લેહમાં પહોચેલા વડાપ્રધાને જવાનોને કહ્યું, તમારા સંકલ્પ પર્વત જેવા છે, તમારો મુકાબલો દુનિયામાં કોઈ કરી શકે તેમ નથી
ભારત ચીન સરહદે પ્રવર્તતી તંગદિલી વચ્ચે લેહ પહોચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનોને સંબોધન કરતા જણાવ્યું હતુકે તમારો મુકાબલો દુનિયામાં કોઈ કરી શકે તેમ નથી.ભારત માતાકી જય સાથે જવાનોને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું કે તમારા સંકલ્પ પર્વતની જેમ અડગ છે. તમે ર્માં ભારતની ઢાલ છો. તમારી તાકાત પહાડો જેટલી છે.ગલવાનમાં શહીદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પતા વડાપ્રધાને જણાવ્યું કે જવાનોનું સમર્પણ અતુલ્ય છે. આપણા સૈન્યની વીરતાએ વિશ્ર્વને સંદેશો આપ્યો છે
વડાપ્રધાન લેહ પહોચ્યા બાદ સૈન્યના અધિકારીઓને મળ્યા હતા બાદમાં જવાનોને સંબોધન કર્યું હતુ ચીન પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘વિસ્તારવાદ’નો સમય હવે પૂરો થઈ ગયો છે, નિર્બળ કયારેય શાંતિ નથી લાવી શકતા.
ભારત-ચીન બોર્ડર પર તણાવ વચ્ચે વડાપ્રધાન મોદી અચાનક લેહની મુલાકાત માટે પહોંચ્યા છે. આજે સવારે વડાપ્રધાન મોદી લેહ પહોંચી જવાનોની મુલાકાત કરી હતી. જો કે આ પહેલા માત્ર આર્મી ચીફ બિપિન રાવત જ આ મુલાકાત માટે જવાના હતા.
મે મહિનાથી ચીન સાથે લદાખ સરહદે વિવાદ ચાલી રહ્યો છે અને બંને સેનાઓ વચ્ચે સતત સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે આ દરમ્યાન વડાપ્રધાન મોદીની લેહ મુલાકાત સૌના માટે ચોંકાવનારી છે. આ પહેલા શુક્રવારે માત્ર રક્ષા મંત્રી રાજનાથ સિંહ લેહ મુલાકાત લેવાના હતા. પરંતુ, ગુરુવારે તેમના કાર્યક્રમમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું હતું કે બિપિન રાવત લેહની મુલાકાત કરશે.જો કે બાદમાં આજે અચાનક વડાપ્રધાન લેહમાં નિમુ વિસ્તારમાં ૧૧,૦૦૦ ફુટ ઊંચા ફોરવર્ડ લોકેશન પર પહોંચ્યા છે. અને તેઓની સાથે સીડીએસ બિપિન રાવત પણ જોડાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવત સાથે લેહ પહોંચ્યા છે અને અહીં તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલ ભારતીય સૈનિકોને મળે તેવી પણ સંભાવના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ મુલાકાતથી ચીનમાં ભારે ખળભળાટ મચ્યો છે. ભારતીય લશ્કરમાં જોશ અને ઉમંગ ફેલાયો છે. જ્યારે ચીનના સૈનિકોમાં હતાશા ફેલાઈ હોવાના સંકેતો મળી રહ્યા છે.
- વાતાવરણ બગડે એવું કોઈ પણ પક્ષ ન કરે : ચીન
વડાપ્રધાનની લેહ મુલાકાતને પગલે ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીને જણાવ્યુંં છે કે કોઈ પક્ષે વાતાવરણ ગાડવુ ન જોઈએ.
