૩૦મી જૂને કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા જ કુમાર-ગોયલને એક-એક વર્ષનું એક્સટેંશન અપાયું
રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ(રો) ના વડા સામંત કુમાર ગોયલ અને ગુપ્તચર વિભાગ (આઈબી) ના અધ્યક્ષ અરવિંદ કુમારના કાર્યકાળમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. ગોયલ અને કુમાર બંને ૧૯૮૪ બેચના ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારીઓ છે, જેઓ આ વર્ષે ૩૦ જૂને નિવૃત્ત થવાના હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળની નિમણૂક સમિતિએ ગોયલ અને કુમાર બંનેની સેવામાં ૩૦ જૂનનાં રોજ પૂરા થતાં વર્તમાન કાર્યકાળથી એક વર્ષના સમયગાળા માટે વધારાને મંજૂરી આપી હતી.
ગુરુવારે કર્મચારી મંત્રાલયે જારી કરેલા આદેશમાં એમ કહેવામાં આવ્યું છે કે સંબંધિત કાયદા મુજબ બે ચાવીરૂપ હોદ્દા ધરાવતા બંને આઇપીએસ અધિકારીઓની સેવા વધારવામાં આવી છે. આદેશ દ્વારા, સંશોધન અને વિશ્લેષણ વિંગમાં સચિવ તરીકે ગોયલની સેવા એક વર્ષ માટે લંબાવામાં આવી હતી. આદેશમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કુમારની ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર તરીકેની સેવા એક વર્ષ માટે લંબાવામાં આવી છે.
ગોયલને ૨૬ જૂન, ૨૦૧૯ ના રોજ અનિલ ધસ્માનના સ્થાને રોના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૧૯૯૦ ના દાયકામાં પંજાબમાં ઉગ્રવાદી સંકટને પહોંચી વળવા તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. પુલવામા આતંકી હુમલા બાદ ફેબ્રુઆરી ૨૦૧૯ માં બાલાકોટ હવાઈ હુમલાની યોજના બનાવવામાં પણ ગોયેલનો મહત્વનો ફાળો હતો, જેમાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા.
ઉરી આતંકવાદી હુમલા બાદ સશસ્ત્ર દળો દ્વારા વર્ષ ૨૦૧૬ માં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના આયોજનમાં તેમનો મહત્ત્વનો ભાગ હતો. ગોયલ દુબઈ અને લંડનમાં કોન્સ્યુલર બાબતોનો હવાલો પણ સંભાળી ચુક્યા છે. કાશ્મીરના નિષ્ણાંત માનવામાં આવતા કુમારની પણ ૨૬ જૂન ૨૦૧૯ ના રોજ આઈબી ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કુમાર, આસામ-મેઘાલય કેડરના આઈપીએસ છે, અગાઉ તેઓ બિહારના આઈબીના વડા હતા.