અડધા દિવસનું કે પૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ છે.
ગોંડલ હાલ કોરોનાનાં ભરડામાં ફસાયું છે. ત્યારે અડધા દિવસ કે પૂર્ણ લોકડાઉન માટે પ્રબુધ્ધજનો માંગ ઉઠાવી રહ્યા છે. શહેરની હાલ વિકટ પરિસ્થિતિમાં વેપારીઓએ પણ લોભ લાલચને બદલે શહેરની ચિંતા જતાવી લોકડાઉન અંગે ગંભીરતા દાખવવાં માંગ ઉઠવાં પામી છે.