ચીની મંત્રાલયે જણાવ્યું છે કે કોઈ પણ પક્ષ એવું ન કરે કે જેથી વાતાવરણ બગડે દરરોજ યોજાતી બ્રીફીંગમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિઝિયાને કહ્યું કે ભારત અને ચીન સતત સૈન્ય અને રાજકીય રીતે તંગદિલી હળવી કરવા પ્રયાસો કરી રહ્યા છે. એવામાં કોઈ પાર્ટી એવું ન કરે કે વાતાવરણ બગડે.
- અમે પાછળ હટવાના નથી : ચીન અને વિશ્ર્વને સંદેશો આપતા નરેન્દ્ર મોદી
વડાપ્રધાનની ઓચિંતી લેહ મુલાકાતથી ચીન અને વિશ્ર્વને મળી ગયો સંદેશ: વડાપ્રધાન સરહદે પ્રવર્તતી સાચી સ્થિતિ જાણી શકશે વડાપ્રધાનના પગલાથી સૈન્યનો જુસ્સો વધશે, બળ મળશે
ભારત ચીન સરહદ પર પ્રવર્તતી સંઘર્ષની સ્થિતિ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓચિંતા લેહની મુલાકાતે પહોચી જતા આ પગલાથી ચીનને એક કડક સંદેશો પહોચી ગયો છે. વડાપ્રધાનના આ પગલાથી એમ કહી શકાય કે તેમણે આ પગાથી ચીન અને આખી દુનિયાને એવો સંદેશો અપાયો છે કે અમે પાછળ હટવાના નથી તેમ સંરક્ષણ નિષ્ણાંતો માને છે.
એલએસી પર અત્યારે તનાવપૂર્ણ પરિસ્થિતિ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે લેહ પહોચી ગયા છે. નિવૃત મેજર જનરલ એ.કે.સિવાચે જણાવ્યું હતુ કે વડાપ્રધાનની આ મુલાકાતથી ચીનનો સીધો અને સ્પષ્ટ સંદેશો મળી ગયો છે. કે અમે હટવાના નથી. જો ચીની સૈનિકો એલઓસીપર અડિંગો જમાવી બેસી રહેશે તો અમારા સૈનિકો પણ ત્યાં જ રહેશે. આ મામલે કોઈ સમજુતી નહી થાય. સંરક્ષણ નિષ્ણાંત નિવૃત બ્રિગેડીયર વિક્રમ દત્તાનું કહેવું છે કે વડાપ્રધાન મોદીનાં આ સરદદ પરની મુલાકાતથી સરહદે ફરજ બજાવતા સૈનિકોનું મનોબળ વધ્યું છે. વડાપ્રધાનના આ પગલાથી જવાનો અને અધિકારીઓને પૂરતી તાકાત મળશે, મનોબળ વધશે જેથી એલએસી પર ચીનના મકકમતાથી સામનો કરી શકાશે.
વડાપ્રધાનના સીમાપર પહોચવાના આ પગલા અંગે વિક્રમ દત્તા કહે છે કે તેનાથી વડાપ્રધાનને પણ સરહદે કેવી સ્થિતિ છે.તેની સાચી માહિતી મળશે અને ખરી સ્થિતિ જાણી શકશે જયારે કોઈ પણ સેના પોતાના વડાપ્રધાનને સરદદ પર હાજર જુએ છે ત્યારે સૈનિકોનો જુસ્સો અનેક ગણો વધી જાય છે. નિવૃત મેજર જનરલ શશી અસ્થાના કહે છેકે અત્યાર સુધી ચીન સાથે ફૂલી વાટાઘાટો જ થઈ છે. બેઠકો થઈ છે. પણ હવે વડાપ્રધાન સરહદે પહોચતા તેમને સાચી સ્થિતિનો ખ્યાલ આવશે બ જાણકારી મળશે આ સાથે લશ્કરની કેવી તૈયારી છે તે પણ બ જાણી શકાશે. ચીન ભલે સરહદેથી પાછા હટવાની વાત કરે પણ આપણે ચીનની એક પણ વાત ઉપર ભરોસો કરી શકીએ નહી તેમ અસ્થાનાએ જણાવ્યું હતુ.