ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પરંતુ વાત જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્યપાલની થતી હોય ત્યારે તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે. ગુજસેલમાં અગાઉ થયેલા વિવાદની શાહી સુકાઈ નથી ત્યાં સરકારી અધિકારીઓની બેદરકારીનો ખુદ સીએમ અને રાજ્યપાલ ભોગ બની રહ્યા છે. મુખ્યપ્રધાનનું હેલીકોપ્ટર વારંવાર ટેકઓફ ના થઈ શકવાને કારણે તેમની મુલાકાતો પર અસર પડે છે અથવા તો તરત વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડે છે. તાજેતરમાં મુખ્યપ્રધાન ખાવડાની મુલાકાતે જવાના હતા ત્યારે જ આ ઈસ્યુ ઉભો થયો હતો.
રાજ્યમાં પાઇલટની અછત વચ્ચે નવા પાઇલટની ભરતી પ્રક્રિયા હાથ ધરશે સરકાર
વીવીઆઈપી માટેનું હેલિકોપ્ટર છેલ્લા એક મહિનામાં અડધો ડઝન નિર્ધારિત ફ્લાઈટ્સ કરી શક્યું ન હોવાથી રાજ્ય સરકાર નવું હેલિકોપ્ટર ખરીદવાની વિચારણા કરી રહી છે, એમ ટોચના સૂત્રો કહે છે. રાજ્ય સરકારના પ્રવક્તા રુષિકેશ પટેલે જણાવ્યું હતું કે પવન હંસ પાસેથી એક હેલિકોપ્ટર અસ્થાયી રૂપે હસ્તગત કરવામાં આવ્યું છે અને રાજ્ય સરકારની સંસ્થા ગુજસેલે તેની જાળવણી અને પાઇલટ્સની ભરતીની પ્રક્રિયા શરૂ કરી છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલની ફ્લાઇટમાં વિક્ષેપ પાઇલટ્સની અછતને કારણે ન હતો. કારણ કે હેલિકોપ્ટર ઉડવા માટે યોગ્ય ન હતું. આ એરક્રાફ્ટ 16 વર્ષ પહેલા 2007માં ખરીદવામાં આવ્યું હતું અને તેની જાળવણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હેલિકોપ્ટરની સર્વિસનો સમય થઈ ગયો છે તેમ પટેલે જણાવ્યું હતું. આ વર્ષે 27 નવેમ્બરથી હેલિકોપ્ટરમાં છ વખત ખામી સર્જાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે હેલિકોપ્ટરની ઉંમર, ઉડવાના કલાકો અને બનાવટના વર્ષને ધ્યાનમાં લેવું પડશે.
પાઇલટ્સની અછતના પ્રશ્ન પર, મંત્રીએ કહ્યું પાઇલટ્સે તાજેતરમાં રાજીનામું આપ્યું છે, અને નવી નિમણૂકોની પ્રક્રિયા ચાલી રહી છે. ટૂંક સમયમાં જ યોગ્ય પ્રક્રિયા દ્વારા તેમની નિમણૂક કરવામાં આવશે. આ દરમિયાન સરકારી સૂત્રોએ માહિતી આપી હતી કે નવું હેલિકોપ્ટર ખરીદવાની ચર્ચા પ્રાથમિક તબક્કામાં છે. બીજી સવથી મોટી વાત એ છે કે, રાજ્યપાલ અને મુખ્યમંત્રી રાજયની સંપતિ હોવાથી તેઓએ જે પ્રવાસ ખેડવો હોઈ ત્યારે તેમના સુરક્ષા માટે પોલીસનો કાફલો તૈનાત કરવો પડતો હોય છે. ત્યારે તેઓ હેલિકોપ્ટરમાં એટલે જ પ્રવાસ કરે છે જેથી મેન્ફોર્સ ની બચત થાય.