૮૦,૦૦૦ સ્કવેર મીટરમાં બનશે નવું ટર્મિનલ

ગુજરાતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે પ્રવાસીઓના સતત ધસારાને જોતે અમદાવાદ એરપોર્ટ પર ત્રીજુ ટર્મિનલ પણ બનાવવામાં આવશે. સરદાર વલ્લભબાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટર મનોજ ગાંગલે કહ્યું કે, એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા સતત વધી રહી હોવાથી આ નવા ટર્મિનલની પ્રપોઝલ મુકવામાં આવી હતી જે હાલમાં જ મંજૂર થઈ છે. ૮૦૦૦૦ સ્ક્વેર મીટરના વિસ્તારમાં રુ. ૧૩૦૦ કરોડના ખર્ચે આ નવું ટર્મિનલ બનશે.

હાલના ડોમેસ્ટિક ટર્મિનલ એટલે કે ટર્મિનલ-૧ની બાજુમાં જ આ નવું ટર્મિનલ બનાવવામાં આવશે. જે જમણી તરફ ફેસિંગના એન્ટ્રસ સાથેનું ટર્મિનલ હશે. જેને બનાવવા માટેની તમામ ઔપચારિક્તાઓ પૂર્ણ થવાના અંતિમ તબક્કામાં છે. તેમણે વધુમાં કહ્યું કે, લગભગ ૨ મહિના પહેલા જ આ પ્લાનને મંજૂરી મળી ગઈ છે ત્યારે અમે આશા છે કે ૨૦૧૯ની શરુઆતમાં જ તેનું ખાતમુહૂર્ત કરી લેવામાં આવશે.

એવિએશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ૧૩૦૦ કરોડનું ફંડ મંજૂર કરવા સાથે નક્કી કર્યું છે કે આ નવું ટર્મિનલ ડોમેસ્ટિક પેસેન્જર્સને સર્વ કરશે. ગાંગલનું કહેવું છે કે પાછલા ૩ વર્ષમાં ડોમેસ્ટિક પેસેન્જર્સની સંખ્યા બમણી થઈ ગઈ છે. જેના કારણે એરપોર્ટની જગ્યા ટૂંકી પડી રહી છે.

એરપોર્ટ પર રોજના ૩૫૦૦૦ મુસાફરો આવનજાવન કરે છે. જે પૈકી ૮૦% તો ડોમેસ્ટિક હોય છે. અઅઈંના અહેવાલ મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં બંને ટર્મિનલ પર કુલ મળીને ૯૧.૨ લાખ મુસાફરો પસાર થયા છે. જેનો મતલબ છે કે એરપોર્ટની ઓરિજનલ કેપેસિટી જે ૮૫.૧ લાખ છે તેના કરતા મુસાફરોની સંખ્યા ઘણી વધી ગઈ છે. જે આગામી વર્ષમાં ૧ કરોડની ઉપર થઈ જવાની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.