શહેરમાં ૧૫ કંપનીઓના ૬૦૦થી વધુ મોબાઈલ ટાવર: ૧૯ કરોડથી વધુનો વેરો બાકી
ભારાંકમાં તોતીંગ છુટછાટ આપવામાં આવી હોવા છતાં કરોડો રૂપિયાનો નફો રળતી મોબાઈલ કંપનીઓને ટાવરના ટેકસ ભરવાનું ગમતું ન હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરમાં ૧૫ જેટલી મોબાઈલ કંપનીઓના ૬૦૦થી વધુ મોબાઈલ ટાવરો આવેલા છે જેની પાસે વેરા પેટે ૧૯ કરોડથી પણ વધુનો વેરો બાકી નિકળે છે. મોબાઈલ કંપનીઓ સામે લાલ આંખ કરતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આજે તમામ કંપનીઓને બાકી વેરો ભરવા ૧૫મી માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપી દીધું છે ત્યારબાદ કંપનીઓના મોબાઈલ ટાવરો સીલ કરી દેવામાં આવશે.
કાર્પેટ એરિયાની અમલવારી બાદ મોબાઈલ ટાવરો પાસેથી ૫૦ના ભારાંક મુજબ વેરો વસુલવાનું નકકી કરાયું હતું જોકે રાજય સરકારના આદેશના પગલે હાલ માત્ર ૧૫ના ભારાંક મુજબ વેરો વસુલ કરવામાં આવી રહ્યો છે છતાં મોબાઈલ કંપનીઓ વેરો ભરવામાં ખુબ જ ઢીલાશ રાખી રહી છે.
શહેરમાં ૧૫ જેટલી મોબાઈલ કંપનીઓના ૬૦૦ જેટલા ટાવરો આવેલા છે જેની પાસેથી ૩૦ કરોડ રૂપિયા વેરા પેટે વસુલવામાં આવે છે જેની સામે આજસુધીમાં માત્ર ૧૧ કરોડની જ વસુલાત થવા પામી છે. ૧૯ કરોડ રૂપિયા વસુલવા મોબાઈલ કંપનીઓને કડક ભાષામાં મ્યુનિસિપલ કમિશનરે તાકીદ કરી છે અને જો ૧૫મી માર્ચ સુધીમાં વેરો નહીં ભરે તો મોબાઈલ ટાવર સીલ કરી દેવાની પણ ચીમકી આપવામાં આવી છે. બીજી તરફ કોઠારીયા અને વાવડીમાં આવેલા કારખાનેદારોને વેરામાં જબરી છુટછાટ આપવામાં આવી હોવા છતાં હજી સુધી વેરો ભરવાની તસ્દી લેતા નથી. કારખાનેદારો સાથે આજે બપોરે બેઠક બોલાવામાં આવી હતી અને વેરો ભરવા તાકીદ કરવામાં આવી છે.
રૂ.૨૪૬ કરોડના ટાર્ગેટ સામે આજસુધીમાં ૨૦૦ કરોડ રૂપિયાની વસુલાત થવા પામી છે. આવામાં ટેકસનો ટાર્ગેટ પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ૨૫ જેટલા મોટા બાકીદારોને તેડુ મોકલ્યું છે અને રૂબરૂ હાજર થવા ફરમાન કર્યું છે.