નેમ આર્ટસ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરનું સહિયારું સર્જન
કોરોનાની બીજી લહેર પછી વર્તમાન સમયમાં રાજકોટ અને ગુજરાતમાં કોરોનાના કેસ માંડ ઘટી રહ્યા છે. મેડીકલ સ્ટાફ અને પોલીસ તંત્ર હજુ રાહતનો શ્વાસ લઈ રહ્યું છે. ત્યાં જ ઠેક ઠેકાણે જે રીતે લોકો ભયમુક્ત બનીને ટોળે વળી રહ્યા છે. સોશ્યલ ડીસ્ટન્સીંગ અને માસ્ક ન પહેરવાની બેદરકારી ગંભીર પરિણામ લાવી શકે છે. મોટાભાગના દેશોમાં ત્રીજી લહેર દેખાવી શરૂ થઈ ચૂકી છે અને ભારતમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આવવાની આગાહીઓ થઇ ચૂકી છે, છતાં લોકોનું અત્યંત બેજવાબદારીપૂર્ણ વર્તન ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યું છે.
આવા સમયે નેમ આર્ટસ અને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા ધ થર્ડ વેવ નામની શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે. મનીષ પારેખ લિખીત- દિગ્દર્શિત આ ફિલ્મ 27મી જૂનના રોજ યુ-ટ્યુબ પર રિલીઝ કરવામાં આવી હતી. જેને અત્યાર સુધીમાં આડત્રીસ સો થી વધારે લોકો જોઈ ચૂક્યા છે. અમેરિકા, યુ.કે, યુએઈ, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ આ ફિલ્મ જોવાઈ રહી છે. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ફિલ્મને ખૂબ વખાણી છે અને પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા છે.
આ ફિલ્મ વિશે વિગત આપતા લેખક-દિગ્દર્શક મનીષ પારેખે જણાવ્યું હતું કે, રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રમુખ મેહુલભાઈ નથવાણી અને સેક્રેટરી નિલેશભાઈ ભોજાણી સાથે ચર્ચા થઈ રહી હતી કે કોરોનાની ત્રીજી લહેરની ગંભીરતા વિશે લોકોને જાગૃત કરવા માટે કંઈક કરવું જોઈએ. તેમાંથી શોર્ટ ફિલ્મ બનાવવાનો વિચાર ઉદભવ્યો જેથી વિશ્વના કોઈપણ ખૂણે બેઠેલા વ્યક્તિ પણ તેને જોઈ શકે અને પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કરવાના પગલાં લઈ શકે. તરત જ ફિલ્મ લખાઈ અને ક્લબના જ સભ્યોને પસંદ કરીને શૂટિંગ શરૂ કરવામાં આવ્યું.
બાળકોથી માંડીને વડીલો સુધીની ઉંમરના 40થી વધુ સભ્યોએ પ્રથમ વખત શોર્ટ ફિલ્મ દ્વારા અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું. આ ફિલ્મમાં ભારત નગર સોસાયટીની પ્રતીકાત્મક રીતે વાત કરવામાં આવી છે. જે સમગ્ર ભારતનું પ્રતિક છે. આપણી આસપાસ બનતા અને બનેલા બનાવોને ધ્યાનમાં રાખીને કાલ્પનિક પ્રસંગો સાથે કાલ્પનિક પાત્રો રજૂ કરવામાં આવ્યા છે. ધ થર્ડ વેવ નામની આ ફિલ્મમાં મેહુલ નથવાણી,આશિષ જોશી, જયદેવ શાહ, સુનીલ અંબાસણા, સરજુ પટેલ,જયદીપ વાઢેર,નિલેશ ભોજાણી, મિહિર મોદી, દેવાંગી મોદી, વિધી નથવાણી,ફાલ્ગુની વેગડા, સોનલ પટેલ,દિપક કોઠારી, હર્ષવી નાગ્રેચા, પૂર્વી લાખાણી,અપૂર્વ મોદી, દીયા કોટેચા, સાહિલ લાખાણી,પ્રફુલ ગોહેલ, ચિત્રા ગોહેલ, કાશ્વી કારીયા, હિતાંશી મંગતાની, સિમોલી વાઢેર, મિશ્રી નથવાણી,ક્રિશા કારીયા, વ્યોમ નથવાણી, મેરિલ વેગડા, જીયા નથવાણી, આશિની મોદી, અર્હમ મોદી, આહના મોદીએ અભિનય કર્યો છે.
ક્રિએટિવ હેડ અને એડિટર કિશન બગથરીયા, સિનેમેટોગ્રાફી હાર્દિક નડિયાપરા, પ્રોજેક્ટ સંકલન શીતલ પટેલ,પૂર્વી લાખાણીએ સંભાળ્યું હતું. જ્યારે સહાયક દિગ્દર્શક શિવમ ત્રિવેદી અને દેવાશિષ જોશી, મેકઅપ રાકેશ કડીયા તથા સંગીત નીરજ શાહનું છે. ફિલ્મના પ્રમોશનલ પાર્ટનર તરીકે રંગ છે રાજકોટ, સપોર્ટ ગુજરાતી મુવીસ ફોરેવર અને પ્રજા ઇવેન્ટસ જોડાયા છે. આ ફિલ્મ યુ-ટ્યુબ પર ધ થર્ડ વેવ અથવા તો નેમ આટ્સ સર્ચ કરવાથી જોઈ શકાશે.