રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ‘વિજ્ઞાન તમારા માટે’ના સૂત્ર સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે ફાળવવામાં આવેલી મોબાઇલ પ્રયોગશાળાનું જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી. ટી. પંડ્યાએ આજે કોઠારિયા સ્થિત નારાયણનગર કુમારશાળા ખાતેથી લોકાર્પણ કર્યું હતું. શાળાઓના બાળકો આ મોબાઇલ પ્રયોગશાળા મારફત પોતાની વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા સંતોષે તેવું આહ્વાન કર્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી પંડ્યાએ જણાવ્યું કે પ્રાથમિક શિક્ષણના સ્તર સુધીના વિજ્ઞાનના અભ્યાસ ક્રમમાં નાનાનાના પણ મહત્વના પ્રયોગો હોય છે. જે બાળકોમાં કુતૂહલ જગાવશે અને તેની વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા સંતોષશે. બાળકોનો પાયો મજબૂત બનતા આગળના અભ્યાસમાં ખૂબ ફાયદો કરાવશે.
તેમણે જણાવ્યું કે જે પ્રાથમિક શાળામાં વિજ્ઞાનના શિક્ષક નહીં હોય ત્યાં આ પ્રયોગ શાળા આવે ત્યારે નજીકની શાળાના વિજ્ઞાનના શિક્ષકની સેવા લેવામાં આવશે. જેથી બાળકોને પ્રાયોગિક કાર્ય સાથે વિજ્ઞાન સારી રીતે ભણાવી શકાશે.
નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી કિરીટસિંહ પરમારે આ મોબાઇલ પ્રયોગ શાળા શરૂ કરવા પાછળનો હેતુ સમજાવ્યો હતો.
શાળાના વિજ્ઞાનના શિક્ષકોએ આ મોબાઇલ પ્રયોગ શાળાના સાધનો વડે બાળકોને પ્રયોગો કરી બતાવ્યા હતા. જેમાં શરીરનું તાપમાન માપવાની પદ્ધતિ, યોગ્ય વજન કેવી રીતે કરવું, પ્રકાશના પરાવર્તનની પ્રક્રિયાની જાણકારી પ્રયોગો કરી આપી હતી.
આ મોબાઇલ પ્રયોગશાળા માર્ચ સુધી રાજકોટ જિલ્લામાં ફરશે અને ઉનાળું વેકેશન બાદ અન્ય જિલ્લાઓમાં ફરશે. તેની કિંમત રૂ. ૧૬ લાખ જેટલી થવા જાય છે. તેમાં ૧૩૫ જેટલો વિવિધ સાધનો રાખવામાં આવ્યા છે. આધુનિક પ્રકારના ટેલીસ્કોપથી માંડી નાના બીકર સુધીનો તેમાં સમાવેશ થાય છે.
આ વેળાએ તાલુકા શિક્ષણ અધિકારીશ્રી વનરા, નારાયણનગર કુમાર શાળાના આચાર્ય શ્રી જયદીપભાઇ કણસાગરા, કન્યાશાળાના આચાર્ય શ્રી જેન્તિભાઇ કાનાણી ઉપસ્થિત રહ્યા હતા.