જૂનુ એટલું સોનુંની માન્યતાને પગલે ઘરેલુ બજારમાં અત્યારે જૂના સોનાની વેચવાલીમાં વૃઘ્ધી નોંધાઇ નથી

અંદાજે ૨૨ હજાર ટન સોનું ભારતીય પરિવારોએ સંગ્રહી રાખ્યુ હોવાના અહેવાલ

સોનાના ભાવમાં ૪.૪૧ ટકાની વૃદ્ધિ છતાં ભારતીયોએ ક્વાર્ટરમાં લોકરમાં પડેલું સોનું વેચ્યું નથી. પ્રથમ ક્વાર્ટરમાં જૂના સોનાનું વેચાણ અગાઉના ક્વાર્ટરની તુલનામાં ૩૫-૪૦ ટકા ઘટ્યું છે.

એનાલિસ્ટ્સ અને ટ્રેડર્સના જણાવ્યા અનુસાર આગામી સમયમાં અમેરિકા-ચીન વચ્ચેની ’ટેરિફ વોર’ વેગ પકડશે તો સોનાના ભાવમાં વધુ વૃદ્ધિની શક્યતા છે એવી ધારણાએ લોકો સોનું વેચવાનું ટાળી રહ્યા છે.

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ વધશે તો પણ સોનાના ભાવ પર અસર જોવા મળશે. ૨૦૧૮ના પ્રથમ ક્વાર્ટરમાં સોનાના વેચાણ ૩૫-૪૦ ટકા ઘટાડો નોંધાયો છે.

ભારતીય પરિવારોમાં લગભગ ૨૨,૦૦૦ ટન સોનું નિષ્ક્રિય પડ્યું છે. પહેલી જાન્યુઆરીએ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ₹૨૯,૫૨૫ હતો, જે ગયા સપ્તાહે વધીને ₹૩૦,૮૩૦ના મથાળે પહોંચ્યો હતો.

અમેરિકા અને ચીનની ’ટ્રેડ વોર’ને પગલે સોનામાં ફરી સુરક્ષિત રોકાણ વધવાનો અંદાજ છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ પ્રતિ ટ્રોય ઔંશ ૧,૩૮૦-૧,૪૦૦ના સ્તરે પહોંચવાની શક્યતા છે.

સોનું આગામી કેટલાક મહિનામાં ₹૩૩,૦૦૦ની સપાટીએ પહોંચશે તેવો વિશ્ર્વાસ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. સોનામાં ૨૦૧૭ના વર્ષમાં ખાસ હલચલ ન હતી. એકાદ-બે દિવસ માટે ભાવમાં ૧૧ ટકા ઉછાળો નોંધાયો હતો, પણ સમગ્ર વર્ષનું વળતર લગભગ ૬-૭ ટકા રહ્યું છે. તેની સામે ઇક્વિટીનું રિટર્ન ઘણું ઊંચું રહ્યું હતું. તેને લીધે પણ સોનાનું આકર્ષણ ઘટ્યું હતું.

વાસ્તવમાં કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં રોકાણકારોને સોનામાંથી માત્ર એક ટકા વળતર મળ્યું હતું. છેલ્લા ક્વાર્ટરમાં સોનામાં વેચવાલીનું દબાણ હતું. રોકાણકારોએ સોનું વેચી શેરોમાં રોકાણની નીતિ અપનાવી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકા-ચીનની ’ટ્રેડ વોર’ના કારણે સ્થિતિ બદલાઈ છે.

૧૮ એપ્રિલે અક્ષયતૃતીયાની આસપાસ સોનામાં હલચલ વધવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં અક્ષયતૃતીયાના દિવસે સોનાની ખરીદી શુકનિયાળ મનાય છે અને એટલે લોકો પીળી ધાતુની નોંધપાત્ર ખરીદી કરે છે.

અક્ષયતૃતીયાની આસપાસ લોકો જૂનું સોનું વેચી સામે નવાં ઘરેણાં ખરીદશે એવી આશા છે. પ્રથમ ક્વાર્ટરમાં જૂના સોનાના વેચાણ સાથે જ્વેલરી સેલ્સમાં પણ ઘટાડો નોંધાયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.