એજન્સીઓના કર્મચારીઓએ માપણીમાં બેફામ ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદ મ્યુનિ.કમિશનર સુધી પહોંચતા તોળાતા આકરા પગલા
મહાપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષથી મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. કાર્પેટ એરિયાની આકારણી માટે નિયુકત કરાયેલી ત્રણ એજન્સીઓના કર્મચારીઓએ માપણીની કામગીરી દરમિયાન બેફામ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સુધી પહોંચતા હવે ત્રણેય એજન્સીઓને લાખો રૂપિયાનો દંડ ફટકારવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મિલકત વેરાની આકારણીમાં કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિની અમલવારી પૂર્વે મહાપાલિકા દ્વારા શહેરની સાડા ચાર લાખ મિલકતોની માપણી અને સર્વે કરવા માટે વાપ્કોશ, જીઆઈએસ અને એપાર્ક નામની ત્રણ એજન્સીઓને નિયુકત કરવામાં આવી હતી. એજન્સીને એક ઘરમાં માપણી માટે રૂ.૬૧ની ચુકવણી કરવામાં આવતી હતી. દરમિયાન એજન્સીના માણસોએ ઓછું કાર્પેટ બતાવવા માટે મિલકત ધારક પાસેથી નાણા કટકટાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આટલું જ નહીં જે વાંધા અરજીઓ આવે છે તેના નિકાલ દરમિયાન પણ એજન્સીના કર્મચારીઓ માપણીમાં ભારે ગોલમાલ કરતા હોવાની ફરિયાદ છેક મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સુધી પહોંચતા આ ત્રણેય એજન્સીઓને રૂ.પ-૫ લાખનો દંડ ફટકારવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.