રાજકોટ રેન્જ સંદિપસિંહ વડોદરા રેન્જ તરીકે, વડોદરા રેન્જ અભયસિંહ અમદાવાદ રેન્જ અને ગાંધીનગર રેન્જ મયંકસિંહ ચાવડા રાજકોટ રેન્જમાં મુકાય તેવી શકયતા
એસપી બલરામ મીણા, કરણરાજ વાઘેલા, શરદ સિંઘલ અને ડીસીપી મનોહરસિંહ જાડેજાની બદલી થશે
અષાઢી બીજની રથયાત્રા રદ થયા બાદ અનલોક-૨ પૂર્વે રાજયના આઇપીએસ અધિકારીઓની બદલીના હુકમ થનાર છે. બદલીમાં રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહ અને રાજકોટ ઝોન-૨ના ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિત મોટા પાયે બદલીનો ઘાણવો આવનાર છે.
રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહને વડોદરા રેન્જમાં આઇજી તરીકે, વડોદરા રેન્જના આઇજી અભયસિંહ ચુડાસમાને અમદાવાદ રેન્જ આઇજી તરીકે, ગાંધીનગર રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાને રાજકોટ રેન્જ આઇજી તરીકે બદલી થાય તેવી શકયતા છે. રાજકોટ ઝોન-૨ ડીસીપી મનોહરસિંહ જાડેજાને મોરબી એસપી તરીકે બદલીની શકયતા છે.
૧૨ એસપી રેન્કના અધિકારીઓને ડીઆઇજીમાં બઢતી સાથે અંદાજે ૩૮ જેટલા આઇપીએસ અધિકારીઓની બદલીઓ થશે. અમદાવાદ શહેરમાં જ ૬ જેટલા આઇપીએસ અધિકારીઓની બઢતી સાથે બદલી થવાની છે. જેમાં પી એલ માલ, બિપિન આહિરે, કેએન ડામોર, ડીસીપી ટ્રાફિક અશ્વિન ચૌહાણ, અમદાવાદ સેન્ટ્રલ જેલ સુપ્રિટેન્ડન્ટ ડો. એમકે નાયક અને અમદાવાદ ગ્રામ્ય એસપી રાજેન્દ્ર અસારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જામનગર, તાપી, છોટા ઉદેપુર, વડોદરા વેસ્ટર્ન રેલ્વેના એસપી-સીએમ સિક્યુરિટી ચિરાગ કોરડિયાને બઢતી સાથે બદલી કરવામાં આવશે તેવું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર વલસાડ એસપી સુનીલ જોશી, મોરબી એસપી કરનરાજ વાઘેલા, રાજકોટ એસપી બલરામ મીના, જામનગર એસપી શરદ સિંઘલ, નવસારી એસપી ગીરીશ પંડ્યા, દેવભૂમિ દ્વારકાના એસપી રોહન આનંદ, અમરેલી એસપી નિર્લિપ્ત રોય, મહિસાગરના એસપી ઉષા રાડા અને નડિયાદ એસપી દિવ્યા મિશ્રા, સુરત ગ્રામ્ય એસપીની પણ બદલવામાં આવે તેવી શક્યતા છે તેમજ રાજકોટ, સુરત અને વડોદરા શહેરના ડીસીપી બદલાય તેવી પણ શક્યતા છે.
અમદાવાદ રેન્જ આઇજી ચાર્જમાં ચાલે છે. આ જગ્યા પર વડોદરા રેન્જ આઇજી અભય ચુડાસમા કે પછી રાજકોટ રેન્જ આઇજી સંદીપ સિંઘ આવી શકે છે. જો અભય ચુડાસમાનો ઓર્ડર થાય તો સંદીપ સિંઘનો વડોદરા રેન્જ ડીઆઇજી તરીકે પોસ્ટિંગ થઇ શકે છે. ગોધરા રેન્જ ડીઆઇજી એમએસ બરાડાની પણ બદલી થવાની સંભાવના છે. ગાંધીનગર રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા રાજકોટ રેન્જમાં જઇ શકે છે. વડોદરા શહેરના જેસીપી ક્રાઇમ અને ટ્રાફિક કેસરી સિંહ ભાટી પણ બદલાઇ શકે છે.