છરી, ભાલા, બંદુકોને રમકડા સમજતા
ફાયરિંગની ઘટનામાં પંચહાટડી વિસ્તાર સતત બે દિવસ બંધ : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભયનો માહોલ
પાંચ વર્ષ થી શહેરના લુખ્ખાઓ હાડફોડી અને ચિખલીયાના માથાભારે શખ્સો નાની-નાની વાતમાં ઝઘડા કરી મોટુ સ્વરૂપ આપી શહેરને બાનમાં રાખે છે
શાંત અને રળિમણું શહેરને હવે લુખ્ખા અને આવારા તત્વોની નજર લાગવાથી શહેરની શાંતિને છાશવારે પલિતો ચાંપી રહ્યા છે ત્યારે શહેરને છાશવારે બાનમાં લેતા શખ્સોની કમર ખોખલી કરવાનો સમય હવે પાકી ગયો છે. તેવું સરાજાહેર ફાયરિંગની ઘટનાથી ચિત્ર ઉપસી રહ્યું છે.
ભાઇચારાની ભાવના અને વેપાર-ધંધા માટે શાંત શહેર ગણાતું છેલ્લા પાંચ-સાત વર્ષથી હાડફોડી, ચિખલીયા અને રવતીના માથાભારે શખ્સો દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડા કરી મોટું સ્વરૂપ આપી છરી, ભાલા, બંદુકોને રમકડાની જેમ સમજી છાશવારે ઉપયોગ કરી શહેરની શાંતિ હણવાનો પ્રયાસ કરી રહેલા લુખ્ખા અને માથાભારે શખ્સોની શાન ઠેકાણે લાવવી હવે જરૂરી બની ગઇ છે. બે દિવસ પહેલા પંચાટડી વિસ્તારમાં જે ઘટના બની તેમાં છરી, ભાલા, બંદુકોને રમકડાની જેમ ઉપયોગ કરી સરાજાહેર હિંગોરા અને હાડફોડી અને મિયાણા ગેંગના લોકોએ આતંક મચાવી એક નિર્દોષ મેમણને ગોળી લાગી જતા પરિવારમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો.
બે દિવસ પહેલાની ઘટનામાં હિંગોરા અને હાડફોડી ગામનો મામલો અને મિયાણા ગેંગ દુશ્મનો દુશ્મન મિત્ર ગણી બંને શખ્સોએ હાથ મિલાવી હરીફ ગેંગના શખ્સોને સાફ કરી નાંખવાના મૂંડમાં હોય તેવી રીતે ભરચક વિસ્તારમાં ફાયરીંગ કરી નાસી છૂટવામાં સફળ થયા હતા.
દિલાવર હિંગોરાને શહેરના મિયાણા લોકો સાથે જુની દુશ્મનાવટ હતી. જ્યારે દિલાના ભાઇ સલીમને હાડફોડીના મામલા સાથે જુની અદાવત ચાલતી આવતી હોય તેમ છેલ્લા ઘણા સમય થયા એકબીજાના લોહી પીવા તરસ્યા બન્યા હતા. બે દિવસ પહેલા હિગોરાબંધુના દુશ્મનો હાથફોડીનો મામલો અને મિયાણા જીપ દ્વારા એક થઇ રાત્રે પંચાટડી વિસ્તારમાં ચા પીવા આવ્યા હતા. જ્યારે સલીમ અને દિલાવરના બંને દુશ્મનો ભેગા છે તેવી હિંગોરા ગ્રુપને જાણ થતા જ દિલાવર અને સલીમનો છોકરા સહિત પાંચ શખ્સો રાત્રે બે વાગે પંચાટડી વિસ્તારમાં આવી રિવોલ્વર, ધોકા, પાઇપ, છરી જેવા હથિયારો કાઢી હરીફ જૂથ ઉપર તૂટી પડતા એક નિર્દોશને ઇજા થઇ હતી.
આ ઘટનાના ઘેરા પડઘા ન પડે તે માટે પીઆઇ જાડેજાએ તાત્કાલીક શહેરમાં બંદોબસ્ત ગોઠવી બંને જૂથના અમુક લોકોને રાઉન્ડ અપ કરી ભાગી છૂટેલા હુમલાખોરોને ઝડપી લેવા ડીવાયએસપીની આગેવાની નીચે વિવિધ ટીમો બનાવી તેના આશ્રય સ્થાનો ઉપર તપાસ કરી રહ્યા છે.
