સરધારની જમીનના પ્રકરણમાં કોર્ટનો હુકમ હોવા છતાં તેની દરકાર ન કરનાર કથીરિયા સામે ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટ : 6મેં એ હાજર રહેવા કોર્ટની નોટિસ
તત્કાલીન તાલુકા મામલતદાર એસ.બી. કથીરિયાને કોર્ટનું તેડું આવ્યું છે. સરધારની જમીનના પ્રકરણમાં કોર્ટનો હુકમ હોવા છતાં તેની દરકાર ન કરનાર કથીરિયા સામે કોર્ટ ઓફ ક્ધટેમ્પ્ટ દાખલ થઈ છે. જે બદલ 6 મેં એ કોર્ટમાં હાજર રહેવા કોર્ટે આદેશ કર્યો છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ અરજદાર લાસુબેન કે જેઓ ઘેલાભાઈ પરબતભાઇ ખૂટના દીકરી થાય. તેઓએ પિતાની વડીલો પાર્જીત ખેતીની જમીન જે સરધાર મુકામે આવેલ હોય, તે જમીનમાં પોતાનો 1/5 હિસ્સો મેળવવા પોતાના એડવોકેટ મારફત રાજકોટમાં મહે. એડિશનલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં દાવો કરેલ હતો.
જે અન્વયે નામદાર કોર્ટે લાસુબેનનો 1/5 ભાગ ઠરાવી આપવાનો હુકમ ફરમાવેલ હતો. જે અંગે અરજદારે રાજકોટ તાલુકા મામલતદાર એસ.બી. કથીરિયાને હુકમ મુજબ નોંધ દાખલ કરવા માટે અરજી કરી હતી. અવારનવાર રજુઆત કરવા છતાં તાલુકા મામલતદાર એસ.બી. કથીરિયાએ નામદાર કોર્ટનો હુકમ દરકારેલ ન હતો. અને હક્ક પત્રકના બીજા હક્કમાં નોંધ દાખલ કરેલ હતી. જેથી અરજદારે પોતાના વકીલ મારફત તે સમયના રાજકોટ તાલુકા મામલતદાર એસ.બી. કથીરિયા સામે ક્ધટેમ્પ્ટ ઓફ ધી કોર્ટની કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહી અંતર્ગત કોર્ટ દ્વારા તત્કાલીન મામલતદાર એસ.બી. કથીરિયાને નોટિસ ફટકારી 6 મેના રોજ કોર્ટ સમક્ષ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કામમાં અરજદાર તરફે રાજકોટના એડવોકેટ નિલેશ વી. સાકરીયા રોકાયેલ છે.