ફરી આઝાદી પહેલાની ‘સોને કી ચીડિયા’ બની જશે ભારત….!!
મજબૂત લોકશાહી, કૃષિ વિકાસ, મઘ્યમ વર્ગનો વિકાસ, ઘરેલું બજારની વૃઘ્ધિ, નાની બચતમાં વધારો તેમજ મૂડી માર્કેટ અને ટેકસ કલેકશનનો વધતો વ્યાપ આ તમામનો એકી સાથેનો સમન્વય ભારતીય અર્થતંત્રને ચાંદી હી ચાંદી કરી દેશે: ભારતના વોરેન બફેટ ઝૂનઝૂનવાલાનો મત
જહાઁ ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા… વો ભારત દેશ હે મેરા… આ પંક્તિ કાઈ અમસતા જ નથી રચાઈ. પ્રાચીન કાળથી માંડી ભારતમાં વિદેશીઓના આગમન સુધી ભારત એક ’સોને કી ચીડિયા’ જ ગણાતો. અહીં ભારતીય ભૂમિ પરનું રજવાડું એટલું ભવ્ય હતું કે સોના-ચાંદીના દાગીનાની કોઠીઓ તો ભરેલી જ રહેતી પણ આ સાથે અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ ભારત સમૃદ્ધ ગણાતો.
અગાઉ મોટાભાગની ચીજવસ્તુઓમાં મોટાભાગના દેશ ભારત પર નિર્ભર હતા. સુતરાઉ કાપડ, મરી મસાલા, આયુર્વેદ, દવાઓ વગેરેમાં પશ્ચિમી દેશો ભારત પર જ આધારિત હતા. તમને જાણીને નવાઈ લાગશે કે 17મી સદી સુધી વિશ્વની કુલ જીડીપીમાં ભારતનો હિસ્સો 25થી 35 ટકા રહેતો. જે હાલ માત્ર 7 ટકા જેટલો છે.
પરંતુ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે હવે ભારત ફરી સોનેકી ચીડિયા બની ઉડવા સક્ષમ થઈ ગયું છે. આગામી 10 વર્ષનો ગાળો ભારત માટે ખૂબ સારો રહેશે. ભારતના વોરેન બફેટ ગણાતા એવા બિલિયનરી ઈન્વેસ્ટર્સ રાકેશ જુનજુનવાલાએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓફીસ-પીએમો સમક્ષ ભારતીય અર્થતંત્ર હવે કેવું રહેશે..? તેનું આખું ચિત્ર રજૂ કર્યુ છે. જેમાં તેમણે જણાવ્યું છે કે વર્ષ 2030 સુધીનો સમય ભારતીય અર્થતંત્ર માટે સોનાના સૂરજ જેવો રહેશે..!!
રાકેશ જુનજુનવાલાએ પોતાના વિશ્લેષણમાં મત રજૂ કરતાં કહ્યું છે કે આગામી ચાર વર્ષમાં ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિદર ડબલ ડિજિટમાં પહોંચી જશે. ભારતમાં જે રીતે નાના-મોટા સુધારણા મસમોટા આર્થિક સુધારાઓ માં પરિવર્તિત થયા છે, જે રીતે લોકશાહી, કેપિટલ માર્કેટ, સ્ટોક માર્કેટ મજબૂત બની રહ્યા છે, જે રીતે સેવિંગ્સ વધુ વધી રહી છે, સેવિંગ વધતા જે રીતે મધ્યમ વર્ગીય લોકોનો વિકાસ વધુ ઝડપી બની રહ્યો છે, આ સાથે કૃષિ વિકાસ અને ફાર્મા સેકટર તેમજ ટેકનિકલ ક્ષેત્રની નિકાસ વધી રહી છે, જે રીતે ટેક્સ કલેક્શન વધુ વ્યાપક બની રહ્યું છે… આ બધા પરિબળોનો સમન્વય ભારતીય અર્થતંત્રને નવી ઊંચાઈઓ અંબાવશે..!!
જહાં ડાલ ડાલ પે સોને કી ચીડિયા એટલે કે એક એક નાના નાના ક્ષેત્રમાં નાનું નાનું કરી જેમ મોટા લાભ ખાટી શકાય છે એવી જ રીતે નાની નાની બચતો આપણાં અર્થતંત્રને મોટા લાભ અપાવશે. રાકેશ જુનજુનવાલાએ કહ્યું કે 17મી સદી સુધી વિશ્વની જીડીપીમાં ભારતનો હિસ્સો 25થી 35 ટકા જેટલો રહેલો. જે બ્રિટિશ શાસન હેઠળ વર્ષ 1947 સુધીમાં 2 ટકા સુધી ગગડી ગયો. અને હાલ વિશ્વના કુલ જીડીપીમાં ભારતનો હિસ્સો 7 ટકા છે જ્યારે ચાલુ વર્ષે વર્ષ 2021માં 8 ટકા થઇ આગામી વર્ષ 2025 સુધીમાં 10 ટકાથી પણ વધુ થઈ જાય તેવી શક્યતા છે. બ્રિટિશ શાસનકાળમાં આપણે જે ગુમાવ્યું છે તેનાથી પણ હવે ડબલ મેળવીશું.
