રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના બેકાબુ બન્યો છે. કોરોનાનો વિસ્ફોટ થતા લોકો સ્વયંભુ લોકડાઉન તરફ વળ્યા છે તથા જરૂર વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓએ કોરોનાનું સંક્રમણ અટકાવવા મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત એક-એક અઠવાડિયુ લોકડાઉન જાહેર કરી વેપારીઓ સ્વયંભુ આ લોકડાઉનમાં જોડાયા છે.
રાજકોટ શહેરની મુખ્ય ત્રણ બજારો જેમાં પ્રથમ સોનીબજાર, દાણાપીઠ ત્યારબાદ સતત ગ્રાહકોથી ધમધમતી દીવાનપરા કાપડ માર્કેટના વેપારી એસોસીએશને લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉનને પગલે બજારોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે જે બજારો ગ્રાહકોથી ઉભરાતી, ટ્રાફિકજામ થતો તે આજે સુમસામ ભાસી રહી છે.
કોરોનાની ચેઈન તોડવા વેપારીઓએ લોકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સોની બજાર, દાણાપીઠ અને દીવાનપરા કાપડ માર્કેટના વેપારીઓને આ સ્વયંભુ લોકડાઉનના દિવસો દરમ્યાન લાખોની ખોટ જશે તેમ છતાં શહેરીજનોના હિતમાં સ્વયંભુ બંધ પાડી વેપારી એસોસીએશનનો પ્રચંડ પ્રતિસાદ જોવા મળ્યો છે. શહેરની ત્રણેય મુખ્ય બજારો આ અઠવાડિયુ સંપૂર્ણ બંધ રહેશે.