ફાયરિંગમાં ભોગ બનનાર મામદ સમાની સ્ટોરી ન ચાલી નિર્દોષને ફીટ કરવાની ઘટનાને પોલીસે ખોખલી કરી
શહેરમાં છાશવારે નાના મોટા છમકલા કરાવી હાડફોડી ગામનો મામદ સમા પોતાનું સ્થાન શહેરમાં બનાવવા માટે ઘણા સમયથી ઝનુની બન્યો છે. ગઇકાલની ઘટનામાં મામદ સમાએ એવી સ્ટોરી ઉભી કરી પોલીસ અને પત્રકારોને ગેરમાર્ગે દોરાવ્યા કે જ્યારે અમારી ઉપર ફાયરિંગ થઇ રહ્યા હતા ત્યારે દિલાનો ભાઇ રજાક હિંગોરા મારોમારોની બુમો પાડી રહ્યો હતો. તે પણ આ હુમલામાં સામેલ હતો. પ્રથમ તો પોલીસે મામદની વાત માની રજાક હિંગોરા સહિતનાઓને રાઉન્ડ અપ કરી લીધા હતા. ડીવાયએસપી સહિતનાઓએ ઘટના સ્થળના સી.સી.કેમેરાના ફૂટેજ મેળવી ઘટના વખતે રજાક હિંગોરા ક્યાય જોવા મળ્યો ન હોતો તેમજ તેમના મોબાઇલનું લોકેશન પણ ઘટનાથી અડધો કિલોમીટર દૂર આવતું હોય તેવી નિર્દોષ રજાક હિંગોરાને ગઇકાલે મુક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રજાક હિંગોરા છેલ્લા એક દાયકાથી સેવાભાવી નગર સેવક તરીકે ઉપસી રહ્યો છે. આ વિસ્તારના 400 કરતા વધુ કુટુંબોને રાશન સહિત દવાઓ પુરૂં પાડી સેવા આપી રહ્યો છે. ત્યારે પોલીસની જીણવટભરી તપાસથી એક નિર્દોષ વ્યક્તિ ભોગ બનતા બચી ગયેલ જ્યારે મામદની સ્ટોરી પોલીસે ફાવવા દીધી ન હોતી.
પ્લોટ પચાવી પાડવા ધાક-ધમકી આપી પૈસા પડાવવાનું કામ મામદ અને જયલો કરી રહ્યા છે
છેલ્લા પાંચ વર્ષ થયા હાડફોડીનો મામદો ઉપલેટાનો જયલો ઉર્ફે જાહિદ તેમજ ચિખલીયાના અમૂક માથાભારે શખ્સો દ્વારા મુસ્લીમ વિસ્તારમાં ગમે તેના બંધ પડેલા મકાનો, પ્લોટો ઉપર પોતાનો કબ્જો કરી લાખો રૂપિયા પડાવાનું કામ કરે છે. અગાઉ અનેક વખત પોલીસ ચોંપડે ચડી ચૂક્યા છે ત્યારે પોલીસે આવા શખ્સોના શાન ઠેકાણે કરી શહેરને આવા શખ્સોની બાનમાંથી છોડાવવું જોઇએ. જેથી આવનારા દિવસોમાં શહેરમાં શાંતિ જળવાઇ રહે.
પોલીસ જો આવા શખ્સોની કમર ઢીલી નહિ કરે તો આવનારા દિવસોમાં મોટી ઘટના બનશે
ગઇકાલની ઘટના ઉપરથી એવું લાગી રહ્યું છે કે આ બાબતમાં સંડોવાયેલા શખ્સો અને ભોગ બનનાર શખ્સોની અગાઉની કુંડળી તપાસી જો તેઓની સામે આકરી કાર્યવાહી નહિ કરવામાં આવે તો આવનારા દિવસોમાં મોટી દુર્ઘટના બનવાના દિવસો હવે દૂર નથી.
આરોપી અને પોલીસને હાથવેતનું છેટુ રહી ગયું: કાર કબ્જે કરી
ફાયરિંગ કરી દિલાવર હિંગોરા સહિતના શખ્સો જુનાગઢ તરફ ભાગી ગયાની બાતમી મળતા પોલીસે પીછો કરતા પોલીસની જીપ જોઇને દિલાવર હિંગોરા સહિતના શખ્સો જુનાગઢ પાસે કાર રેઢી મૂકીને નાશી છૂટવામાં સફળ થયા હતા. પોલીસે એમ.જી. કંપનીની કાર નં.જીજે-03-એલ.આર.-7024 કબ્જે કરી હતી.