આગામી વર્ષ 2030 સુધીમાં ભારતનું અર્થતંત્ર 10 ટ્રીલિયન ડોલરે પહોંચી જશે. તેમજ દરેક ભારતીયની માથાદીઠ આવક 6 હજાર ડોલર થઈ જશે. તેમણે વધુમાં કહ્યું કે હાલ વિદેશમાં રહી ભારતીયો જે ધન કમાઈ રહ્યા છે તે ભારતમાં રહી કમાઈ શકશે, વિદેશીઓ પણ આકર્ષાશે તેવો સમય ટૂંક સમયમાં જ આવી જશે. કૃષિ ક્ષેત્રે વધતી જતી ઉત્પાદકતા અને નિકાસ અને આ સાથે સોફ્ટવેરની એક્સપોર્ટ વધતા અર્થતંત્રની ગાડીને પુરપાટ ઝડપે દોડાવવામાં મહત્વનો ફાળો ભજવશે. વધતું જતું ટેક્સ કલેક્શન પણ એક મહત્વની કડી છે. ચાલુ વર્ષ 2020-21માં 15મી સપ્ટેમ્બર સુધીમાં બજેટ અનુસાર 50 ટકા રકમ તો ટેક્સની એકત્ર થઈ ચૂકી છે. આ તમામ બાબતો ભારતને ફરી સોને કી ચીડિયા બનાવી દેશે…!!
નાની બચતો અર્થતંત્રના વૃઘ્ધિદરનો દરવાજો નાની બચત-સ્ટોક માર્કેટ-રીસ્ક કેપીટલ-ઇકોનોમિક ગ્રોથ
નાની નાની બચત મુસીબત સમયે મોટા કામ પાર પાડે… આ વાક્ય ભારતીયોની વર્તુણુંક પર ખૂબ બંધ બેસે છે. સ્મોલ સેવિંગ્સ મુશ્કેલીના સમયે કામ લાગે એ તો ઠીક છે પણ આ સ્મોલ સેવીગ્સ ભારતીય અર્થતંત્રના વૃદ્ધિદરનો દરવાજો બની ગઈ છે. જી હા, ભારતના બિલિયનરી ઈન્વેસ્ટર્સ રાકેશ જુનજુનવાલાએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્થતંત્ર અંગેનું પ્રેઝન્ટેશન સોંપ્યું જેમાં તેમણે કહ્યું છે કે આગામી વર્ષ 2025 સુધીમાં પાંચ ટ્રીલિયન ડોલરની ઈકોનોમીનું સ્વપ્ન સાકાર કરવામાં સ્મોલ સેવિંગ મહત્વનો ફાળો ભજવશે.
નાની નાની બચતો કે જે સ્ટોક માર્કેટ અને તેમાં રોકાણ દ્વારા ઉબહુ થતું રિસ્ક કેપિટલ અને તે દ્વારા જ અર્થતંત્રની વૃદ્ધિ શક્ય બને છે. મૂડીની ઉપલબ્ધતા, ખાસ કરીને કેપિટલ રિસ્ક અને તેની ઉત્પાદકતા ભાવિ વૃદ્ધિ માટે ચાવીરૂપ બનશે. ભારતીયોની બચત, જે 2030માં 3 ટ્રિલિયન ડોલરને વટાવી જશે. જે અત્યારે લગભગ 1 ટ્રિલિયન ડોલર જશે. જો કેપિટલ માર્કેટ વધુ ગતિશીલ બનશે તો વૃદ્ધિમાં ઉછાળો આવશે. જુનજુનવાલા કહે છે કે મૂડી બજાર બચતને ચેનલાઇઝ કરવામાં મદદ કરે છે જે આખરે વૃદ્ધિ માટે મૂડીમાં અનુવાદ કરે છે.
ભારતમાં આ પ્રકારે પ્રક્રિયા હમણાં જ શરૂ થઈ છે પરંતુ યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તે ઘણી મોટી વૃદ્ધિ કરી શકે છે. વ્યાજ દરો નીચા હોવાથી, વિદેશી રોકાણકારો પાસે ભારત જેવી સારું વળતર આપતી કંપનીઓમાં રોકાણ કરવા સિવાય બહુ ઓછો વિકલ્પ રહેશે.જુનજૂનવાલા કહે છે કે આ માટે સોફ્ટવેર અને ફાર્મા કંપનીઓ ટોચની પસંદમાં છે. વૃદ્ધિના બે મોટા ડ્રાઈવર તરીકે ફાર્મા નિકાસ અને સોફ્ટવેર નિકાસનું મૂલ્યવર્ધન તમામ અન્ય નિકાસ કરતા વધારે છે.
કારણ કે આ બંને ક્ષેત્રો ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વના છે.તે કહે છે કે યુ.એસ.માં વપરાશમાં લેવાતી તમામ દવાઓમાંથી લગભગ 45% ભારતમાં બને છે. આમ આ ક્ષેત્ર થકી ભારત મજબૂત બની ઉભરી શકશે.